જેમના સ્મરણ માત્રથી સઘળા સંકટ-વિઘ્નો દૂર થવા લાગે છે તેવા દુંદાળા દેવના પર્વ ‘ગણેશ ચતુર્થી’ની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી અને હવે વિસર્જનની વસમીવેળા આવી ગઈ છે. જેમની દસ દિવસ સુધી પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિ કરી એવા ગજાનન સાથે માનવ મનની લાગણીઓ જોડાઈ જાય છે. જાણે બાપ્પા મનુષ્ય સાથે જ.. તેની સમીપ જ રહે છે. તેમની પૂજા-અર્ચના કરવાથી આધિ-વ્યાધિ અને ઉપાધિ તો દૂર થાય જ છે પણ આંતરમનથી તેમના પ્રત્યે અહીંર્ભાવ પણ ઉત્પન્ન થાય છે. ગણપતિ બાપ્પા એકલા એવા ભગવાન છે જે મહારાષ્ટ્ર હોય કે સૌરાષ્ટ્ર.., ટેક્સાસ હોય કે ત્રિપુરા, પંજાબ હોય કે પોલેન્ડ, ઇન્દોર હોય કે ઇન્ડોનેશિયા, ઉત્તર પ્રદેશ હોય કે ઉત્તરાખંડ… વિશ્ર્વના દરેક ખૂણે તેમની પૂજા-આરતી તો થતી જ હોય..
સમગ્ર વિશ્ર્વમાં મુંબઈ બાદ ગણપતી બાપ્પાની ઓળખ તો ઇન્ડોનેશિયાના આરાધ્ય દેવ તરીકે જ થાય છે. ઇન્ડોનેશિયામાં માત્ર ૩% હિન્દુઓ વસવાટ કરે છે. જ્યારે ૮૭.૯% લોકોએ ઇસ્લામ ધર્મને અંગીકાર કર્યો છે પણ તેમની શ્રદ્ધા અને આસ્થા તો ગણપતિ બાપ્પા સાથે જોડેયેલી છે. જેમ ભારતમાંં ચલણી નોટ પર ગાંધીજી મરક મરક હંસે છે તેમ ઇન્ડોનેશિયાની સૌથી મોટી અને મોંઘી ચલણી નોટ પર વિધ્નહર્તા ગણેશજીની તસવીરને અંકિત કરવામાં આવી છે.
ભારતમાં આજે તો એક રૂપિયાનું મૂલ્ય તો કંઈ નથી.. પરંતુ આશ્ર્ચર્યની વાત છે કે ઇન્ડોનેશિયાના ચલણને ‘રૂપિયા’ તરીકે જ ઓળખવામાં આવે છે. જેની રૂ.૨૦ હજારની નોટ પર ગણપતિ બાપ્પાની મૂર્તિના દર્શન થાય છે. દુંદાળા દેવને આટલું મહત્ત્વ આપવાનું કારણ છે ઇન્ડોનેશિયાની ધર્મપ્રિય માનસિકતા.. ઇન્ડોનેશિયાની પ્રજામાં ૧૯૨૮ની સાલથી પેઢી દર પેઢી ગણેશોત્સવની ઉજવણી કરવાની પ્રથા ચાલતી આવે છે. ઇન્ડોનેશિયામાં ગણપતિજી શિક્ષણ, કળા અને વિજ્ઞાનના દેવ તરીકે પૂજાય છે. ત્યાંની સ્થાનિક શાળાઓમાં પણ શ્રીજીની પ્રાર્થના ગુંજે છે.
ઇન્ડોનેશિયામાં વર્ષો પહેલા અર્થતંત્રમાં ફુગાવો વધી ગયો હતો. ઇકોનોમિક ડામાડોળ થઈ ગઈ હતી તે સમયે અર્થશાસ્ત્રીઓ દ્વારા બાપ્પાને ચલણમાં સ્થાન આપવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો જેથી દેશ પર આવેલ વિઘ્નને ગજાનન હણી લે.. ઇન્ડોનેશિયા સત્તાધીશો પણ એ વિચાર સાથે સહમત હતા કારણ કે જે સ્થળ પર મિટિંગ ચાલતી હતી ત્યાં પણ ૬ ફૂટની ગણપતિ બાપ્પાની મૂર્તિ બિરાજમાન હતી.
