ઉત્તર પ્રદેશની ઘટનાઓના ઊહાપોહ વચ્ચે આર્થિક પરિદશ્ય ભૂલાશે નહિ

દેશનું રાષ્ટ્રીય રાજકારણ ચકડોળે ચડેલું છે. ઉત્તર પ્રદેશની અત્યાચારી ગુનાખોરીએ દેશમાં ચિંતા વધારી છે અને બીજી બાજુ રિઝર્વ બેન્ક દેશના અર્થતંત્રને પાટે ચડાવવામાં વ્યસ્ત છે. બજારમાં વ્યાજદર વધે  તેમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) નિમિત્ત બનવા માંગતી નથી એટલે તેણે ગયા સપ્તાહે ફરીથી લીલામમાં દસ વર્ષના 5.77 ટકા  વળતરવાળા બોન્ડના વેચાણ માટે ઊંચા વળતર માંગતી ઓફર સ્વીકારવાનો ઇન્કાર કર્યો. રિઝર્વ બેન્કે સતત ચોથી વાર આ રીતે બોન્ડના લીલામમાં  મળેલી ઓફરનો અસ્વિકાર કર્યો છે. આરબીઆઇએ આ બોન્ડના જે દર નક્કી કર્યા તે બજારમાં પ્રવર્તમાન વળતરથી પણ નીચા હતા. આરબીઆઇ વળતર ઉપર દબાણ લાવવા માંગે છે જયારે  બજારની અપેક્ષા વિપરીત છે. આવું લાંબુ ચાલે નહીં. વહેલામોડું તો આરબીઆઇએ બજારના પરિબળોને વશ થવું પડશે, સિવાય કે તે આગલા વ્યાજદર ઘટાડાની અસર બેન્કો દ્વારા અર્થતંત્ર ઉપર ઉતારવાના પ્રયાસોમાં સફળ રહે.

આરબીઆઇએ ફેબ્રુઆરી 2019થી ઓગસ્ટ 2020 દરમ્યાન વ્યાજદરમાં 250 બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો પણ  તેમાંથી આ વર્ષે બેન્કોના સરેરાશ ધિરાણ દરમાં 162 બેસીસ પોઈન્ટનો ઘટાડો થયો છે. બેન્કોની નૈતિક ફરજ છે કે તે વ્યાજદરમાં ઘટાડાનો લાભ પુરેપુરો લોન ગ્રાહકો સુધી પહોંચાડે. પણ બેન્કો તેમની ફરજ નહીં નિભાવે અને આરબીઆઇ બેન્કોને આમ કરવામાં સમજાવી નહીં શકે તો ડીપોઝીટર્સને, લોનના ગ્રાહકોને અને સરવાળે અર્થતંત્રને આ સમયમાં સહન કરવું પડશે. અત્યારે આવું જ બની રહ્યું છે. બેન્કો પાસે ડીપોઝીટર્સના નાણાંનો પુષ્ક્ળ ભરાવો થયો છે. બેન્ક ડિપોઝીટમાં વૃદ્ધિ આ વર્ષે બાર  ટકાના દરની છે જયારે ધિરાણનો વૃદ્ધિ દર આગલા વર્ષના સમાન ગાળાના 10.4 ટકાની સરખામણીએ ઘટીને 5.3 ટકાનો થયો છે. નાણાં પ્રધાન બેન્કોને ધિરાણ વધુ આપવા માટે મહેનત કરવા કહે છે પણ પથ્થર ઉપર પાણી! તેમને તો સરકારી બોન્ડમાં રોકાણ દ્વારા મળતા વ્યાજની અને ભાવફરકની ઓછી મહેનતની કમાણી ફાવી ગઈ છે. તેમને હમણાં ડીપોઝીટર્સની કે તેના લોન લેનારા ગ્રાહકોની બહુ ગરજ નથી. આ એક તંદુરસ્ત બેન્કિગ પ્રણાલી નથી.

અત્યારના કપરા સંયોગોમાં બેન્કોને ધિરાણનું જોખમ લેવું નથી. તેની અસર ડીપોઝીટર્સ અને લોનની જરૂરિયાતવાળા ઉપર પડી રહી છે પણ તેને પરવા નથી. ડિપોઝીટના ઢગલા થતા વ્યાજ દર દબાણ હેઠળ છે અને જેને લોનની જરૂર છે તેવા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ધિરાણ સહેલાઈથી મળતું નથી. સરકારે પણ ધિરાણ વધુ લીધું હોવાથી બજારમાં બોન્ડનો અને નાણાંનો પુષ્કળ પુરવઠો છે. બજારને બોન્ડની ભૂખ નથી તેથી તેને એવા બોન્ડ જ જોઈએ જે વધુ વળતર આપે. પણ આરબીઆઇ વધુ વળતર ચૂકવવા ચાહતી નથી. આરબીઆઇ બેન્કો ઉપર  અસરકારક અંકુશ નહીં મેળવી શકે તો વાસ્તવિકતાના આધારે તેણે વધુ વ્યાજદર ચૂકવવા તૈયાર રહેવું પડશે. આ વર્ષના અસાધારણ સંજોગોમાં રાજકોષીય ખાધ પ્રથમ ચાર માસ (એપ્રિલ-જુલાઈ)માં જ રૂ. 7.96 કરોડના (જીડીપીના 3.5 ટકાના) આખા વર્ષના લક્ષ્યાંકને વટાવી ગઈ છે અને માર્ચ 2021ના અંત સુધીમાં તે બમણી તે તેથીય વધુ થવાની શક્યતા છે ત્યારે વ્યાજ દરને કૃત્રિમ રીતે દબાવી રાખવાનું શક્ય નથી. ફુગાવાના દરવૃદ્ધિ ઉપર આરબીઆઇનો કાબુ નથી તેમ બજારના વ્યાજ દર ઉપર પણ પોતાના અંકુશની મર્યાદા તેણે સ્વિકારવી પડશે.

આ વેળા પણ બોન્ડના લીલામનો ફિયાસ્કો થયો તે પછી બજારમાં દસ વર્ષના બોન્ડના વળતર વધીને 6.04 ટકા થયા  ત્યારે જ બજારે સંકેત આપી દીધો હતો કે તેને  નીચા વળતરમાં રસ નથી. જે બેન્કોએ લીલામમાં મુકાયેલા બોન્ડના અન્ડરરાઇટિંગની  જવાબદારી નિભાવી તેમને પણ ચિંતા નથી કારણ કે  ગળામાં આવી ગયેલા આ બોન્ડ ઉપર આ વર્ષના ઉત્તરાર્ધ (ઓક્ટોબર 2020થી માર્ચ 2021)માં તેમને બજાર વધુ વળતર આપશે તેવો વિશ્વાસ છે. રસાકસીવાળી આ રમતમાં આરબીઆઇએ દસ વર્ષના બોન્ડના લીલામમાં જેમ ઓફર નહીં સ્વિકારીને વ્યાજ દર નહીં વધવા દેવાનો સિગ્નલ આપ્યો તેમ બેન્કોએ પણ બાકીની મુદતના બોન્ડ માટે સાનુકૂળ વળતર ઓફર કરી આ બેન્ચમાર્ક બોન્ડ  પ્રતિ તેનું તેનું મક્કમ વલણ બતાવ્યું છે. આ સંજોગોમાં,  આરબીઆઇએ વ્યાજદરમાં અત્યાર સુધી કરેલા ઘટાડાની અસર દસ વર્ષના બોન્ડ સુધી પહોંચે તે એક વિકલ્પ તેને રહ્યો છે.

પ્રથમ છ માસમાં જે બોન્ડ બજારમાં વેચાયા નથી તેની રકમનો આ સપ્તાહે જાહેર થનારા ઉતરાર્ધ માટેના બોરોઇંગ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે કે નહીં તેનો બજારને ઇંતેજાર છે પણ આરબીઆઇ અત્યાર સુધીના નિષ્ફ્ળ ગયેલા ચાર લીલામને ભૂલી જવાનું વધુ પસંદ કરે તે શક્યતા વધુ છે. તેને પોતાનું નાક સાચવવાની કાળજી છે પણ બેન્કોને મધ્યસ્થ બેન્કનું નાક દબાવીને વધુ વળતર માંગવાનું ફાવી ગયું છે. ધિરાણની માંગ નબળી છે સરકારે અને આરબીઆઇએ પણ સમજવું જોઈએ કે ઉદ્યોગોને સસ્તા ધિરાણને બદલે અર્થતંત્રમાં માંગ વધે તેવી નીતિની વધુ આવશ્યકતા છે.

