ઉત્તરાખંડની હિમપ્રપાતી દુર્ઘટનામાં ક્યાંક ચીની અટકચાળો તો નથી ને?

ઉત્તરાખંડ માટે રવિવારનો દિવસ કપરો સાબિત થયો. અત્યારે ઉત્તરાખંડમાં બરફ પડે છે તેના કારણે લોકો તકલીફમાં તો છે જ ત્યાં રવિવારે સવારના પહોરમાં થયેલા હિમસ્ખલનના કારણે હાલત બગડી ગઈ. ચમોલી જિલ્લામાં હિમાલયની પર્વતમાળામાં બરફની મોટી શિલા તૂટતાં અલકનંદા અને ધૌલીગંગા એ બે નદીમાં આવેલા પૂરે તબાહી તબાહી કરી નાંખી. પૂરના કારણે બંને નદીના કિનારે આવેલાં મકાનો તો સાફ થઈ જ ગયાં પણ રીશીગંગા પાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું. આ નુકસાનનો અંદાજ અત્યારે તો મળવો મુશ્કેલ છે કેમ કે ચોતરફ પાણી જ પાણી છે. હજુ ઉપરથી પાણી આવ્યા જ કરે છે તેથી જ્યાં લગી પાણી બંધ ના થાય ત્યાં લગી કશી ખબર જ નહીં પડે પણ પ્રાથમિક અહેવાલ પ્રમાણે બે લોકોનાં મોત નિપજ્યાં છે. આ બે લોકોના મૃતદેહ મળ્યા છે તેથી સત્તાવાર રીતે બે લોકોનાં મોત થયાનું સરકારે કબૂલ્યું છે પણ સાથે સાથે એ પણ કહ્યું જ છે કે, હજુ બીજા ઢગલાબંધ લોકો લાપતા છે.

ઉત્તરાખંડના ચીફ સેક્રેટરી ઓમપ્રકાશે પોતે કબૂલ્યું છે કે, ઓછામાં ઓછાં 200 લોકોનાં મોત થયાં હોય એવી પૂરી શક્યતા છે કેમ કે પાણીના ધસમસતા પ્રવાહમાં આખેઆખાં ઘર તણાઈ ગયાં છે. આ ઘરોમાં રહેનારાં લોકોનો પત્તો નથી ને પાણીનો પ્રવાહ જોતા તેમને બચાવી શકાય તેમ નથી. આ દુર્ઘટનાની ખબર પડી પછી મોદી સરકારે તાબડતોબ લશ્કરી ટુકડીઓ મોકલતાં તેમણે હેલિકોપ્ટર્સનાં ચક્કર લગાવીને જે પણ દેખાય તેમને બચાવવા માંડ્યા છે પણ તણાઈ ગયેલાંને તો લશ્કરી જવાનો પણ બચાવી શકે તેમ નથી તેથી તેમને શ્રદ્ધાંજલિ આપવા સિવાય આરો નથી.

ઉત્તરાખંડ સરકાર અત્યારે 170 લોકોના મોતનો આંકડો મૂકે છે પણ આ આંકડો બહુ મોટો હશે. તેનું કારણ એ કે, સરકાર જે આંકડો મૂકે છે એ તો રીશીગંગા પાવર પ્રોજેક્ટમાં કામ કરનારા મજૂરોનો જ છે. પૂર આવ્યું ત્યારે પ્રોજેક્ટમાં 150 મજૂર કામ કરતા હતા ને સૌથી પહેલાં એ જ ભોગ બનીને તણાઈ ગયા. આ મજૂરોમાંથી કોઈનો પત્તો નથી. આ કામદારોને શોધવાના પ્રયત્ન કરાયા પણ કોઈનો પત્તો લાગ્યો નથી તેથી સરકારે તેમને મરેલા જ માની લીધા છે. આ કામદારો સિવાય ઘરોમાં રહેનારાંને તો ગણતરીમાં જ લેવાયાં નથી તેથી આ આંકડો બહુ મોટો હશે. મોદી સરકારે ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ, આર્મી, એનડીઆરએફ વગેરેના એક હજાર કરતાં વધારે જવાનોને ઉતાર્યા છે તેના કારણે જેમનાં મકાન તૂટ્યાં છે પણ ફસાયેલા છે એવા ઘણા બચી જવાની આશા છે. ઉત્તરાખંડ સરકારે લોકોને કોઈ પણ પ્રકારની અફવાથી નહીં દોરાવા કહ્યું છે ને પાણી ઓસરી રહ્યાં છે એવો સધિયારો પણ આપ્યો છે. આશા રાખીએ કે આ વાત સાચી હોય ને બીજું કશું નવું કમઠાણ ઊભું ના થાય.

