ઇશ્ર્વરીયામાં શ્રી મદદ પ્રાથમિક શાળાનું લોકાપર્ણ

અમરેલી,
અમરેલી નજીકના ઈશ્વરીયા ગામે આજ રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતીમાં સુપ્રસિધ્ધ કથાકારશ્રી મોરારીબાપુના હસ્તે ’મદદ’ શ્રી ઈશ્વરીયા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલા, મથુરાના સાંસદશ્રી હેમા માલિની, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી સહિતના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લાના કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટેની ઝુંબેશનો આજથી કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ પૃષ્ટીમાર્ગના પ્રણેતા શ્રીવલ્લભાચાર્યના પ્રાગટ્યોત્સવ નિમિત્તે શુભારંભ કરાવ્યો હતો. પ્રાથમિક શાળાના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોએ શાળા પરિસરની મુલાકાત લીધી હતી તથા ગામના પ્રસિધ્ધ ઈશ્વરીયા મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગાયકવાડ વખતની શાળાનું નવીનીકરણ કર્યા બાદ લોકાર્પણ કરતાં ગૌરવની લાગણી અનુભવતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસની રાજનીતિ કરવાની અનોખી પ્રણાલી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ભેંટ છે. મુખ્યમંત્રીશ્રીએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી અને સહિયારા પ્રયાસથી રાજ્યમાં ગામના વિકાસ માટે ગામનો સ્થાપના દિવસ, શાળાનો સ્થાપના દિવસ, ખેત તલાવડી, તળાવ, જળસંચય વગેરે જેવા કાર્યો ગ્રામ્ય કક્ષાએ વિકાસ ઉત્સવ થકી ઉજવણી થાય તેવી આશા વ્યક્ત કરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે પ્રાકૃતિક ખેતી તરફ વળીને રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણ માટે જ્ઞાન રૂપી દેવી અને નદી રૂપી દેવી સરસ્વતીના સંસર્ગથી વ્યક્તિને સર્વ દોષોમાંથી મુક્તિ અપાવે છે.મદદ સંસ્થા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મદદ કરવા માટે કોઇને કહેવું અને મદદ કર્યા પછી કોઇને કહેવું તો એ મદદ નથી. આમ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સુત્રને મદદ ટ્રસ્ટે ચરિતાર્થ કર્યું છે.
ઇશ્વરીયા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરતાં પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ જણાવ્યું હતું કે, સરસ્વતી માણસને દોષ મુક્ત કરે છે તે લુપ્ત નથી પરંતુ ગુપ્ત હોય છે. શિક્ષણ શિક્ષા ન રહે પરંતુ વિદ્યાનું રૂપ બને. મોરારી બાપુએ ઇશ્વરીયા ગામ સહિત સમગ્ર ગુજરાતમાં આદર્શ ગામ તરીકે પ્રસ્થાપિત કરવા માટે દરેક ગામમાં પાઠશાળા, ગૌ શાળા, વ્યાયામ શાળા, ધર્મ શાળા, ભોજન શાળા, આરોગ્ય શાળા અને પ્રયોગ શાળા હોવા પર ભાર મુક્યો હતો. મોરારીબાપુએ ગુજરાતની શાળાઓની સુવિધા અને શિક્ષણ અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત જેવી પ્રાથમિક શાળાઓ બીજા પ્રાંતોની હાઇસ્કુલોથી ઉત્તમ તથા ગુજરાત જેવી હાઇસ્કુલો અન્ય પ્રાંતોની કોલેજોથી પણ ઉત્તમ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અંગે મોરારી બાપુએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જ નહીં પરંતુ “ભદ્રપુરુષ” મુખ્યમંત્રી મળ્યા છે જે જમીન સાથે જોડાયેલ છે.મોરારી બાપુએ ઇશ્વરીયા પ્રાથમિક શાળાના પુન:નિર્માણના સહયોગી દાતાઓને બિરદાવ્યા હતા. મોરારી બાપુ સરદાર વલ્લભભાઇ પટેલના સાન્નિધ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા કોલોની ખાતે રામકથા કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો મનોરથ વ્યક્ત કર્યો હતો.
આ તકે કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, આ શાળાનો પ્રારંભ સાથે કુપોષણ સામે ઝુંબેશ શરૂ કરી છે. કુપોષણ એ ભોજનના અભાવના કારણે નહીં પરંતુ જાગૃતિના અભાવે થાય છે. કુપોષણને ખતમ કરીને બાળકોને સુપોષિત કરવા માટે યોગ્ય કાળજી અને જાગૃતિની જરૂર છે. તંદુરસ્ત બાળકો સ્વસ્થ નાગરિક બનીને સ્વસ્થ ભારતના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. રાજ્યની સુખાકારી માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈમોદીએ ગુજરાતમાં મા-કાર્ડ યોજના શરૂ કરાવી અને દેશની જનતા માટે આયુષ્યમાન કાર્ડ આપીને મજબુત અને સ્વસ્થ દેશના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. શાળાના લોકાર્પણ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મથુરાના સાંસદ હેમામાલીની એ દિકરા-દિકરીના ભેદભાવ દૂર કરીને બાળકોને પોષણ યુક્ત આહાર, સંસ્કાર અને ધર્મ અંગેનું શિક્ષણ આપવાની હિમાયત કરી હતી. આ પ્રસંગે સાંસદશ્રી હેમામાલીની એ પશુપાલન વિભાગના કેન્દ્રીયમંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાને પશુઓ પ્રત્યેની હિંસા અને દુરવ્યવહાર અટકાવવા યોગ્ય પગલાં લેવા સુચન કર્યું હતું. શાળાના લોકાર્પણ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી એ જણાવ્યું હતું કે, દેશ વિદેશમાં ગુજરાતના વિદ્યાર્થીઓ સ્પર્ધા કરી શકે તેવું શ્રેષ્ઠ અને ઉત્તમ શિક્ષણ ગુજરાતમાં અપાઇ રહ્યું છે ત્યારે ઇશ્વરીયા ગામની આ પ્રાથમિક શાળા પોતાની અલગ જ છાપ ઉભી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અમરેલી તાલુકામાં યોજાયેલી તંદુરસ્ત બાળક સ્પર્ધામાં વિજેતા કુલ 18 બાળકોને કથાકાર મોરારીબાપુ અને સાંસદશ્રી હેમા માલિનીના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.ઈશ્વરીયા પ્રાથમિક શાળાના નવનિર્માણમાં ખુલ્લા મને ફાળો આપનાર તમામ દાતાઓને શાલ ઓઢાળીને અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે રાજ્યકક્ષાના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી આર.સી. મકવાણા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેખાબેન મોવલીયા, ઇફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્ર્વિન સાવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા , ભાવનાબેન ગોંડલીયા, અમરેલી જી.સ.ખ.વે.સં.પ્રમુખ જયંતીભાઇ પાનસુરીયા, જિલા સંઘના ચેરમેમ મનીષ ભાઇ સંઘાણી, ધીરૂભાઇ વાળા, રેખાબેન માવદીયા, વનરાજભાઇ કોઠીવાળ, અલ્કાબેન ગોંડલીયા, રંજનબેન ડાભી સહિતના અનેક મહાનુભાવો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.