ઉદ્ધવ ઠાકરેએ રાજીવ ગાંધીને અંજલિ આપી એમાં તો મુંબઈ ઊંચુંનીચું થઈ ગયું

ઉદ્ધવ ઠાકરેએ શિવસેના પક્ષનો વારસો એના પિતા બાલ ઠાકરે પાસેથી લીધો છે અને બાલ ઠાકરે કોંગ્રેસના કટ્ટર વિરોધી હતા. ભારતમાં દેશના વિકાસમાં યોગદાન આપનારા લોકોના યોગદાનના માપદંડ અલગ છે. દુનિયાના બીજા દેશોમાં વિકાસમાં યોગદાન આપનારને લોકો સન્માન આપે છે, પ્રેમથી યાદ કરે છે. ભારતમાં કોઈ પણ વ્યક્તિના યોગદાનને એ ક્યા રાજકીય પક્ષનો છે કે કઈ વિચારધારા સાથે જોડાયેલો છે તેના આધારે મૂલવવામાં આવે છે. આ પરંપરા વરસોથી ચાલી આવે છે. આપણે બહુ લાંબો ઈતિહાસ ના ખોલીએ ને દેશની આઝાદીની લડત ને આઝાદી પછીના ભારતના વિકાસનો ઈતિહાસ જોઈશું તો પણ આ વાત સમજાશે. હમણાં રાજીવના જન્મદિને ઉદ્ધવ ઠાકરેએ રાજીવની છબીને પુષ્પો અર્પણ કર્યા તો શિવસેનામાં ઊહાપોહ મચી ગયો. મુંબઈમાં સોશિયલ મીડિયામાં ઉદ્ધવ વિરુદ્ધ ધમાલ મચી ગઈ ને આખું મુંબઈ ઊંચુંનીચું થઈ ગયું. હવે એમ ન થવું જોઈએ તો પણ થયું.

દેશની આઝાદીની લડતમાં બહુ બધા લોકોનું યોગદાન હતું. ઘણા રાજકીય પક્ષો જોડાયેલા હતા ને અલગ અલગ વિચારધારાના લોકો પણ તેમાં જોડાયેલા હતા. આઝાદી માટે અલગ રસ્તો અપનાવનારા લોકો પણ હતા ને એ બધાંનો ઉદ્દેશ એકસરખો હતો પણ દેશની આઝાદીનો ઈતિહાસ લખાયો તેમાં કૉંગ્રેસ ને કૉંગ્રેસના નેતાઓ જ કેન્દ્રસ્થાને રહ્યા. કૉંગ્રેસના નેતાઓમાં પણ મહાત્મા ગાંધી અને તેમની નજીકના નેતાઓનાં જ ગુણગાન ગવાયાં. સુભાષચંદ્ર બોઝ જેવા નેતાએ દેશને આઝાદ કરવા માટે જે પ્રયત્નો કર્યા તેની સરખામણીમાં કૉંગ્રેસે કશું ન કર્યું એમ કહીએ તો ચાલે પણ સુભાષબાબુ બાજુ પર ધકેલાઈ ગયા ને કૉંગ્રેસના નેતાઓએ જ દેશને આઝાદ કરાવ્યો હોય એવું ચિત્ર ઊભું કરી દેવાયું.

દેશની આઝાદી પછી ગાંધીજી તો રહ્યા પણ બીજા નેતા બાજુ પર મુકાતા ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ધુરંધરને પણ કોરાણે મૂકી દેવાયા ને જવાહરલાલ નહેરૂ છવાઈ ગયા. નહેરુનું યોગદાન બહુ મોટું છે તેનો ઈનકાર ન થઈ શકે પણ આઝાદી પછીના ભારતના નિર્માણમાં બીજાંનું યોગદાન પણ એટલું જ હતું એ વાતનો ઉલ્લેખ જ ન થયો. નહેરૂ અને તેમનું ખાનદાન જ દેશના ભાગ્યવિધાતા હોય એવું ચિત્ર ઉભું કરી દેવાયું. કૉંગ્રેસનું શાસન હતું ત્યાં લગી આ ધુપલ ચાલ્યું ને ભાજપે પણ એ પરંપરા આગળ ધપાવી. ભાજપ પણ કૉંગ્રેસની જેમ જ રાજકીય પૂર્વગ્રહો સાથે વર્તીને વિનાયક દામોદર સાવરકર જેવા લોકોને મોટા કરવા માંડ્યા છે ને નેહરૂ-ગાંધી ખાનદાનનો એકડો સાવ ભૂંસી નાંખવાનો હોય એમ તેમના જેન્યુઈન યોગદાનને પણ અવગણવા માંડ્યું છે.

