ઉનાના અમોદરામાં રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી જતા વનવિભાગે પાંજરે પૂર્યો

ઉનાના અમોદરામાં એક રહેણાંક મકાનમાં ગત મોડી રાત્રે દીપડો ઘૂસી ગયો હતો. જેથી મકાન માલિકે ઘટનાની જાણ વનવિભાગને કરી હતી. જેથી વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કરી આજે સવારે પાંજરે પૂર્યો હતો. જેથી સ્થાનિકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. ઘટનાની વિગત અનુસાર ઉનાના અમોદરામાં વાડી વિસ્તારના રહેણાંક મકાનના એક રૂમમાં રાત્રે દીપડો ઘૂસી ગયો હતો. ઘટનાની જાણ મકાન માલિક હમિરભાઈ દૃેવદૃાસભાઈ સોલંકીને થતાં તેને વનવિભાગને જાણ કરી હતી.
જેથી વનવિભાગની ટીમ સ્થળ પહોંચી ગઈ હતી. વનવિભાગે રૂમનાં દરવાજા પાસે મારણ સાથે પાંજરૂ મુકતાં ભારે જહેમત બાદ આજે વહેલી સવારે દીપડો શિકારની લાલચે પાંજરમાં પૂરાઈ ગયો હતો. ઘટનાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં. થોડા દિવસ પહેલા જ ગીર ગઢડાના કોદિયા ગામમાં રાત્રે દીપડો રહેણાંક વિસ્તારમાં ચડી આવ્યો હતો અને એક મકાનમાં ઘૂસી ગયો હતો.
દીપડો કાળુભાઈ કરસનભાઈ વરસડીયા નામના વ્યક્તિના મકાનમાં ઘૂસી ગયો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. જો કે દીપડો ઘરમાં ઘૂસી જતા મકાન માલિક કાળુભાઈએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને વનવિભાગને જાણ કરી. જેથી વનવિભાગની ટીમે પાંજરૂ ગોઠવી દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું.