ઇશિંનદના આરોપ હેઠળ પાકિસ્તાનના પંજાબમાં ૧૦૦ પાઠ્ય પુસ્તકો પર પ્રતિબંધ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે એક ભારે મોટા નિર્ણય અંતર્ગત શાળાઓમાં ભણાવવામાં આવતા ૧૦૦ પુસ્તકો પર પ્રતિબંધ મુકી દીધો હતો. પંજાબ સરકારના કહેવા પ્રમાણે આ પુસ્તકો દ્વાર ઈશિંનદા અને ચિંતાજનક પાઠ ભણાવવામાં આવતા હતા.

પંજાબ કરિકુલમ એન્ડ ટેક્સ્ટબુક બોર્ડ (પીસીટીબી)ના વહીવટી સંચાલક રાય મંજૂર નાસિરના કહેવા પ્રમાણે કેટલાક પુસ્તકો એવા છે જેમાં પાકિસ્તાનના સંસ્થાપક ’કાયદે આજમ’ મોહમ્મદ અલી જિન્ના અને રાષ્ટ્રીય શાયર અલમ્મા મોહમ્મદ ઈક્બાલની ખોટી જન્મતિથિ લખવામાં આવી છે. તે સિવાય કેટલાક પુસ્તકોમાં ’ટુ નેશન થિયરી’ અંગે પણ ખોટી જાણકારી આપવામાં આવી છે.

રાય મંજૂર નાસિરના કહેવા પ્રમાણે ૧૦૦થી પણ વધારે એવા પુસ્તકો છે જેમાં ચિંતાજનક કન્ટેન્ટ આપવામાં આવ્યું છે. તેમાં ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, લિંક ઈન્ટરનેશનલ પાકિસ્તાન, પેરાગોન બુક્સ જેવી કંપનીઓ પણ સામેલ છે જેના પુસ્તકો શાળામાં ભણાવવામાં આવે છે.

આ કારણે કમિટીની ભલામણોને ધ્યાનમાં રાખીને આ પુસ્તકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નાસિરના કહેવા પ્રમાણે પ્રતિબંધિત પુસ્તકોમાં પાકિસ્તાન વિરોધી કન્ટેન્ટ પણ લખવામાં આવેલા છે. પીસીટીબીએ તાજેતરમાં જ આ પુસ્તકોને તરત બજારમાંથી દૂર કરવા નિદેશ આપ્યો હતો.