દુનિયામાં બધા ઉગતા સૂરજને પૂજે છે તેથી સત્તામાં બેઠેલા લોકો વર્તે એ રીતે બહુમતી લોકો વર્તતાં હોય છે. તેના કારણે નેહરુ-ગાંધી ખાનદાનને ગાળો દેવાની ફેશન થઈ ગઈ છે ને આ ખાનદાને દેશના વિકાસમાં ખરેખર આપેલા યોગદાનને યાદ કરવાની પણ કોઈ તસદી લેતું નથી. હમણાં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનો જન્મદિવસ હતો ને તેમાં એવું જ થયું. નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધીને એક લીટીની તો એક લીટીની શ્રદ્ધાંજલિ આપીને દેશના વડા પ્રધાનપદે રહી ચૂકેલી વ્યક્તિ તરફ સન્માન બતાવવાનું સૌજન્ય દાખવ્યું ને પોતાની ગરિમા જાળવી પણ સત્તામાં બેઠેલા બીજા લોકોએ રાજીવને યાદ સુધ્ધાં ન કર્યા. આ દેશમાં રાજીવ ગાંધી નામની કોઈ વ્યક્તિ વડા પ્રધાનપદે આવી હતી એ યાદ જ ન હોય એ રીતે બધાં વર્ત્યાં.

આ રીતે વર્તનારા શું માનતા હશે એ ખબર નથી પણ આ રીતે વર્તીને કોઈના યોગદાનને ભુલાવી શકાતું નથી કે મિટાવી પણ શકાતું નથી. કૉંગ્રેસે વરસો લગી સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ જેવા દિગ્ગજોની અવગણના કરી તો તેના કારણે સરદાર પટેલ કે સુભાષબાબુ લોકોના માનસ પરથી હટી ગયા ? લોકોને તેમના યોગદાન વિશે ખબર જ ના પડે એવું થોડું થયું? કૉંગ્રેસે હજુ ત્રણ દાયકા પહેલાં જ દેશમાં શાસન કરનારા પી.વી. નરસિંહરાવને પણ કોરાણે મૂકી દીધેલા ને તેમને યાદ સુધ્ધાં નહોતી કરતી. તેના કારણે નરસિંહરાવનું યોગદાન ભુંસાઈ નથી ગયું. બલ્કે કૉંગ્રેસે જ હવે નાકલીટી તાણીને ફરી નરસિંહરાવને યાદ કરવા પડે છે.

આ જ વાત રાજીવ ગાંધીને પણ લાગુ પડે છે. રાજીવ ગાંધીને ભાજપના નેતા, ભાજપની સરકાર કે ભાજપના સમર્થકો યાદ ન કરે તેના કારણે રાજીવનું યોગદાન નહીં ભુલાય. રાજીવ ગાંધી આધુનિક ભારતના નિર્માણનો પાયો નાંખનારા નેતા હતા એ ઈતિહાસને કોઈ બદલી નહીં શકે. રાજીવ ગાંધીએ દેશના વડા પ્રધાન તરીકે માત્ર પાંચ વર્ષ જ રાજ કર્યું પણ આ પાંચ વર્ષમાં તેમણે દેશની કાયાપલટ કરી નાંખી અને દેશને આધુનિક બનાવી દીધો તેમાં બેમત નથી. આ દેશનું અર્થતંત્ર આજે સર્વિસ સેક્ટર પર ટકેલું છે ને તેનો જશ નરસિંહરાવની આર્થિક ઉદારીકરણની નીતિને જાય છે પણ તેનો પાયો તો રાજીવે જ નાંખેલો.

