ઉત્તરાખંડ હોનારત: વિકેટકિપર પંત મેચ-ફીનું દાન કરશે

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગઈ કાલે ત્રાટકેલી ગ્લેશિયર ફાટવાની અને પૂર આવવાની કુદરતી આફતથી દેશભરમાં શોકની લાગણી ફરી વળી છે. ત્યાં ચાલી રહેલી બચાવ કામગીરીઓ માટે મદદરૂપ થવા માટે પોતાની મેચ ફી દાનમાં આપવાની ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે જાહેરાત કરી છે. પંત હાલ ચેન્નાઈના ચેપોક મેદાન પર ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં રમી રહૃાો છે. આ મેચની ફી દાનમાં આપવાની એણે જાહેરાત કરી છે. ગઈ કાલે પંતે ભારતના પહેલા દાવમાં જોરદાર આક્રમક બેિંટગ કરીને ૯૧ રન કર્યા હતા.

પંતે સોશિયલ મિડિયા પર પોસ્ટ મૂકીને આ જાહેરાત કરી છે અને લોકોને પણ દાન કરવાની અપીલ કરી છે. પંત મૂળ ઉત્તરાખંડના રૂરકીમાં જન્મ્યો હતો અને ત્યાંનો રહેવાસી છે. ચમોલી જિલ્લાના તપોવન-રેણી ક્ષેત્રમાં આવેલા વિદ્યુતમથકમાં કામ કરતા અનેક લોકો ફસાઈ ગયા છે અને એમને ઉગારવાની કામગીરી ચાલી રહી છે.