ગણેશજીની તસવીર સાથે તરવરી રહેલી નોટમાં સાચે ચમત્કાર થયો અને ઇન્ડોનેશિયાના આર્થિક સંકટો દૂર થયા.. એટલે આજે પણ ઇન્ડોનેશિયન પ્રજા બાપ્પાનો આભાર માનતા કહે છે કે, ગણપતિ બાપ્પાના કારણે જ ત્યાંની અર્થવ્યવસ્થા મજબુત છે. રૂ.૨૦ હજાર રૂપિયાની નોટ પર નજર કરીએ તો આગળ ભગવાન શ્રી ગણેશ છે અને પાછળના ભાગમાં એક ક્લાસરૂમની છબી છે. તેમાં ઇન્ડોનેશિયાના પ્રથમ શિક્ષણમંત્રી દેવાંત્રાની તસવીર પણ છાપવામાં આવી છે. ઇન્ડોનેશિયામાં ઘણી જગ્યાઓ પર હિંદુ ધર્મના ચિન્હો જોવા મળે છે. ઇન્ડોનેશિયામાં આર્મીના શુભચિહ્ન તરીકે હનુમાનજી છે અને ત્યાંના સૌથી પ્રમુખ અને પ્રખ્યાત પ્રવાસી સ્થળ પર અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા લાગેલી છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ રથ ચલાવી રહ્યા છે.
જયારે થાઇલેન્ડ તો ઇન્ડોનેશિયાની ભક્તિને પણ પાછળ રાખી દે એવી દ્રઢ ભક્તિમાં લીન થયું છે. થાઇલેન્ડમાં ચોરેને ચોંટે ભગવાન ગજાનનના ભક્તો મળી આવે છે. થાઇલેન્ડમાં ગણેશજીને જ્ઞાન અને બુદ્વિના દેવતાના રૂપમાં પુજવામાં આવે છે. થાઇલેન્ડમાં ગણપતિજીને ‘ફ્રરા ફિકાનેત’ના નામે ઓળખાય છે. થાઇલેન્ડ તો સતત વ્યાપારમાં રચ્યોપચ્યો દેશ.. ત્યાંના ટેક્નોક્રેટ્સ નિરંતર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રે નવીનવી શોધ કરતા રહે છે. રોટલી બનાવવાના આધુનિક યંત્રોથી લઈને આજના સ્માર્ટફોનમાં લોકભોગ્ય બનેલા બ્યુટૂથના ઉત્પાદનનું મોટું માર્કેટ થાઇલેન્ડ પાસે છે. છતાં આધુનિકતાના રંગમાં રંગાઈ જવાને બદલે શ્રી ગણેશની ભક્તિમાં થાઇલેન્ડની પ્રજા પ્રતિક્ષણ લીન રહે છે. જે પ્રકારે ભારતમાં શુભ પ્રસંગે ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એ જ પ્રકારે થાઇલેન્ડમાં પણ પ્રત્યેક શુભ અવસર પણ દુંદાળા દેવનું પુજન-અર્ચન થાય છે. ગણેશોત્સવ દરમિયાન તો દિવાળી જેવો ઝગમગાટ જોવા મળે છે.