અત્યારે જે શક્યતા છે એ પ્રમાણે આ કુદરતી હોનારત હોવાની શક્યતા વધારે છે. ઉત્તરાખંડમાં આ રીતે હિમશિલાઓ તૂટે ને પૂર આવે એવું વારંવાર બને છે ને લોકો પણ ટેવાયેલાં છે તેથી સતર્ક રહે છે. આ વખતે મોટી હિમશિલા તૂટી તેમાં તબાહી વધારે થઈ ગઈ. આ હિમશિલા તૂટવા માટે રીશીગંગા પ્રોજેક્ટ જવાબદાર છે કે નહીં એ સ્પષ્ટ નથી પણ છેલ્લાં કેટલાંક વરસોથી ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં ભૂસ્તરીય સંતુલન ખોરવાય એવી પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલી રહી છે તેના કારણે આ પ્રકારની ઘટનાઓ વધી છે એ વાસ્તવિકતા છે. આપણે કુદરત સાથે છેડછાડ કરી રહ્યા છીએ તેની કિંમત ચૂકવી રહ્યા છીએ.

કમનસીબી એ કહેવાય કે ભૂતકાળની ઘટનાઓમાંથી આપણે કશું શીખતા નથી. ઉત્તરાખંડમાં આ રીતે જ ભયંકર પૂર આવેલું ને તેમાં કેદારનાથ આખું સાફ થઈ ગયું હતું. લગભગ છ હજાર લોકો સત્તાવાર રીતે મરાયાં હતાં. આ દુર્ઘટના એટલી ખતરનાક ને મોટાપાયે નથી પણ કારણ એ જ છે તેના પરથી સ્પષ્ટ છે કે, ભૂસ્તર સાથે ચેડાંની પ્રવૃત્તિ હજુ ચાલુ જ છે. હજુય બેફામ બાંધકામો થતાં હશે તેના કારણે જ આ સ્થિતિ સર્જાઈ છે. રીશીગંગા પાવર પ્રોજેક્ટ પણ આ બાંધકામમાંથી જ એક છે તેથી તેની અસર પણ વર્તાઈ હોય એવું બની શકે.

ઉત્તરાખંડની હોનારત મુદ્દે હજુ સુધી એક વાતની ચર્ચા નથી થઈ કેમ કે હજુ સાચું કારણ જાણવા મળ્યું નથી પણ ચમોલી ચીનની સરહદને અડકીને આવેલું છે એ જોતાં આ હોનારત કુદરતી ના હોય પણ ચીનસર્જિત હોય એવી શક્યતા નકારી શકાય નહીં. આપણે આશા રાખીએ કે એવું કશું ના હોય પણ ચીનની માનસિકતા જોતાં એ ગમે તે કરી જ શકે. ચીનનો લાંબા સમયથી ઉત્તરાખંડ પર ડોળો છે ને ચીને આપણા ઉત્તરાખંડમાં અંદર લગી ઘૂસણખોરી કરીને અડિંગો જમાવી દીધો છે એવી વાતો આવ્યા જ કરે છે. આપણી સરકારે સત્તાવાર રીતે કબૂલાત નથી કરી પણ મીડિયામાં નિયમિત રીતે એવા રિપોર્ટ આવ્યા કરે છે કે ચીનના સૈનિકો ઉત્તરાખંડમાં છમકલાં કર્યા કરે છે ને ઘૂસણખોરી કરવા મથ્યા કરે છે. ચીનની આ હલકટાઈ લાંબા સમયથી ચાલ્યા કરે છે ને આપણે બહુ લાંબો ઈતિહાસ યાદ ના કરીએ તો પણ છેલ્લાં એક દાયકામાં જ ચીને ઉત્તરાખંડમાં ઘૂસવાના અખાડા કર્યા હોય એવી પાંચેક મોટી ઘટના તરત યાદ આવે છે.

