ઉત્તર કોરિયામાં સાત મહિના પછી પ્રથમ શંકાસ્પદ કેસ: કટોકટી જાહેર

  • સરહદ પર આવેલ કેસોંગ શહેરમાં લોકડાઉન લગાવી દેવાયું

ઉત્તર કોરિયામાં કોરોના વાયરસથી સંક્રમિત પ્રથમ દર્દી મળી આવ્યો છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ  ફાટી નીકળ્યો હોવા છતાં ઉત્તર કોરિયામાં આ ચેપ ફેલાયો ન હતો. અહીં એક પણ કોરોના દર્દી નહોતો. રવિવારે દક્ષિણથી પરત આવેલા ભાગેડુમાં કોરોનાના લક્ષણો મળી આવ્યા છે.

સાઉથ કોરિયા ગયેલ આ ભાગેડુ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ પછી ઉત્તર કોરિયામાં ખળભળાટ મચી ગયો હતો. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કોરોનાના પ્રસારને રોકવા માટે કટોકટીની ઘોષણા કરી છે. વધુમાં સરહદ પર આવેલ કેસોંગ શહેરમાં લોકડાઉન લગાવી દેવાયું છે.

ઉત્તર કોરિયાની સરકાર હવે તાબડતોડ ફેંસલા લઇ રહી છે. આ વ્યક્તિના સંપર્કમાં આવેલ લોકોને ઓળખવાની કામગીરી ચાલુ કરાઈ છે તેમજ તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહયા છે. જો પૃષ્ટિ થશે તો  ઉત્તર કોરિયામાં પહેલો સત્તાવાર કોરોના વાયરસનો કેસ હશે.  અત્રે નોંધનીય છે કે   ચીનમાં કોરોના ફેલાયો હોવાની વિગતો સામે આવતા કિમે બધી સરહદો સીલ કરી દીધી હતી. આ ઉપરાંત હજારો લોકો આઇસોલેશનમાં ચાલ્યા ગયા હતા. પાટનગર પ્યોંગયાંગમાં કાર્યરત તમામ અધિકારીઓ માટે એક મહિનાનું ક્વોરેન્ટાઇન પણ જરૂરી બનાવવામાં આવ્યું હતું.

ઉત્તર કોરિયા એ વિશ્ર્વના કેટલાક એવા દેશોમાંનો એક છે જેને રોગચાળાને રોકવા માટે જરૂરી પ્રાથમિક પગલા ભર્યા હતા. દેશની અર્થવ્યવસ્થા ચીન સાથે થનારા બિઝનેસ પર ચાલે છે તેમ છતાં કોરોના જોખમને કારણે ચીન સાથે સંપૂર્ણ વેપાર  રીતે બંધ કરી દીધો હતો. જેને કારણે દેશની આવકને મોટો ફટકો પડ્યો હતો.