ઉત્તર પ્રદેશમાં બળાત્કારના આરોપીઓને છાવરવામાં પોલીસને શું રસ હોઈ શકે છે?

બાલિકાઓ અને યુવતીઓ પરના અત્યાચારો ધૂમ વધવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશમાં હાથરસમાં પાશવી બળાત્કારનો ભોગ બનેલી 19 વર્ષની દલિત યુવતીનાં મોતની ઘટનાને મુદ્દે ઘમસાણ મચી ગયું છે. ઉત્તર પ્રદેશમાં ત્રીજી નવેમ્બરે વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી છે તેથી વિપક્ષો આ મુદ્દો ગજવશે એવી ધારણા હતી જ ને એવું બની રહ્યું છે. ગુરુવારે રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધીએ હાથરસ જવાની મથામણ કરી તેમાં ઘમસાણ થયું તેમાં પોલીસે રાહુલને રોકવા બિનજરૂરી બળપ્રયોગ કરીને તેમને નીચે પાડી નાંખ્યા એવી શરમજનક ઘટના પણ બની ગઈ. શુક્રવારે તૃણમૂલ કૉંગ્રેસના ડેરેક ઓબ્રાયન પાર્ટીના સાંસદો સાથે હાથસર જવા નિકળ્યા ને પોલીસે તેમને રોક્યા તેમાં બબાલ થઈ ગઈ. આ બબાલ પછી વિપક્ષોએ ઉત્તર પ્રદેશમાં ગુંડારાજ છે એવો જૂનો રાગ પાછો છેડી દીધો છે.

આશ્ચર્યજનક રીતે શુક્રવારે ટીવી ચેનલોને પણ અચાનક પીડિતા છોકરીમાં રસ પડી ગયો. આ છોકરી પર તેર સપ્ટેમ્બરે બળાત્કાર થયેલો ને પંદર દિવસ સુધી તો છોકરી અલીગઢની હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતી હતી. એ પછી બે દિવસ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રખાઈ પણ ચેનલોને તેની તરફ જોવાની પણ ફુરસદ નહોતી. કંગના રાણાવત ને તેના ચમચાઓની ભવાઈ વધારે મહત્વની હોય એ રીતે ચેનલો વર્તતી હતી. હવે અચાનક ચેનલોને પણ યાદ આવ્યું કે, હાથરસની છોકરી સાથે બહુ ખોટું થયું એટલે તેમણે પણ તેના ગામ ભણી દોટ મૂકી છે.

પોલીસે છોકરીના ગામ તરફ જવાના રસ્તાની નાકાબંધી કરી નાંખી છે ને કોઈને અંદર જવા જ નથી દેવાતા. ગામની બહારના વિસ્તારને છાવણીમાં ફેરવી નાંખ્યો છે કે જેથી કોઈ અંદર ઘૂસી જ ન શકે. મીડિયા માટે પણ પ્રવેશબંધી ફરમાવાઈ છે તેથી મીડિયાને પણ પોલીસ સાથે ઘર્ષણ થયું તેના કારણે પણ શુક્ર-શનિ આ મુદ્દો બરાબર ચગ્યો. આખો દિવસ ચેનલ પર હાથરસ જ છવાયેલું રહ્યું. બાકી હતું તે દિવસો બાદ યોગી આદિત્યનાથને પણ યાદ આવ્યું કે, ઉત્તર પ્રદેશમાં એક છોકરી પર બળાત્કારની ઘટના બની છે. તેમણે પણ ટ્વિટ ફટકારી દીધી કે, તેમની સરકાર મહિલાઓની સલામતી માટે પ્રતિબદ્ધ છે. આ બધાં કારણોસર શુક્રવારનો દિવસ હાથરસની ઘટનાને નામે લખાઈ ગયો.

હાથરસની ઘટના બહુ મોટી છે એ જોતાં વિપક્ષો આ મુદ્દે હોહા મચાવે કે મીડિયા પણ આ મુદ્દાને ઉઠાવે તેમાં કશું ખોટું નથી. અત્યાચારનો ભોગ બનેલી માસૂમ છોકરીને બચાવી તો ન શકાઈ પણ કમ સે કમ તેના હત્યારાઓને તેમનાં કુકર્મની સજા મળે તેમાં નિમિત્ત બનવાનો પ્રયત્ન તો થવો જ જોઈએ. વિપક્ષો ને મીડિયા બંને મોડે મોડે જાગીને એ કરે છે એ સારું છે ને જરૂરી પણ છે કેમ કે આ છોકરીનાં પરિવારને પડખે તો કોઈ જ નથી. એકદમ ગરીબ પરિવારની આ દીકરીનાં જીવની કે આબરૂની સત્તામાં બેઠેલા લોકોને કોઈ કિંમત જ હતી નહીં ને આજે પણ નથી. એ લોકો તો આ છોકરીની હત્યાની ઘટનાને દબાવી દેવા માટે જ મથ્યા કરે છે ને એવી એવી વાતો કરે છે કે જેની વાત સાંભળીને આપણને ચક્કર આવી જાય. છોકરી પર બળાત્કાર થયો હતો કે નહીં એ અંગે પોલીસે કરેલો દાવો તેનો તાજો પુરાવો છે.

હાથરસની આ યુવતી સામૂહિક બળાત્કારનો ભોગ બની એ પહેલા દિવસથી સ્પષ્ટ હતું. હવે પોલીસ કહે છે કે યુવતી પર બળાત્કાર થયો જ નથી. પોલીસ તેના માટે જે કારણ આપે છે એ વાહિયાતપણાની ચરમસીમા જેવું છે. પોલીસની વાત સાંભળીને ગુસ્સો પણ આવે કે સાવ પાલતુ ને કરોડરજ્જુ વિનાના લોકો આપણા તંત્રમાં મોટા હોદ્દા પર બેસી ગયા છે. સત્તામાં બેઠેલાં લોકોનાં તાળવાં ચાટવા માટે એ લોકો ગમે તે હદનાં જૂઠાણાં બોલી શકે છે ને પોતે મૂરખ લાગે એવી વાતો પણ કરી શકે છે. આ લોકોમાં સ્વાભિમાન જેવું કશું જરાય નહીં હોય કે શું એવો સવાલ પણ થાય.

હાથરસ પાસેના ગામમાં 14 સપ્ટેમ્બરે 19 વર્ષની દલિત યુવતી પર બળાત્કાર ગુજારાયો એ ઘટનાની જે વિગતો પોલીસે આપેલી એ પ્રમાણે યુવતી ખેતરમાં ઘાસ કાપી રહી હતી ત્યારે ધોળા દિવસે ચાર હવસખોરો તેને ઉઠાવી ગયેલા. હેવાનોએ એક પછી એક બળાત્કાર કરીને એવા અત્યાચાર ગુજાર્યા કે તેની કરોડરજ્જુ તૂટી ગઈ હતી, ગળા પાસે સંખ્યાબંધ ફ્રેક્ચર થઈ ગયાં હતાં. હેવાનોએ છોકરીની જીભ પણ કાપી નાંખી હતી. હવસખોરો યુવતીને છોડીને ભાગી ગયા ત્યારે યુવતી મોતના આરે હતી ને માંડ માંડ તેને હોસ્પિટલમાં લવાઈ હતી.

આ વાત પોલીસે જ કરેલી ને હવે પોલીસનું કહેવું છે કે, યુવતી પર બળાત્કાર જ નહોતો થયો કેમ કે મેડિકલ સેમ્પલમાં કોઈ નિશાન મળ્યા નથી. પોલીસનો દાવો છે કે, યુવતીનાં મોત અંગેના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અંતિમ નિદાન (ફાયનલ ડાયોગ્નોસિસ) પ્રમાણે યુવતીનું મોત ગળામાં થયેલી ઈજાના કારણે થયું છે પણ તેના પર બળાત્કાર કે સામૂહિક બળાત્કાર થયાના પુરાવા નથી મળ્યા. પ્રકાશ કુમાર નામના પોલીસ અધિકારીએ કરેલા દાવા પ્રમાણે આ રિપોર્ટમાં જાતીય અત્યાચારના પુરાવા નથી મળ્યા તેના પરથી સ્પષ્ટ છે કે, કેટલાક લોકોએ જ્ઞાતિવાદી તણાવ ઊભો કરવા માટે આખી વાતને વિકૃત સ્વરૂપ આપી દીધું. હવે આ પોલીસ ઓફિસરે કરેલી બીજી એક વાત પણ સાંભળી લો. તેમના કહેવા પ્રમાણે યુવતીનાં સેમ્પલમાં ક્યાંય જાતીય ઉત્પીડનના પુરાવા નથી મળ્યા પણ તેનાં ગુપ્તાંગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ જોવા મળી છે.

