ઇંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સના કેન્સર પિડિત પિતાનું નિધન

ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના પિતાનું રાત્રે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં નિધન થયું હતું. ગેડ સ્ટોક્સ છેલ્લા કેટલાક સમયથી બ્રેઇન કેન્સરની બીમારીથી પીડાતા હતા. તેઓ ૬૫ વર્ષના હતા. બેન સ્ટોક્સ હાલમાં ઇંગ્લેન્ડની ટીમની સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયો છે. જ્યાં ત્રણ ટી૨૦ મેચની સિરીઝ રમાયા બાદ કોરોનાને કારણે વન-ડે સિરીઝ રદ કરવાની ફરજ પડી હતી.

હજી સોમવારે જ આ સિરીઝ રદ કરવામાં આવી હતી. જોકે સ્ટોક્સને વન-ડે સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો. બેન સ્ટોક્સના પિતા ગેડ સ્ટોક્સ ભૂતપૂર્વ રગ્બી ખેલાડી હતા અને કોચિંગ પણ આપતા હતા. તેમને બ્રેઇન કેન્સર હતું. બેન સ્ટોક્સ પણ તેના પિતાની સરભરા કરવા માટે થોડા સમય અગાઉ એક મહિના માટે ક્રાઇસ્ટચર્ચમાં રહૃાો હતો.

હકીકતમાં તેને આઇપીએલમાં રમવા માટે દૂબઈ પહોંચવાનું હતું પરંતુ તેના પિતા બીમાર હોવાથી તે મોડેથી પહોંચ્યો હતો. રાજસ્થાન રોયલ્સની ટીમે તેની પ્રારંભિક મેચો બેન સ્ટોક્સ વિના જ રમી હતી. આ ઉપરાંત આ જ સિઝનમાં ઇંગ્લેન્ડની ટીમ પણ ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સિરીઝ રમી ત્યારે બેન સ્ટોક્સ તેની બીમાર પિતા પાસે ન્યૂઝીલેન્ડમાં હતો.