ચીનના ફૂટ પેટ્રોલિંગ કરતા સૈનિકો 2013 માં ઉત્તરાખંડ તેમના બાપનો માલ હોય એ રીતે અંદર આવી ગયેલા ને ધામા નાંખી દીધેલા. 2014 માં ચીને લશ્કરી હેલિકોપ્ટરો ઘુસાડીને તેના સૈનિકોને આપણી સરહદમાં ઘુસાડેલા. એ પછી 2016 ના જુલાઈમાં જ લગભગ 250 જેટલા ચીના ચમોલી જિલ્લામાં જ ઘૂસી ગયા હતા ને અડિંગો જમાવી દીધો હતો. એ વખતે ઉત્તરાખંડમાં કૉંગ્રેસની સરકાર હતી ને હરીશ રાવત ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા. તેમણે મોદી સરકારને રિપોર્ટ મોકલતાં કેન્દ્ર સરકારે ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના જવાનોને મોકલીને ચીનાઓને ખદેડ્યા હતા. 2016 માં ચીના ચમોલી વિસ્તારમાં છેક અંદર લગી ઘૂસી ગયેલા ને ઠેર ઠેર તોતિંગ પથ્થરો પર લાલ અક્ષરે ચાઈના લખી ગયેલા.

ચીના 2017 ના જૂનમાં પાછા ચમોલી જિલ્લામાં બારાહોતીમાં લગભગ એક કિલોમીટર અંદર લગી આપણી સરહદમાં ઘૂસી ગયા હતા ને અડિંગો જમાવીને બેસી ગયા હતા. ચીનના સૈનિકો પગપાળા આપણી સરહદમાં 19 જૂને ઘૂસેલા ને આંટો મારીને પાછા જતા રહેલા. તેમને કવર આપવા હેલિકોપ્ટર પણ સાથે આવેલું. હેલિકોપ્ટર પણ ઉત્તરાખંડ ચીનના બાપનો બગીચો હોય એમ નિરાંતે ચક્કર લગાવતું રહ્યું ને પછી પાછું જતું રહ્યું. એ વખતે ઘૂસવા માટે માહોલ કેવો છે તેની તપાસ કરીને ચીના અઠવાડિયા પછી પાછા આવ્યા ને અડિંગો જ જમાવી દીધો. સ્થાનિક લોકોએ જઈને ચમોલીના કલેક્ટરને ફરિયાદ કરી એટલે કલેક્ટર પોલીસના કાફલા સાથે તપાસ કરવા ગયા તો ચીનાઓએ તેમને પણ ધમકાવીને તગેડી મૂક્યા હતા. કલેક્ટર પછીથી ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના અધિકારીને લઈને ગયેલા. ચીનાઓએ રીતસરની લુખ્ખાગીરી કરીને તેમને પણ તગેડી મૂકેલા. એ પછી વાટાઘાટો કરીને માંડ માંડ ચીનાઓને પાછા કાઢેલા.

ચીને એ પછી ભૂતાનના ડોકલામમાં ને આપણી લદાખ સરહદે છમકલાં શરૂ કર્યાં તેથી ઉત્તરાખંડ તરફ બહુ કોઈનું ધ્યાન ગયું નથી પણ વાત એટલી છે કે, ચીના ઉત્તરાખંડમાં લાંબા સમયથી સળીઓ કર્યા કરે છે ને આ વિસ્તારના જાણભેદુ છે. આપણે ઉત્તરાખંડ જ નહીં પણ ચીનની સરહદે ક્યાંય પણ વિકાસનાં કામો હાથ પર લઈએ એટલે ચીના વંકાય છે. ઉત્તરાખંડમાં આપણે પાવર પ્લાન્ટ બનાવી રહ્યા છીએ તેથી ચીનના પેટમાં દુ:ખ્યું હોય ને તેણે સળી કરી હોય એ શક્યતા પૂરી છે.

ઉત્તરાખંડની ચીન સાથેની સરહદ લગભગ 350 કિલોમીટર લાંબી છે. ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢ એ ત્રણ જિલ્લા ચીનની સરહદ પર છે ને ચીન પહેલાં ત્યાં ઘૂસેલું છે તેથી આ આશંકા જાગે છે. આ પહાડી વિસ્તાર છે ને એકદમ ગાઢ જંગલ છે. હિમાલયનાં બરફથી છવાયેલાં શિખરો ત્યાં છે ને સામાન્ય સંજોગોમાં પણ સામાન્ય લોકો જઈ શકતાં નથી તેનો લાભ લઈને ચીને અટકચાળું કર્યું હોવાની શક્યતા નકારી ન શકાય. આપણે આશા રાખીએ કે, ખરેખર એવું કશું ન હોય ને આ કુદરતી રીતે જ થયેલા ફેરફારોના કારણે આવેલી આફત હોય.