તહેવારોની આ સીઝનમાં માંગ વધારવા માટે વિશેષ પ્રયાસો કરવાની જરૂર નથી. વ્યાપાર-ઉદ્યોગો આ દિવાળીએ કર્મચારીઓને બોનસ આપી શકવાની સ્થિતિમાં નથી ત્યારે વપરાશકારોને હાથમાં રાહત પ્રોત્સાહન તરીકે વધારાના નાણાં મુકવાની જરૂર છે. સરકાર તરફથી પ્રોત્સાહન પેકેજની રાહ જોવાઈ રહી છે. સરકાર માંગ વધારવા માટે નાણાકીય પેકેજ આપે પણ બેન્કો ઉત્પાદન અને સેવા માટે વધનારી ધિરાણની માંગને સંતોષવા માટે સક્રિય નહીં બને તો કર્યું કારવ્યું બધું  નિષ્ફ્ળ જશે.

ઉપરોક્ત આર્થિક પ્રવાહને સમાંતર દેશના સામાજિક અને રાજકીય પ્રવાહો ગરમ છે. ઉત્તર પ્રદેશમાં હાથરસમાં પાશવી બળાત્કારનો ભોગ બનેલી 19 વર્ષની દલિત યુવતીના મોતની ઘટના તાજી જ છે ત્યાં ફરી એવી જ ઘટના બની છે. આ વખતે હેવાનિયતનો ખેલ બલરામપુરમાં ખેલાયો છે એટલો ફરક છે, બાકી બીજું બધું હાથરસની ઘટનાના પુનરાવર્તન જેવું જ છે. બલરામપુરમાં પણ હેવાનિયતનો ભોગ બનેલી દીકરી દલિત સમાજની છે ને માત્ર 22 વર્ષની જ હતી. આ છોકરી કોલેજમાં એડમિશન લેવા માટે ગયેલી ને બે હવસખોરો તેને ઉઠાવીને લઈ ગયા. ઘરમાં પૂરીને આખો દિવસ તેના શરીર પર અત્યાચાર કર્યો.

હવસખોરો કોઈ ઉંટવૈદને ઉઠાવી લાવ્યા કે જેણે છોકરીને ઘરમાં જ ગ્લુકોઝની બોટલ ચડાવી દીધી. અંધારૂં થયું એટલે છોકરીને હાથમાં ગ્લુકોઝની બોટલ સાથે જ રીક્ષામાં બેસાડી દીધી. રીક્ષાવાળો છોકરીને તેના ઘરે લઈ ગયો ત્યાં સુધીમાં એ બિચારી અધમૂઈ થઈ ગઈ હતી. તેની હાલત જોઈને ગભરાયેલા પરિવારજનો તાત્કાલિક તેને દવાખાને લઈને ઉપડ્યા પણ દવાખાને પહોંચતાં પહેલાં જ છોકરીએ દમ તોડી દીધો હતો. હોસ્પિટલના ડોક્ટરે છોકરીને મૃત જાહેર કરીને પોલીસને બોલાવી, પણ પોલીસ કશું બન્યું જ ના હોય એ રીતે પોસ્ટમોર્ટમની રાહ જોઈને બેસી રહી. પોલીસે છોકરીને લઈને આવનારા રીક્ષાવાળાની પૂછપરછ કરવાની પણ તસદી ન લીધી.

તુલસીપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (સીએચસી)ના ત્રણ ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ કરીને છોકરી પર સામૂહિક બળાત્કાર ગુજારાયો હોવાની વાતને સમર્થન આપ્યું ને છોકરીનાં આંતરડાં ફાટી ગયાં હોવાથી તેનું મોત નિપજ્યું હોવાનો રીપોર્ટ આપ્યો. આ દીકરીનાં આંતરડાં ફાટી ગયેલાં એ જોતાં તેના પર કઈ હદે અત્યાચાર થયો હશે એ વિચારીને જ ધ્રુજી જવાય છે. છોકરીના હાથ-પગ પણ તોડી દેવાયેલા ને આખા શરીર પર નીલા ચકામાં પડી ગયેલાં. જંગાલિયતની તમામ હદ વટાવીને હવસખોરોએ અત્યાચાર ગુજાર્યા હશે એ કહેવાની જરૂર નથી.

