ઈશરત જહાં એન્કાઉન્ટર કેસનો આખરી ચૂકાદો પણ રહસ્યમય છે

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2004માં થયેલા ને આખા દેશમાં ગાજેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટે ગુજરાતના વધુ ત્રણ અધિકારીને છોડી મૂક્યા. હિંદી ફિલ્મોની ભાષામાં કહીએ તો બાઈજજત બરી કરી દીધા. આ એન્કાઉન્ટર થયું ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં કામ કરતા આઈપીએસ અધિકારી ગિરિશ ઉર્ફે જી. એલ સિંઘલ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરૂણ બારોટ અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અનાજુ જિમાન ચૌધરીને કોર્ટે બુધવારે છોડી મૂક્યા. આ કેસમાં સીબીઆઈ કોર્ટ પહેલાં જ ગુજરાતના ભૂતપૂર્વ કાર્યકારી પોલીસ વડા પી.પી. પાંડે, આઈપીએસ ઓફિસરો ડી.જી. વણઝારા અને એન.કે. અમીનને નિર્દોષ છોડી ચૂકી છે તેથી આ કેસના આરોપી એવા ગુજરાતના તમામ પોલીસો છૂટી ગયા છે.
ગુજરાત સરકારે વણઝારા અને એન.કે. અમીન સામે કેસ ચલાવવાની મંજૂરી નહીં આપતાં બંનેને સીબીઆઈ કોર્ટે ગયા વર્ષે જ છોડી મૂકેલા. પાંડેને તેના એક વર્ષ પહેલાં જ સીબીઆઈ કોર્ટે છોડી મૂકેલા તેથી સિંઘલ, બારોટ ને ચૌધરીની ત્રિપુટી બાકી રહી ગયેલી. સીબીઆઈએ આ ત્રણેય સામે કેસ ચલાવવાની મંજૂરી માગેલી પણ ગુજરાત સરકારે કાર્યવાહી કરવાની મંજૂરી ન આપતાં ત્રણેયે પોતાના છૂટકારા માટે અરજી કરેલી. બુધવારે આ અરજી પર અરજીની સુનાવણી થઈ પછી કોર્ટે આ ત્રણેયને પણ છૂટા કરી દીધા. સીબીઆઈ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ કાયદા અનુસાર છે તેથી તેની સામે ટીપ્પણી ન કરી શકાય પણ આ કેસમાં કોર્ટે જે ટીપ્પણી કરી છે એ મહત્ત્વની છે.
સીબીઆઈ કોર્ટે કહ્યું છે કે, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કશું ખોટું નહોતું કર્યું ને તેમણે પોતાની ફરજના ભાગરૂપે જ કાર્યવાહી કરી હતી. ઈશરત જહાં લશ્કરે તોયબાની આતંકવાદી હતી એ ઈનપુટ નકારી શકાય તેમ નથી એ જોતાં તે નિર્દોષ હતી એવું કહી શકાય તેમ નથી. સીબીઆઈ કોર્ટે જે કંઈ કહ્યું એ તેની સામેના પુરાવાના આધારે કહ્યું છે તેથી તેની વાત સામે વાંધો ન લઈ શકાય પણ ઈશરત જહાં કેસ અત્યાર સુધી જે રીતે ચાલ્યો, તપાસ એજન્સીએ કોર્ટમાં જુદા જુદા તબક્કે જે કંઈ કહ્યું તેના કારણે મૂંઝવણ થાય કે આખરે આ કેસમાં સાચું શું છે. કોર્ટે જે પણ ચુકાદા આપ્યા એ એજન્સીની તપાસના આધારે આપ્યા છે. આ પુરાવાઓ અને સીબીઆઈની વારંવાર બદલાતી રજૂઆતોને ધ્યાનમાં લઈએ તો સીબીઆઈએ આ કેસમાં ખરેખર તપાસ કરી કે તપાસના નામે સત્તામાં બેઠેલાં લોકોના ચરણ ચાટીને નાટક કર્યું એવો સવાલ થાય. સીબીઆઈના આ તમાશા આ આખા કેસનો ઘટનાક્રમ તપાસશો તો સમજાશે.
