ઇન્ડિયા ઓપન બેડમિન્ટનનો ૧૧મી મેથી થશે પ્રારંભ, પ્રેક્ષકો વિના યોજાશે ટૂર્નામેન્ટ

ઓલિમ્પિક ચેમન્પિયન કેરોલિના મારિન અને વિશ્ર્વનો પ્રથમ ક્રમાંકિત કેન્ટા મોમોટો અહીં ૧૧મીથી ૧૬મી મેચ સુધી રમાનારી ઇન્ડિયા ઓપન સુપર ૫૦૦ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ પ્રેક્ષકોની ગેરહાજરીમાં રમાડવામાં આવશે. ટોક્યો ઓલિમ્પિક પહેલાં આ છેલ્લી ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટ છે. ચીન સહિત ૩૩ વિવિધ નેશનલ એસોસિયેશનના ૨૨૮ ખેલાડીઓ ભાગ લેશે. ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયન મારિન વિમેન્સ સિંગલ્સમાં પ્રબળ દાવેદાર રહેશે. આ ટૂર્નામેન્ટમાં ભારતની પીવી સિંધૂ, જાપાનની અકાને યામાગુચી, કોરિયાની એક એન સેન યંગ તથા થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગ પણ ભાગ લેવાની છે.

ભારતના ૪૮ ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાના છે, જેમાં ૨૭ મહિલા તથા ૨૧ મેન્સ ખેલાડીઓ છે. મલેશિયાના ૨૬ ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. મેન્સ કેટેગરીમાં બે વખતનો વર્લ્ડ ચેમ્પિયન મોમોટા, ૨૦૨૦નો ચેમ્પિયન વિક્ટર એક્સેલસેન, એન્ડર્સ એન્ટોસેન, ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન જિ જિયા લી પણ રમવાના છે. ભારતીય મેન્સમાં કિદામ્બી શ્રીકાંત, બી સાઇ પ્રણીત તથા પી. કશ્યપ પણ સામેલ છે. વિમેન્સ ડબલ્સમાં અશ્ર્વિની પોનપ્પા અને સિક્કી રેડ્ડી ઉપર મદાર રહેશે.