પોલીસે પહેલાં તો છોકરીનાં પરિવારની વાત જ નહોતી સાંભળી. પોલીસે ફરિયાદ લેવાના બદલે પરિવારને રઝળાવીને પરેશાન કર્યો. મીડિયાને ખબર પડી અને સ્થાનિક રાજકારણીઓએ હોબાળો મચાવ્યો પછી પોલીસે નાછૂટકે કાર્યવાહી કરવી પડી પણ એ પહેલાં પોલીસે બળાત્કારીઓ બચી જાય એટલા માટે કાઢવો પડે એટલો સમય કાઢી નાંખેલો. છોકરીને અલીગઢની હોસ્પિટલમાં દાખલ કરાઈ ત્યારે મરવાના આરે જ હતી. પોલીસે તાબડતોબ તેનાં સેમ્પલ લેવાનાં હતાં પણ પોલીસે દિવસો કાઢી નાંખ્યા પછી પુરાવા ક્યાંથી રહે ?

સૌથી મહત્વની વાત તો એ છે કે, આ પુરાવા હતા કે નહીં એ તો પોલીસે બહાર પાડેલો રીપોર્ટ કહે છે. આ રીપોર્ટ સાચો જ છે એવું કહી શકાય તેમ નથી. પોલીસે તો પાછળથી કોઈ પ્રકારના પુરાવા લઈ ન શકાય એટલા માટે છોકરી ગુજરી ગઈ પછી પોલીસે તેના પરિવારને ઘરમાં પૂરી દઈ બારોબાર છોકરીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. આ સંજોગોમાં હવે ફરી કોઈ પ્રકારના પુરાવાની ચકાસણી જ થઈ શકે તેમ નથી. પોલીસે અંતિમ સંસ્કાર કરવા માટે જે કારણ આપ્યું એ પણ વાહિયાત છે. પોલીસના દાવા પ્રમાણે મૃતદેહ સડવા માંડેલો તેથી તાત્કાલિક તેના અંતિમ સંસ્કાર કરી દેવાયો. સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે કોઈ પણ મૃતદેહને મહિનાઓ સુધી રાખી શકાય ત્યારે આ વાત ગળે ઉતરે એવી જ નથી. ને પોલીસે થોડું મૃતદેહ પાસે ચોવીસે કલાક બેસવાનું હતું કે મૃતદેહ બગડ્યો તેના કારણે તેમને તકલીફ થાય?

પોલીસ આ બધો બકવાસ કોના ઈશારે કરી રહી છે એ કહેવાની જરૂર નથી. ઉપર બેઠેલા તેમના આકાઓને જ છોકરીને ન્યાય મળે તેમાં રસ નથી. તેમને આરોપીઓને છાવરવામાં રસ છે. ઉત્તર પ્રદેશમાં પોલીસ સાવ પાલતું છે ને સ્વમાનહીન છે તેથી તેમના બાપ કહે એવી ગોળીઓ લોકોને ગળાવવા મથ્યા કરે છે. પોલીસે તો છોકરીના પરિવારને પણ રીતસર બંદી બનાવી દીધો છે ને બસ્સો પોલીસોનો કાફલો ખડકી દીધો છે. કોઈ તેમને મળી જ ન શકે એવી હાલત કરી નાંખી છે ત્યારે તેમને ન્યાય મળે એવી આશા જ ન રખાય. બલ્કે છોકરીનો પરિવાર ગમે તેટલાં માથાં પટકે તેમની વાત પણ કોઈ ન સાંભળે. આ સંજોગોમાં મીડિયા અને વિપક્ષે મેદાનમાં આવવું જરૂરી હતું. એક ગરીબ પરિવારને ન્યાય અપાવવાની તેમની ફરજ છે ને એ ફરજ બંને બજાવી રહ્યાં છે.