ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોકસે બોલ પર થૂંક લગાવતા અમ્પાયરે આપી ચેતવણી

ભારત સામેની બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ બોલિંગ વખતે બોલની ચમક જાળવી રાખવા માટે તેના પર થૂંક લગાવતા પકડાઈ ગયો હતો. ઓનફિલ્ડ અમ્પાયર વિરેન્દ્ર શર્માએ તેને પકડી લીધો હતો અને આ રીતે થૂંક લગાવવા બદલ તેને ચેતવણી આપી હતી.

બોલને પ્રોટોકોલ મુજબ સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો અને અમ્પાયરે ઇંગ્લેન્ડના કેપ્ટન બટલરને પણ આ વાતની જાણકારી આપી હતી. આ પ્રકારનો ગુનો ફરી વારથી થાય તો પેનલ્ટી પેટે હરીફ ટીમને પાંચ રન આપવામાં આવે છે.

ભારતની ઇનિંગ્સની ચોથી ઓવર દરમિયાન આ ઘટના બની હતી. રીસ ટોપલીએ ભારતનો સ્કોર વિના વિકેટે ૮ રનનો હતો ત્યારે ડોટ બોલ નાખ્યો હતો. બોલ સ્ટોક્સ પાસે પહોંચ્યો હતો, તે સ્લિપ કોર્ડનમાં ઊભો હતો. તે અચાનક જ બોલ પર થૂંક લગાવવા લાગ્યો હતો. ગયા વર્ષે જુનથી કોવિડ-૧૯ના લીધે આઇસીસીએ બોલ પર થૂંક લગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આઇસીસી કોવિડ-૧૯ નિયંત્રણો મુજબ ટીમને પ્રતિ ઇનિંગ્સ આ માટે બે વખત ચેતવણી આપવામાં આવે છે, પરંતુ આમ છતાં પણ જો થૂંક લગાવવામાં આવે તો પેનલ્ટી પેટે પાંચ રન બેટિંગ સાઇડને આપવામાં આવે છે.

આ પ્રવાસમાં બોલ પર થૂંક લગાવવા માટે સ્ટોક્સને બીજી વખત ચેતવણી આપવામાં આવી છે. આ પહેલા અમદાવાદમાં પિક્ધ બોલ ટેસ્ટ વખતે આ ચેતવણી આપવામાં આવી હતી.