આ સન્માન મેળવનારા પહેલા ભારતીય અભિનેતા ધર્મેન્દ્રને અમેરિકામાં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા

વરિષ્ઠ એક્ટર ધર્મેન્દ્રને અમેરિકાના ન્યૂ જર્સીમાં લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ન્યૂ જર્સી સ્ટેટની જનરલ ઍસેમ્બ્લી તથા સેનેટે પાસ કરેલા પ્રસ્તાવમાં ૮૫ વર્ષીય ધર્મેન્દ્રને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, બંને સદનમાં હિન્દી સિનેમામાં ધર્મેન્દ્રના અમૂલ્ય યોગદાનને જોતા આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. છ દાયકાની લાંબી કરિયર તથા ૩૦૦થી વધુ ફિલ્મમાં ધર્મેન્દ્રે કામ કર્યું છે.

અવોર્ડ સેરેમની અમેરિકાની પબ્લિકેશન કંપની બોલિવૂડ ઈનસાઈડરે ઓનલાઈન હોસ્ટ કરી હતી. આયોજકોના મતે, આ પહેલી વાર છે, જ્યારે અમેરિકાના રાજ્યે કોઈ ભારતીય એક્ટરને આ રીતે સન્માન આપ્યું હોય. ધર્મેન્દ્રે અવોર્ડ બાદ બોલિવૂડ ઈનસાઈડરનો આભાર માન્યો હતો અને કહૃાું હતું કે તેઓ આ સન્માન મેળવીને ખુશ છે.

ધર્મેન્દ્રે ન્યૂ જર્સી સેનેટમાં સન્માન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, કોવિડ ૧૯ને કારણે તમામ આયોજન કેન્સલ કરવા પડ્યાં હતાં. ધર્મેન્દ્રને આ સન્માન આપવાનો પ્રસ્તાવ સેનેટર માઈકલ ડોહર્ટીએ મૂક્યો હતો. તેમના મતે, બંને સદનના તમામ ૧૨૦ સભ્યોએ આ પ્રસ્તાવ કોઈ પણ જાતના વિરોધ વગર પાસ કર્યો હતો. અવોર્ડ સેરેમનીમાં ન્યૂ યોર્કના ભારતીય કાઉન્સેલર જનરલ એમ્બેસેડર રણધીર જયસ્વાલ તથા બોલિવૂડ ઈનસાઈડરના પ્રકાશક વિંરદ ભલ્લા સામેલ થયા હતા.