આ વિશેષતાઓની સાથે થાઈલેન્ડને શ્રી ગણેશની વિશ્ર્વની સૌથી વધુ અને ઊંચી પ્રતિમા સ્થાપવાનું ગૌરવ પણ હાંસલ થયું છે. થાઈલેન્ડના ગણેશ ઇન્ટરનેશનલ પાર્કમાં ભગવાન એકદંતની કાંસ્યની ૪૯ મીટર ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. કારણ કે થાઈલેન્ડમાં મૂર્તિ પૂજાનું વિશેષ મહત્ત્વ છે. દેશના ૩૨ સ્થળોએ ભગવાન લંબોદરની વિભિન્ન ૨૪ મુદ્રાઓ દર્શાવતી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે અને ત્યાં નિયમિત ગોરબાપા દ્વારા ગણપતિ બાપ્પાની આરતી કરવામાં આવે છે. ભારતમાંથી ઘણાં પંડિતો તો થાઈલેન્ડમાં હંમેશને માટે સ્થાપી થઈ ગયા છે. કારણ કે ત્યાં ભારતીયોની વસ્તી ૨૭% જ છે.. છતાં સમગ્ર થાઈલેન્ડમાં હિંદુઓના પ્રત્યેક તહેવારની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
ગણેશજીની મૂર્તિઓ ભક્તોમાં ખાસ્સું આકર્ષણ જગાવે છે અને તેમની મૂર્તિ પૂજા અફઘાનિસ્તાન, ઈરાન, મ્યાનમાર, શ્રીલંકા, નેપાળ, લાઓસ, કંબોડિયા, વિયતનામ, ચીન, મંગોલિયા, જાપાન, બ્રુનેઈ, બુલ્ગેરિયા, મેક્સિકો અને અન્ય લેટિન અમેરિકી દેશોમાં પણ કરવામાં આવે છે વિવિધ દેશોમાં ગણેશજીની પૂજા વિવિધ નામથી કરવામાં આવે છે. ગણપતિજીને જાપાનમાં ‘કાંગિતેન’ અને શ્રીલંકામાં ‘પિલ્લયાર’ કહેવામાં આવે છે. શ્રીલંકામાં તો ભગવાન વક્રતુંડના ૧૪ જેટલા પૌરાણિક મંદિર છે. કોલંબો પાસે કેલાન્યા ગંગા નદીના કિનારે સ્થિત કેલાન્યામાં અનેક પ્રસિદ્ધ બૌદ્ધ મંદિરોમાં ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત છે. નેપાળમાં ગણેશ મંદિરની સ્થાપના સૌથી પહેલાં સમ્રાટ અશોકની પુત્રી ચારુ મિત્રાએ કરી હતી. ત્યાંના લોકો ભગવાન ગણેશને સિદ્ધદાતા અને સંકટમોચન સ્વરૂપે માને છે. દરેક સમસ્યાના સમાધાન માટે નેપાળની પ્રજા ગણેશજીની માનતા પણ માને છે. આ સિવાય તિબેટમાં ગણેશજીને દુષ્ટાત્માઓના દુષ્પ્રભાવથી રક્ષા કરનાર દેવતા માનવામાં આવે છે.
આવા ઇન્ટરનેશનલ ભક્તો ધરાવતા ભારતના.., તેમાંય મુંબઈના પોતીકા દુંદાળા દેવને સ્વયંથી દૂર કરવામાં ભક્તોની આંખો અશ્રુમંડિત થાય એ તો સ્વાભાવિક છે. દસ દિવસના અંતે આપવામાં આવતી ભાવભીની વિદાય સાથે માત્ર પ્રતિમા જ નહીં પણ આંખ પણ આસુંથી ઉભરાતી હોય છે. પ્રકૃતિના નિયમથી પરમાત્મા પણ બાકાત નથી. જેનું સર્જન થયું તેનું એક દિવસ તો વિસર્જન થાવનું નિશ્ર્ચિત છે. ખરેખર તો વિસર્જન વ્યવહારમાં વ્યાપેલું છે પણ જેનું વિસર્જન થવું જોઇએ એનું થતું નથી. વિસર્જન શબ્દમાં વ્યાપ નહીં પણ ઊંડાઇ રહેલી છે. સંસ્કૃતમાંથી ઉતરી આવેલા આ શબ્દનો અર્થ પાણીમાં વિલિન થવું એવો થાય છે. ગણેશચોથનું પર્વ વસમી સ્થિતિનું શાંતિથી વિસર્જન કરવાનું શીખવી જાય છે. સ્થાપનાદિન નિમિત્તે ઇચ્છાઓની યાદી લઇને દગડું શેઠ સમક્ષ લોકો માંગણીઓ કરે છે પણ એમના વિસર્જન વખતે શું વ્યક્તિ પોતાના વિકારોનો ત્યાગ કરે છે?