આપણા ગુજરાતી ટેકનોક્રેટ સામ પિત્રોડાની મદદથી રાજીવ ગાંધીએ ટેલીકોમ ક્રાંતિ કરીને આધુનિક ભારતનો પાયો નાંખ્યો. કૉંગ્રેસના શાસનમાં જ ઈસરોના ચેરમેન યુ.આર. રાવે ભારતને અવકાશ સંશોધનમાં આત્મનિર્ભર બનાવેલું ને ભારતે એક પછી એક 18 ઉપગ્રહો તરતા મૂકેલા. આજે આપણે મોબાઈલ ને ઈન્ટરનેટનો ઉપયોગ છૂટથી કરીએ છીએ, હવામાનની આગાહી કરી શકીએ છીએ ને દેશને પતાવી દેવા માગતા દુશ્મનો પર પણ નજર રાખી શકીએ છીએ એ બધું આ ઉપગ્રહોના કારણે શક્ય બન્યું. કોમ્યુનિકેશન, રિમોટ સેન્સિંગ તથા મેટરોલોજીકલ સેવાઓ માટેના ઉપગ્રહો તરતા મૂકીને રાવે ભારતને દુનિયાના વિકસિત દેશોની હરોળમાં લાવીને મૂકી દીધું.

રાવના માર્ગદર્શનમાં ઈસરોએ પછી તો ઈન્સેટ સીરિઝના ઉપગ્રહો તરતા મૂક્યા. આજે દેશના નાનામાં નાના ગામમાં પણ ટેલીફોન સેવા છે ને સેકંડોમાં તો તમે દેશના ગમે તે ખૂણામાં વાત કરી શકો છો તે આ ઉપગ્રહોના કારણે શક્ય બન્યું. રાજીવ ગાંધીએ તેનો ઉપયોગ કરીને સામ પિત્રોડા પાસે દેશમાં ટેલીકોમ્યુનિકેશન ક્રાંતિ કરાવી હતી. આ ક્રાંતિના કારણે દેશમાં રોજગારીમાં રીતસરનું ઘોડાપૂર આવી ગયેલું. દેશમાં ઠેર ઠેર પીસીઓ ખૂલી ગયાં. આઈએસડી અને એસટીડી ફોન કરવા માટેનાં, ફેક્સ કરવાનાં બૂથ લાખોની સંખ્યામાં દેશમાં ખૂલી ગયેલાં ને તેમાં કરોડોને રોજગારી મળતી હતી. આ ટેલિકોમ ક્રાંતિના કારણે બીજી રોજગારીની તકો ઊભી થઈ એ અલગ. ભારતના ઈતિહાસમાં રાજીવે જેટલી રોજગારીની તકો ઊભી કરી એટલી તકો બીજો કોઈ વડા પ્રધાન ઊભો કરી શક્યો નથી. અત્યારે આપણે ત્યાં વરસે બે કરોડ નવી રોજગારી આપવાની વાતો જ થાય છે. રાજીવે એ કરી બતાવેલું.

