ઉદ્ધવ ઠાકરેની સરકાર અને ભાજપને તો વારેઘડિયે લડવાના બહાના જોઈએ

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વચ્ચે ફરી સુશાંત સિંહ રાજપૂતના મોત વખતે જામેલી એવી પટ્ટાબાજી જામી છે. આ પટ્ટાબાજીના મૂળમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની સામેથી વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર મળી આવી એ પછી બનેલી ઘટનાઓ છે. આ કેસમાં કેન્દ્રની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ મુંબઈ પોલિસના અધિકારી સચિન વાઝેને ઉઠાવીને અંદર કરી દીધો છે ને શિવસેના વાઝેના બચાવમાં ઊતરી છે તેમાં જંગ જામી ગયો છે. શિવસેનાનું કહેવું છે કે, ભાજપના હિટ લિસ્ટમાં વાઝે હતા ને મોકો મળતાં જ ભાજપે ખાર કાઢીને વાઝેનું બોર્ડ પતાવી દેવા તેમને અંદર કરી દીધા છે. શિવસેનાનું એવું પણ કહેવું છે કે, આ કેસમાં એનઆઈએની તપાસની જરૂર નહોતી પણ વાઝેને ફિટ કરવા વગર નોંતરે એનઆઈએ કૂદી પડી છે. બાકી દુનિયામાં શ્રેષ્ઠ મનાતી મુંબઈ પોલીસ ને મહારાષ્ટ્ર એટીએસ આ કેસની તપાસ કરીને સત્ય બહાર લાવવા માટે સક્ષમ છે જ.
શિવસેનાના મુખપત્ર સામનામાં લાંબોલચ્ચક લેખ લખીને વાઝેનો બચાવ કરાયો છે ને મોદી સરકાર સામે આક્ષેપોની ઝડી વરસાવી દેવાઈ છે. શિવસેના બચાવ કરે પછી ભાજપવાળા ચૂપ રહે એ વાતમાં માલ નથી. ભાજપના નેતા પણ આ કેસમાં કૂદી પડ્યા છે ને વાઝેની કરમ કુંડળી ખોલીને બેસી ગયા છે તેમાં બરાબર જામી છે. મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર વાઝે સામે મુકેશ અંબાણીના ઘરની સામે વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો મુકાવવાનો આરોપ છે. આ સ્કોર્પિયો થાણેના બિઝનેસમેન મનસુખ હિરેનની હતી. અંબાણીના ઘર પાસેથી 25 ફેબ્રુઆરીએ 20 જિલેટીન સ્ટિક ભરેલી કાર મળી પછી આ કાર કોની તેની તપાસ શરૂ થયેલી. કારની નંબર પ્લેટ ખોટી હતી તેથી શરૂઆતમાં તો અંદાજિત ગપ્પાબાજી ચાલી પણ પછી ખબર પડી કે, કાર મનસુખ હિરેનની છે.
આ વાત બહાર આવી તેના થોડાક દિવસ પછી એટલે કે પાંચમી માર્ચે મનસુખની લાશ મળતાં કેસમાં નવો વળાંક આવી ગયેલો. આ કેસમા વિસ્ફોટકો મળતાં એનઆઈએ પણ ઉતરી પડેલી ને એનઆઈએની તપાસમાં વાઝે સુધી રેલો પહોંચતાં શનિવારે રાત્રે તેમને ઉઠાવીને જેલમાં નાખી દેવાયા. કોર્ટે વાઝેના પચીસ માર્ચ સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે એ જોતાં આ કેસમાં હજુ ઘણા ખુલાસા થશે ને ત્યાં સુધી બહાર પણ પટ્ટાબાજી ચાલુ જ રહેશે.આ કેસમાં અંતે શું થાય છે તે ખબર નથી પણ શિવસેના જે વાતો કરે છે એ હાસ્યાસ્પદ છે. આ કેસ વિસ્ફોટકોને લગતો છે ને એનઆઈએ આતંકવાદને લગતા કેસોની તપાસ માટેની એજન્સી છે તેથી તેને કોઈના નિમંત્રણની જરૂર નથી. એનઆઈએ આ કેસમાં સામેથી તપાસ કરી જ શકે. શિવસેના એક છાપેલા કાટલા જેવા પોલીસ અધિકારીનો બચાવ કરવા ઝનૂનથી કૂદી પડી એ જોઈને આઘાત પણ લાગે છે. વાઝે દોષિત છે કે નહીં એ કોર્ટને નક્કી કરવા દેવાને બદલે શિવસેનાવાળા જ જજ બનીને બેસી ગયા છે.
