ઈંગ્લેન્ડે ૩ મેચોની વન ડે સીરિઝનો બીજો મુકાબલો જીતી લીધો છે. યજમાન ટીમે પોતાના બોલર્સના દમ પર કાંગારૂઓને ૨૪ રનોથી માત આપી છે અને સીરિઝમાં ૧-૧થી બરાબરી કરી લીધી છે. ૨૩૨ રનોનાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ ૪૮.૪ ઓવરોમાં ૨૦૧ રનો પરથી પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ક્રિસ વોક્સ (૧૦-૧-૩૨-૩), મેન ઓફ ધ મેચ જોફ્રા આર્ચર (૧૦-૨-૩૪-૩) ઉપરાંત ટોમ કુરેન (૯-૦-૩૫-૩)ની બોલિંગ ઓસ્ટ્રેલિયા પર ભારે પડી ગઈ હતી. હવે સીરિઝની નિર્ણાયક મેચ માનચેસ્ટરમાં જ ૧૬ સપ્ટેમ્બરે રમાશે.
આ પહેલાં લેગ સ્પિનર એડમ જામ્પાની ઓવરોમાં દમદાર બોિંલગથી ઓસ્ટ્રેલિયાએ રવિવારે માન્ચેસ્ટરમાં બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને ૯ વિકેટ પર ૨૩૧ રન જ બનાવાનો મોકો આપ્યો હતો. જવાબમાં ૩૭ રનોનાં સ્કોર પર ડેવિડ વોર્નર (૬) અને માર્ક્સ સ્ટોઈનિસ (૯)એ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન એરોન ફિન્ચ અને માર્નસ લાબુશેને ત્રીજી વિકેટ માટે ૧૦૭ રનોની પાર્ટનરશિપ કરીને ટીમને સંભાળવાની કોશિશ કરી હતી.
પણ ૨ બોલમાં જ ઓસ્ટ્રેલિયાએ ૪ વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં ૩ વિકેટ તો ક્રિસ વોક્સ લઈ ગયો હતો. આ સાથે જ ઈંગ્લેન્ડે મેચમાં વાપસી કરી લીધી હતી. આ દરમિયાન લાબુશેન (૪૮), મિશેલ માર્શ (૧), એરોન ફિન્ચ (૭૩) અને ગ્લેન મેક્સવેલ (૧) રન બનાવીને પરત ફર્યા હતા. એટલે કે ૧૪૭ રનો પર ૬ વિકેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમમાં એક બાદ એક વિકેટો પડતી જ ગઈ હતી.