અમરેલીના વડીયામાં ૨ ઈંચ જ્યારે ધારી પંથકમાં પણ વરસાદ પડતાં નદીઓમાં પૂર આવ્યું હતું. ભાદૃરવા મહિનાની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા જિલ્લામાં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે દૃક્ષિણ ગુજરાતમાં વલસાડના કપરાડામાં ૮ ઇંચ, સુરતમાં ૭ ઇંચ અને નવસારીના જલાલપોરમાં ૬ ઇંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત કચ્છમાં પણ ૪ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. ગીરના જંગલ અને તાલાલા પંથકમાં ૩ ઇંચ જ્યારે હાલાર પંથકમાં પણ ૩ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. રાજકોટમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.
મહેસાણા શહેરમાં શુક્રવારે સવારે ત્રણ કલાકમાં પડેલા સાંબેલાધાર ૪ ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી દૃેખાતું હતું. અનેક સોસાયટીઓ અને નીચાણના મુખ્ય માર્ગો જળબંબાકાર બની ગયા હતા. ગીર જંગલમાં ૩ કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબકી જતાં હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. સુરતમાં ઉધનામાં ૨ કલાકમાં ૪ ઈંચ સાથે કુલ ૭ ઈંચ વરસાદ પડતાં શહેરમાં ફરી જળબંબાકાર સર્જાયો હતો.
નવસારી અને જલાલાપોર પંથકમાં ૫થી ૬ ઈંચ વરસાદથી કોટનમિલ રોડ, જેલ નજીકનો સત્યસાંઈ રોડ, કાશીવાડી, સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, કબીલપોર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અબડાસા તાલુકાના ભીમપર-બાલાચોડ રોડ પાસે ટ્રેક્ટર તણાતાં તેમાં સવાર ૩ લોકોને બચાવ્યા હતા. કપરાડાના નાનીપલસાણ ગામે વ્યક્તિનું નિધન થતા પુલના અભાવે લાશને ટ્યુબના સહારે દમણ ગંગા નદી તરીને સામે પાર લઇ જઇ દવુળ ફળીયાના સ્મશાન ભૂમિમાં દફન કર્યા હતા.