શિવસેનાનું કહેવું છે કે, સચિન વાઝેએ ટીવી પત્રકાર અર્ણબ ગોસ્વામીને અન્વય નાઈકના કેસમાં જેલની હવા ખવડાવેલી તેનો બદલો લેવા મોદી સરકારે વાઝેને ફિટ કરવાનો કારસો કર્યો છે. અર્ણબને ગયા વરસના નવેમ્બરમાં જેલમાં ધકેલી દેવાયેલો. એ વખતે ભાજપે આક્ષેપ કરેલો કે, અર્ણબે ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના કેસમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્યની હાલત કફોડી કરવા માંડી એટલે તેને દબાવવા ઉદ્ધવ સરકારે આ કેસ ખોલીને અર્ણબને અંદર કરી દીધો છે. હવે એ જ પ્રકારના આક્ષેપો શિવસેનાવાળા કરી રહ્યા છે. અર્ણબ મોદીનો લાડકો છે તેથી તેને રાજી કરવા વાઝેને એનઆઈએએ લપેટી લીધો છે એવું શિવસેનાનું કહેવું છે. આપણે ત્યાં રાજકારણીઓ કિન્નાખોરીથી વર્તવા માટે કુખ્યાત છે એ જોતાં મોદી સરકાર બદલો લેવા વર્તતી હોય એ શક્ય છે પણ તેના કારણે વાઝે દૂધે ધોયેલા સાબિત થતા નથી. સાથે સાથે અર્ણબના કેસમાં વાઝે ઉદ્ધવ ઠાકરેના પાલતુ તરીકે વર્તેલા એ હકીકત પણ બદલાતી નથી. આ વાત સમજવા માટે અર્ણબની ધરપકડ અને તેને લગતા કેસની વિગત સમજવી જરૂરી છે.
મુંબઈ પોલીસે 53 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈકની કથિત આત્મહત્યાના કેસમાં અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરી હતી. અર્ણબ પર અન્વયને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો આરોપ મુંબઈ પોલીસે મૂક્યો હતો. ઈન્ટિરિયર ડિઝાઈનર અને વાસ્તુ નિષ્ણાત અન્વય કોન્કર્ડ ડિઝાઇન્સ લિમિટેડ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર હતા. અન્વય પાસે ઘણા હાઈ પ્રોફાઈલ ક્લાયન્ટ્સ હતા ને તેમની કંપનીએ અર્ણબની ચેનલ રિપબ્લિક ટીવીનો સ્ટુડિયો બનાવ્યો હતો. અન્વયે પાંચમી મે, 2018ના રોજ અલીબાગ પાસેના કાવીર ગામમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. નાઈક સાથે તેમનાં માતા કુમુદ નાઇકનો મૃતદેહ પણ મળ્યો હતો. અન્વયના મૃતદેહ પાસેથી મળેલી સુસાઈડ નોટમાં નાઈકે અર્ણબ અને બીજા બેને આપઘાત માટે જવાબદાર ગણાવેલા. અન્વયે આક્ષેપ કરેલો કે, અર્ણબે સ્ટુડિયો બની ગયો પછી નાણાં ન ચૂકવતાં પોતાની હાલત બગડી ગઈ હતી અને લેણદારો જીવ ખાતા હતા તેથી કંટાળીને પોતે માતા સાથે આપઘાત કરી લીધા વિના આરો નહોતો.
અન્વયનાં પત્નીએ અલીબાગ પોલીસ સ્ટેશનમાં અર્ણબ ગોસ્વામી સામે ફરિયાદ કરી હતી પણ કોઈ પગલાં ન લેવાયાં. અન્વયની પત્ની અક્ષતાએ ધક્કા પર ધક્કા ખાધા પછી 2020ના મે મહિનામાં સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને કહ્યું કે, રિપબ્લિક ટીવીનો સ્ટુડિયો બનાવવાના મહેનતાણાના રૂપિયા 5.40 કરોડ અર્ણબે ચૂકવ્યા નહોતા. સ્ટુડિયો બનાવવા અન્વયે 500 લોકોને કામે લગાડ્યા હતા. તેમને અન્વયે પગાર આપી દીધા પણ અર્ણબે નાણાં ન આપતાં પરિવાર મુશ્કેલીમાં મૂકાયો બીજી બાજુ લેણદારોની પઠાણી ઉઘરાણી ચાલુ હતી. આ પઠાણી ઉઘરાણીથી ત્રાસીને વખ ઘોળવું પડ્યું ને વૃધ્ધ માતા સાથે આત્મહત્યા કરી લીધી. અક્ષતાના વીડિયોએ ચર્ચા જગાવી પછી ઉદ્ધવ ઠાકરે સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે પગલાં લેવાની ખાતરી આપી હતી પણ કશું ન કર્યું. ચાર મહિના સુધી ઉદ્ધવ ઠાકરે સરકારે કંઈ ન કર્યું પણ અર્ણબે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઉદ્ધવ ઠાકરે સરકારની દશા બેસાડી એટલે ઉદ્ધવ ઠાકરે સરકારે અન્વય કેસનો ઉપયોગ કરીને ઉદ્ધવ ઠાકરે સરકારે અર્ણબને જેલમાં ધકેલી દીધો હતો.
