ઈન્ટરનેશનલ ક્રિકેટમાં દસ વર્ષ પૂરા કરવા બદલ ચેતેશ્વર પૂજારાએ સમર્થકોનો માન્યો આભાર

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના મિ. વોલ મનાતા ચેતેશ્વર પૂજારાએ નવમી ઓક્ટોબરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેના દસ વર્ષ પૂરા કર્યા હતા. આ પ્રસંગે તેણે પોતાના ફેન્સે આપેલા પ્રેમ અને સમર્થન માટે આભાર માન્યો હતો. પૂજારાએ ૨૦૧૦ની નવમી ઓક્ટોબરે બેંગલોર ખાતે રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે રમીને પોતાની કરિયરનો પ્રારંભ કર્યો હતો. પૂજારાએ ભારતના બીજા દાવમાં ૭૨ રન ફટકાર્યા હતા જેને કારણે ભારતીય ટીમ ૨૦૭ રનનો ટારગેટ વટાવીને મેચ જીતવામાં સફળ રહી હતી.
ત્યાર બાદ તો પૂજારા ભારતીય ટીમનો ભરોસાપાત્ર ખેલાડી બની ગયો હતો. રાહુલ દ્રવિડની વિદાય બાદ પૂજારા એકમાત્ર એવો બેટ્સમેન હતો જેની પાસેથી ટીમના બચાવવાની અપેક્ષા રાખી શકાતી હતી. તે ગમે તેવા ફાસ્ટ કે સ્પિન બોલિંગ આક્રમણ પર, વિદૃેશમાં કે ભારતમાં, કોઇ પણ પિચ પર આસાનીથી બેિંટગ કરીને અડિખમ ઉભો રહી શકે છે. તેની હાજરીને કારણે જ ટીમને રાહુલ દ્રવિડની ગેરહાજરી સાલતી નથી.
૨૦૧૮માં પૂજારાની બેટિંગને કારણે જ ભારતે ૭૧ વર્ષ બાદ પહેલી વાર ઓસ્ટ્રેલિયન ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી હતી જેમાં પૂજારાએ ૫૦૦ રન ફટકાર્યા હતા. પૂજારાએ જણાવ્યુ હતું કે સંજોગવશાત મારી પત્નીનો આજે જન્મ દિવસ છે. આમ આ દિવસ મારા માટે હંમેશાં યાદ રહી જશે. પૂજારા ભારત માટે ૭૭ ટેસ્ટ રમ્યો છે જેમાં તેણે ૧૮ સદી સાથે ૫૮૪૦ રન ફટકાર્યા છે.