જેને પાણીમાં પધરાવાનું છે એવી ચીજવસ્તુઓની સાથે વણજોઇતા વિચારો નથી છૂટતા. માત્ર ધાગા-દોરા જ નહીં ઘતિંગ અને ડોળનું પણ વિસર્જન કરવાની જરૂર છે. વિસર્જનથી મનમાં ગોઠવાયેલા બીબાઢાળ અને જામી ગયેલી લીલવાળા ચોકઠા ખાલી થાય. પાણીમાં વહી જાય તો જ નવીનતાને આવકારો મળે. જેને યોગ્ય સમયે સ્વીકારવા પડે. દેશના સુટબુટધારી અને ખાદીધારી ભક્તો સાંસદ કે વિધાનસભાના સત્રનું વિસર્જન થાય એવા મુદ્દાઓને ધક્કો મારતા હોય છે. મહત્ત્વના સત્રનું વિસર્જન સામાન્ય થતું જાય છે. ગરિમાં સચવાવી જોઇએ એવા સ્થાને સુત્રોચ્ચાર કરતા ભક્તો સર્જન પણ નથી કરતા અને વિસર્જન પણ નથી કરવા દેતા. વોટના નામને વિખવાદ થતો નિહાળે પણ ત્યાં શું વિસર્જન કરવાનું અને શેનું વિસર્જન કરવાનું એ વિચારે પણ નહીં.
નવા વર્ષની શરૂઆતમાં નિયમોને સેટ કરવાથી જીવન ભારે થઇ શકે. વિસર્જનદિને ન જોઇતું વહેતું કરીને હળવા થઇ શકાય જે વિચાર, વિકાર, વિવાદ, અભાવ, આડંબર જીદ તથા પ્રાયોરિટીથી અકળાઇ જવાતું હોય તેને વિદાય આપી શકાય. નવરાત્રિ પર્વ દરમિયાન ઉજવાતી દુર્ગા પૂજાનો અંત પણ વિસર્જનથી થાય છે. ત્યાં પણ જે બાબતો મનુષ્યને વિચલીત કરતી હોય તેને વહેતા કરી દેવાય.
પંચમહાભૂતમાં પાણી સૌથી પવિત્ર છે અને ગણપતિ જળના આરાધ્ય દેવ છે. બાપ્પાનું નિવાસસ્થાન જળ છે. તેથી જ તેમને જળમાં વિદાય આપવામાં આવે છે. પાણી જેવી પારદર્શિતતાને સ્વીકારવાનો સંદેશો વિસર્જન પાઠવે છે. પરંતુ, ભારતમાં તંત્રના ડહોળાયેલા પાણીના લીધે ટ્રાંસપેરન્સી શોધવી મુશ્કેલ છે. વૈવિધ્યપ્રેમી માણસના સ્વભાવ પણ જુદા છે પણ જેમ દરેક ગણપતિમાં એકસુત્રતા છે એવી વૈચારિક યુનિટી દેશ માટે આ સમયે અનિવાર્ય છે. માણસ વિખવાદના દરિયાનો તરવૈયો બની ગયો એટલે જ વિવાદિત થતો ગયો. બાકી ગણપતિ બાપ્પા તો હંમેશા જળમગ્ન થવાની સાથે સંદેશ આપતા રહે છે કે, સૃષ્ટિ અને સમાજમાંથી વિકાર અને વેરની વળ છૂટે તો વિસર્જન સાર્થક થયું ગણાય.