અર્ણબ અન્વયના આપઘાત માટે જવાબદાર હતો કે નહીં એ નક્કી કરવાનું કામ કોર્ટનું છે પણ જ્યાં સુધી સુશાંત કેસ નહોતો ગાજ્યો ત્યાં લગી ઉદ્ધવે અર્ણબને કશું નહોતું કર્યું એ હકીકત છે. અર્ણબનું નાક દબાવવા અન્વય કેસ ખોલાયો તેના પરથી સ્પષ્ટ હતું કે ઉદ્ધવ ઠાકરે દાનત ખોરી છે તેમાં શંકા નથી. અક્ષતા નાઈકનો વીડિયો મે મહિનામાં આવ્યો ત્યારે જ ઉધ્ધવ ઠાકરે સરકારે પગલાં લેવાની જરૂર હતી. અર્ણબ સામેના આક્ષેપો સાચા છે કે નહીં તેની તપાસ કરાવીને અર્ણબે ખોટું કર્યું એવું લાગે તો તેની સામે પગલાં લેવાની જરૂર હતી. તેના બદલે મહારાષ્ટ્ર સરકારે આ કેસને દબાવી દીધેલો ને પછી પગ તળે રેલો આવ્યો ત્યારે અર્ણબને ફિટ કરવાના ઉત્પાત કર્યા. સચિન વાઝે સરકારની નોકરી કરતા હતા. આ સંજોગોમાં તેમણે ન્યાયી રીતે વર્તવાની જરૂર હતી. તેના બદલે એ ઉદ્ધવના પાલતુ તરીકે વર્ત્યા ને અર્ણબ સામેના કેસમાં શૂરાતન બતાવી દીધું. હવે ભાજપ એ જ દવાનો ડોઝ વાઝેને આપે છે તો શિવસેના તમતમી ગઈ છે ને સિદ્ધાંતોની વાતો કરે છે.
વાઝેના કેસમાં બીજી પણ એક વાત સમજવા જેવી છે. વાઝે એક જમાનામાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ હતા. મુંબઈ પોલીસમાં દયા નાયક, પ્રદીપ શર્મા ને સચિન વાઝેનો દબદબો હતો. કોણ વધારે એન્કાઉન્ટર કરે તેની હોડ જામતી ને પોતાનો સ્કોર વધારવા ત્રણેય ઢીમ પર ઢીમ ઢાળતા જતા હતા. આ ઉત્સાહમાં ને ઉત્સાહમાં વાઝેએ 2003 માં ખ્વાજા યુનુસ નામના નિર્દોષ યુવકને જેલમાં ધકેલીને બેફામ માર્યો તેમાં એ ગુજરી ગયો. આ કેસમાં વાઝે સસ્પેન્ડ થયેલા ને કોર્ટે તેમની સામે ગંભીર કહેવાય એવી ટીપ્પણીઓ કરેલી. વાઝે સોળ વર્ષ સુધી સસ્પેન્ડ હતા ને 2007માં રાજીનામું આપીને શિવસેનામાં જોડાઈ ગયેલા. વાઝે એ રીતે શિવસેનાના કંઠીધારી છે ને હજુ ગયા વરસે ઉદ્ધવ સરકારે વિવાદાસ્પદ રીતે તેમને પાછા નોકરીમાં લીધેલા. 16 વર્ષ સુધી સસ્પેન્ડેડ ને એક રાજકીય પક્ષમાં જોડાઈ ગયેલા અધિકારીને પોલીસ તંત્રમાં કઈ રીતે પાછા લઈ શકાય એ જ મુખ્ય મુદ્દો છે. વાઝેને શિવસેના તરફની વફાદારીના કારણે પાછા પોલીસમાં લેવાયા ને મહત્ત્વના હોદ્દા પર મૂકાયા એ કહેવાની જરૂર નથી. જે માણસની વફાદારી પોલીસ તંત્રના બદલે એક રાજકીય પક્ષ તરફ હોવાનું સ્પષ્ટ છે ને જે માણસ આ પક્ષની વફાદારીના કારણે પાછો પોલીસ બન્યો છે એ માણસને રાજકીય કિન્નાખોરીનો ભોગ બનાવાઈ રહ્યો છે એવી વાત જ હાસ્યાસ્પદ કહેવાય.