ઈશરત જહાંનું એન્કાઉન્ટર 15 જૂન, 2004ના દિવસે થયેલું. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અમદાવાદના કોતરપુર પાસેના વોટર વર્ક્સ પાસે ઈશરત જહાં, જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લઈ અને બે કહેવાતા પાકિસ્તાની ઝીશાન જોહર અને અમજદ અલી રાણા એ ચાર જણને એન્કાઉન્ટરમાં ઢાળી દીધેલાં. જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લઈ ઈશરત જહાંનો બોસ હતો ને બંને વચ્ચે અંગત સંબંધો પણ હતા. ઈશરત જહાંના એન્કાઉન્ટર પછી ગુજરાત પોલીસ દ્વારા દાવો કરાયેલો કે આ ચારેય જણા આતંકવાદી હતા અને મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવ્યા હતા. પોલીસને બાતમી મળી તેથી તેમને પકડવા ગઈ પણ તેમણે ગોળીબાર કર્યો તેથી પોલીસે પણ સામો ગોળીબાર કરવો પડ્યો ને ચારેય જણાં મરાયાં.
પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓનો મુદ્દો એ વખતે ગરમ હતો તેથી આ વાત સૌને ગળે ઊતરી જાય તેવી હતી. 2002ના રમખાણોના કારણે મુસ્લિમો મોદીને પતાવી દેવા માગતા હતા એવી વાતો પણ જોરશોરથી ચાલતી તેથી આ વાત ગળે ઊતરી જાય એવી હતી. બધાંએ આ વાત માની લીધી ને ગુજરાત પોલીસે બરાબરનો જશ ખાટીને બરાબર વાહવાહી લૂંટી લીધી હતી. ઈશરતની માતા એન્કાઉન્ટર થયું ત્યારથી જ પોતાની દીકરીને વગર વાંકે ગોળીએ દેવાઈ છે એવું કહેતી જ હતી પણ તેની વાત કોઈ સાંભળવા તૈયાર નહોતું. તેનું કારણ એ કે, ઈશરત જહાં વિશે જે વાતો બહાર આવેલી તેના કારણે કોઈને તેના માટે સહાનૂભૂતિ નહોતી.
ઈશરત માત્ર 19 વર્ષની હતી ને કોલેજમાં ભણતી હતી પણ 16 વર્ષ મોટા પરીણિત પુરૂષ સાથે તેના ગાઢ સંબંધો હતા. જાવેદ કહેવા માટે તેનો બોસ હતો પણ વાસ્તવમાં ઈશરત અને જાવેદ બંને પતિ-પત્નિ હોય એ રીતે જ રહેતાં હતાં. રજાઓમાં જાવેદ ઈશરતને ઠેર ઠેર ફરવા લઈ જતો ને બંને મજા કરતાં. જાવેદ મૂળ તો હિન્દુ હતો ને વટલાઈને મુસ્લિમ બનેલો. જાવેદ અને ઈશરત જે કંઈ કરતાં એ તેમની અંગત જિંદગી હતી પણ આપણે ત્યાં લોકો પોતાના અભિપ્રાય અંગત જિંદગીના આધારે બાંધે છે તેથી ઈશરત અને જાવેદ લોકોની નજરમાં વિલન હતાં.
ગુજરાત પોલીસે વળી એવી વાત કરી કે, જાવેદ છાપેલું કાટલું હતો ને પોતાની આતંકવાદી પ્રવૃત્તિના કવર તરીકે ઈશરતનો ઉપયોગ કરતો હતો. છોકરી સાથે હોય તો કોઈ શંકા ન કરે તેથી એ ઈશરતને લઈને બધે ફરતો ને ઈશરત તેમાં સાથ આપતી હતી. એટલું જ નહીં પણ ઈશરત જહાં પોતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કરે તોયબાની ફિદાઈન હતી એ વાત તેનું એન્કાઉન્ટર થયું ત્યારથી જ રમતી થયેલી. આ વાતો કોણે રમતી કરી એ કહેવાની જરૂર નથી. બાકી હતું તે ઈશરત જહાંના એન્કાઉન્ટર પછી તરત જ લાહોરથી પ્રસિદ્ધ થતા અખબાર ઘઝવા ટાઈમ્સમાં દાવો કરાયો હતો કે ઈશરત જહાં લશ્કરે તોયબા માટે કામ કરતી હતી.
ઘઝવા ટાઈમ્સ લશ્કરે તઈબાનું મુખપત્ર છે. ઘઝવા ટાઈમ્સની વેબસાઈટ પર આ અહેવાલ મુકાયો હતો તેના કારણે પણ લોકોને એવું લાગેલું કે ગુજરાત પોલીસે કશું ખોટું કર્યું નથી ને ઈશરત આ રીતે પોલીસની ગોળી ખાઈને મરવાને લાયક જ હતી. પછીથી ગમે તે કારણોસર એ અહેવાલ ઘઝવા ટાઈમ્સની વેબસાઈટ પરથી હટાવી દેવાયો હતો પણ એ પહેલાં ઈશરત આતંકવાદી હતી એવો માહોલ પેદા કરી દેવાયેલો તેથી કોઈને તેની તરફ કૂણી લાગણી નહોતી. આ કારણે ઈશરતની મા શમીમાની વાતમાં કોઈને રસ નહોતો ને કોઈ તેમની વાત સાંભળવા જ તૈયાર નહોતું. કંટાળીને શમીમા કૌસર ગુજરાત હાઈકોર્ટમાં ગયાં.