રાજીવ ગાંધીના નામ સાથે ટેલિકોમ ક્રાંતિ જોડાઈ ગઈ છે ને તેના જોરે જ પછી આ દેશમાં મોબાઈલ ટેકનોલોજી આવી, ઈન્ટરનેટ આવ્યું ને તેને કારણે એવી ક્રાંતિ આવી કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અત્યારે ખાલી આત્મનિર્ભરતાની વાતો થાય છે. રાજીવે ટેલિકોમ ક્ષેત્રે આ દેશને આત્મનિર્ભર બનાવેલો કેમ કે તેમણે ભારત સરકારની ટેલિકોમ ડીપાર્ટમેન્ટના નેજા હેઠળ આ બધું ઊભું કરેલું. ખાનગી કંપનીઓને સરકારી કંપનીઓ પધરાવીને ધાડ મારી દીધી હોય એવો દેખાવ નહોતો કર્યો. દેશમાં વરસો લગી એ જ સરકારી કંપનીઓ શ્રેષ્ઠ સેવાઓ આપતી હતી ને તેના માટેનું માળખું રાજીવના શાસનમાં ઊભું થયેલું. આ દેશ કોમ્પ્યુટર યુગમાં આવ્યો, ઈન્ફર્મેશ ટેકનોલોજીને તેણે અપનાવી તેનો યશ રાજીવને જાય છે. આજે ટેલિકોમ સાથે સંકળાયેલી સેવાઓ વિશે વિચારજો ને તેના કારણે કેટલાં લોકોને રોજગારી મળે છે તે વિચારજો તો ખબર પડશે કે રાજીવે કેટલું મોટું કામ કર્યું હતું.

રાજીવે ટેલિકોમ ક્રાંતિ સિવાય પણ ઘણાં મોટાં પગલાં ભર્યાં. દેશમાં 18 વર્ષની વયે મતદાનનો અધિકાર આપવાનું કાંતિકારી પગલું રાજીવે ભરેલું. દેશના રાજકારણીઓ ચકલાની રૂપજીવીનીની જેમ સત્તા ને નાણાં માટે વફાદારી બદલી દેતા હતા એ રોકવા માટે પક્ષપલટા વિરોધી કાયદો રાજીવે બનાવેલો. દેશને સ્થિર શાસન આપવાની દિશામાં એ મોટું કદમ હતું. મહિલા સશક્તિકરણની દિશામાં કાંતિકારી પગલું ભરીને પંચાયતની સંસ્થાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવાની દિશામાં પહેલું કદમ રાજીવે ભરેલું ને પછી નરસિંહરાવે તેને કાયદો બનાવ્યો. રાજીવે પંચાયતી રાજની દિશામાં નક્કર પગલાં ભર્યાં ને તેના આધારે નરસિંહરાવે પંચાયતી રાજનો કાયદો કરાવીને પંચાયતની ચૂંટણીઓ ફરજિયાત કરાવી. તાકતવર સત્તા પર ના ચડી બેસે એ દિશામાં આ મોટું કદમ હતું.

રાજીવે નવી શિક્ષણ નીતિ બનાવીને કોમ્પ્યુટર આધારિત કોર્સીસ દાખલ કરાવેલા. ગ્રામીણ વિસ્તારોમાં મફત આધુનિક શિક્ષણ આપવા નવોદય વિદ્યાલય શરૂ કરાવેલાં. સરકારી કર્મચારીઓ માટે પાંચ દિવસનું અઠવાડિયું રાજીવે કરેલું ને દેશમાં વિદેશી રોકાણ આવે એ માટે છૂટ આપવાનું કામ પણ રાજીવે કરેલું. રાજીવના યોગદાનની આ તો ઉપરછલ્લી વાતો છે. તેની અસરો વિશે વિચારીશું તો સમજાશે કે રાજીવે ખરેખર સારું કામ કર્યું હતું. રાજીવે ભૂલો પણ કરી. બોફોર્સ કાંડ કે શાહબાનો કેસનો ચુકાદો બદલવા જેવી મહાન ભૂલો રાજીવે કરી ને તેની કિંમત તેમણે સત્તા ગુમાવીને ચૂકવી પણ તેના કારણે રાજીવે આપેલા યોગદાનને સાવ નકારી દેવાય એ યોગ્ય નથી. તંદુરસ્ત લોકશાહીમાં આ યોગદાનને યાદ કરવું જ જોઈએ, તેની કદર પણ કરવી જોઈએ. સત્તામાં બેઠેલા લોકો એટલું મોટું મન બતાવે તો લોકોને પણ તેમના માટે માન વધશે.