ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ:’ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ’ જાન્યુઆરીમાં થશે રિલીઝ

ઈરફાન ખાનની અંતિમ ફિલ્મ ’ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ’ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ કરવામાં આવશે. ચાહકોના મનમાં એમ જ હતું કે ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ ’અંગ્રેજી મીડિયમ’ છે. જોકે, ઈરફાનની છેલ્લી ફિલ્મ ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ ’ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ’ છે. આ ફિલ્મને અનુપ સિંહે ડિરેક્ટ કરી છે.
ઈરફાન ખાન ’અંગ્રેજી મીડિયમ’માં પણ રાજસ્થાની પાત્રમાં જોવા મળ્યાં હતાં. ’ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ’માં ઈરફાન ખાન રાજસ્થાની ઊંટના વેપારીના રોલમાં છે. આ ઈન્ટરનેશનલ ફિલ્મનું શૂટિંગ વર્ષ ૨૦૧૫માં જેસલમેર, રાજસ્થાનમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ સ્વિટ્ઝરલેન્ડમાં આયોજિત ૭૦મા લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઈન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં પણ આ ફિલ્મ બતાવવામાં આવી હતી. ફિલ્મમાં ઈરફાન ખાનની સાથે ઈરાનીયન એક્ટ્રેસ ગોલીશતેહ ફરહાની, વહિદા રહેમાન છે.
ફિલ્મની વાર્તા એક એવી ગાયિકા નૂરન (ગોલીશતેહ)ની છે, જે પોતાના ગીતથી લોકોને ઠીક કરે છે. તે પોતાની દાદી (વહિદા રહેમાન) પાસેથી ગાતા શીખી હોય છે. તેના લગ્ન ઈરફાન ખાન સાથે થાય છે. ફિલ્મમાં નૂરનના જીવનમાં શું મુશ્કેલીઓ આવે છે, તે બતાવવામાં આવ્યું છે. ઈરફાને આ ફિલ્મમાં યાદગાર અભિનય આપ્યો છે.