ગુજરાત હાઈકોર્ટે 2006માં ઈશરત જહાંની માતા શમીમા કૌસરની 2004ની સ્પેશ્યલ ક્રિમિનલ એપ્લિકેશન સ્વીકારી. ઈશરતની માતાએ અરજીમાં ઈશરતની નકલી એન્કાઉન્ટરમાં હત્યા થઈ હોવાનો આક્ષેપ કરીને કેસ સીબીઆઈને સોંપવાની માગણી કરી હતી. આ મુદ્દે રાજકીય દંગલ જામ્યું ને આખો કેસ કાચબાની ગતિએ ચાલતો હતો ત્યાં 2009માં સુપ્રીમ કોર્ટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ. પી. તમાંગને કેસની તપાસ સોંપી તેમાં ચિત્ર બદલાઈ ગયું.
જજ તમાંગે ઈશરત જહાં કેસમાં એક માસની તપાસ પૂરી કરીને એન્કાઉન્ટર નકલી હોવાનો રિપોર્ટ આપતાં સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરી હતી. આ સીટના રિપોર્ટમાં એન્કાઉન્ટર નકલી હોવાનું કહેવાયું પછી સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ઝડપભેર તપાસ કરવા કહેવાયું પછી સીબીઆઈ હરકતમાં આવી હતી.
સીબીઆઈએ 2011માં નિવૃત્ત ડીજીપી કે. આર. કૌશિક સહીત 21 પોલીસો સામે નવી એફઆઈઆર દાખલ કરી ને પછી ધડાઘડ અધિકારીઓને પકડીને જેલમાં નાંખી દીધેલા. સિંઘલથી માંડીને પાંડે સુધીના અધિકારીઓ સીબીઆઈની ઝપટે ચડી ગયેલા. આ બધું સુપ્રીમ કોર્ટના આદેશથી રચાયેલી સીટ અને સીબીઆઈની તપાસના કારણે થયેલું. આ અધિકારીઓને અંદર કરવાના આદેશ સીબીઆઈ કોર્ટે જ સીબીઆઈના પુરાવાના આધારે આપેલા. વણઝારાથી માંડીને બારોટ સુધીના અધિકારીઓ સામે નક્કર પુરાવા હોવાનો દાવો સીબીઆઈએ કરેલો ને અંદર કરેલા. આ અધિકારીઓ જામીન અરજી કરતા ત્યારે સીબીઆઈ તેનો વિરોધ કરતી ને તેના આધારે કોર્ટ જામીન અરજી ફગાવી દેતી.
આ ખેલ વરસો સુધી ચાલેલો ને જેવી કેન્દ્રમાં સરકાર બદલાઈ ગઈ કે તરત ચિત્ર બદલાઈ ગયું. જે અધિકારીઓને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળની સીટની તપાસના આધારે નકલી એન્કાઉન્ટર માટે અંદર કરાયેલા એ બધા હવે ફરજ બજાવનારા અધિકારી બની ગયા છે. આ કેસ ચાલતો હતો ત્યારે જ પી.પી. પાંડેને ગુજરાતના ઇન્ચાર્જ પોલીસ વડા (ડીજીપી) બનાવાયેલા. સુપ્રીમ કોર્ટે જ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પાંડેની સંડોવણીનો મુદ્દો માન્ય રાખી તેમને ગુજરાતના પોલીસ વડાપદેથી રાજીનામું આપી દેવા આદેશ આપ્યો હતો. એ જ પાંડે પછી દૂધે ધોયેલા જાહેર થયા ને હવે સિંઘલ સહિતની ત્રિપુટી પણ છૂટી ગઈ ત્યારે સવાલ એ થાય કે, સીબીઆઈ-સીટએ પહેલાં તપાસ કરીને જે કહેલું એ સાચું હતું કે અત્યારે જે કહે છે એ સાચું છે ? સીબીઆઈની મથરાવટી મેલી છે અને સત્તામાં બેઠેલા લોકોની પીઠ્ઠુ તરીકે વર્તવા વગોવાયેલી છે. વરસોની તપાસ પછી ખોદ્યો ડુંગર ને નિકળ્યો ઉંદર જેવી હાલત થઈને ઊભી રહી છે ત્યારે ઈશરત કેસના ચુકાદા પછી આ છાપ મજબૂત બનશે.