ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ફરી એક વખત ઈરાનને ચેતવણી આપી છે. નેતન્યાહૂના કહેવા પ્રમાણે ઈરાન સાથે થનારી કોઈ પણ પ્રકારની ન્યુક્લિયર ડીલ પર ઈઝરાયેલ ભરોસો કરી શકે તેમ નથી. ઈરાનને ન્યુક્લિયર શસ્ત્રો હાંસલ કરતા રોકવા માટે ઈઝરાયેલ જે પણ કરવુ પડે તે કરશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાની નવી બાઈડેન સરકાર દ્વારા ઈરાન સાથે ન્યુક્લિયર ડીલ પર ચર્ચા કરવાની કવાયત નવેસરથી શરુ કરવામાં આવી છે ત્યારે જ ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ આ નિવેદન આપ્યુ છે.તેમણે કહૃાુ હતુ કે, ઈઝરાયેલ ઈરાનના અંતિમવાદી નેતૃત્વ પર ભરોસો કરી શકે તેમ નથી.આ પહેલા અમે નોર્થ કોરિયા સાથે થયેલી અમેરિકાની ડીલ પણ નિષ્ફળ જતી જોઈ છે.ઈરાન સાથે અમેરિકા કોઈ ડીલ કરે કે ના કરે પણ ઈરાનના હાથમાં પરમાણુ હથિયારો ના આવે તે માટે ઈઝરાયેલ તમામ પ્રયાસો કરી છુટશે.
દરમિયાન ઈરાને ૨૦૧૫માં અમેરિકા સાથે થયેલી ન્યુક્લિયર ડીલને ફરી લાગુ કરવા માટે અમેરિકા પર દબાણ કરવાનુ શરુ કરી દીધુ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉની ટ્રમ્પ સરકારે આ ડીલ રદ કરી નાંખીને ઈરાન પર નવેસરથી પ્રતિબંધો મુકી દીધા હતા.જોકે હવે અમેરિકામાં સરકાર બદલાઈ છે ત્યારે ઈરાને અમેરિકા દ્વારા લગાડાયેલા પ્રતિબંધો હટાવવા માટે અમેરિકા પર દબાણ કરવાનુ શરુ કરી દીધુ છે.