બલરામપુરની ઘટના હાથરસની ઘટનાના રી-રન જેવી જ છે, માત્ર પાત્રો બદલાયાં છે. બાકી હેવાનિયતની ચરમસીમા જેવા અત્યાચારો, બળાત્કારીઓને છાવરતી પોલીસ, કશુ જ ન બન્યું હોય એમ વર્તતા શાસકો એ જ છે. હાથરસ પાસેના ગામમાં પણ આ જ રીતે 14 સપ્ટેમ્બરે 19 વર્ષની દલિત યુવતી ખેતરમાં ઘાસ કાપી રહી હતી ત્યારે ધોળા દિવસે ચાર હવસખોરો તેને ઉઠાવી ગયેલા. હેવાનોએ એક પછી એક બળાત્કાર કરીને એવા અત્યાચાર ગુજાર્યા કે તેની કરોડરજ્જુ તૂટી ગઈ હતી, ગળા પાસે સંખ્યાબંધ ફ્રેક્ચર થઈ ગયાં હતાં. હેવાનોએ છોકરીની જીભ પણ કાપી નાખી હતી. હવસખોરો યુવતીને છોડીને ભાગી ગયા ત્યારે યુવતી મોતના આરે હતી. જેમતેમ કરીને તેને હોસ્પિટલ લઈ જવાઈ પણ તેની હાલત ખરાબ હતી તેથી ડોક્ટરે તેને અલિગઢ લઈ જવા સલાહ આપી.

અલિગઢની હોસ્પિટલમાં તેને દાખલ કરાઈ ત્યારે એ મરવાના આરે જ હતી. અલિગઢમાં તેર દિવસની સારવાર પછી પણ સ્થિતિ ન સુધરી એટલે ડોક્ટરોએ તેને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં લઈ જવાની સલાહ આપી હતી. રવિવારે રાત્રે છોકરીને દિલ્હી લવાઈ ને એઈમ્સના બદલે સફદરજંગ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર શરૂ કરાઈ પણ ગળામાં થયેલાં ફ્રેક્ચરના કારણે હાલત એ હદે ખરાબ હતી કે ડોક્ટરો કંઈ ના કરી શક્યા. મંગળવારે સવારે છોકરીએ દમ તોડી દીધો ને ગુજરી ગઈ.

હાથરસ ને બલરામપુર બંને ઘટનામાં બીજી ઘણી સમાનતાઓ છે ને આ બધી વાતો અત્યંત આઘાતજનક છે, પણ સૌથી આઘાતજનક ઘટના આ ઘટનાઓ તરફ શાસકોનો અભિગમ છે. બે માસૂમ દીકરીઓને સામૂહિક બળાત્કારનો ભોગ બનાવીને મારી નખાઈ ને યુપીના મુખિયા યોગી આદિત્યનાથ કે તેમના કોઈ ભાયાતના પેટનું પાણી સુધ્ધાં હાલતું નથી. હાથરસમાં બળાત્કારનો ભોગ બનેલી દીકરી પંદર દિવસથી જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતી હતી પણ સરકારમાંથી હરામ બરાબર કોઈ તેની ખબર લેવા કે તેના પરિવારને સાંત્વના આપવા ગયો હોય તો. યોગી કોંગ્રેસને ભાંડવામાં રસ બતાવતા હતા પણ આ છોકરીનું શું થાય છે તેની તેમને ચિંતા જ નહોતી. છોકરી ગુજરી ગઈ ને લોકોનો આક્રોશ ભડક્યો પછી નરેન્દ્ર મોદીએ ફોન કરીને કહ્યું ત્યારે તો યોગીએ તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ) બનાવી. બાકી એ તો આવું બધું તો બન્યા કરે એમ માનીને જ વર્તતા હતા. હાથરસ ને બલરામપુરની ઘટનાઓ ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે તેનો પણ પુરાવારૂપ છે.