ઉમેજ ગામે મધરાતે પરિવાર સૂતો હતો અને મકાન ધરાશાયી થતા વૃદ્ધને ગંભીર ઈજા

સૌરાષ્ટ્રમાં વરસાદથી ઠેર ઠેર તારાજી સર્જાય છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાને ધમરોળી નાખ્યો છે. ત્યારે ગામડાઓમાં કાચા મકાન ધરાશાયી થયાના અનેક બનાવો બન્યા છે. આવી જ એક ઘટના ગત રાત્રે ઉનાના ઉમેજ ગામમાં બની હતી. પરિવાર સૂતો હતો અને રાત્રે બે વાગ્યાની આસપાસ કાચુ મકાન તેના પર ધરાશાયી થયું હતું. જેમાં વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
ઉનાના ઉમેજ ગામે ગત રાત્રે ૨ વાગ્યાની આસપાસ મેઈન બજારની બાજુમાં રહેતા હનુભાઈ મેઘાભાઈ ગોહિલનું કાચુ મકાન ધરાશાયી થયું હતું. ઘરમાં હનુભાઈ સહિત તેનો પરિવાર સૂતો હતો અને ભરનીંદ્રામાં જ માથે મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. જો કે, આ ઘટનામાં મોટી જાનહાનિ થઈ નથી. હનુભાઈને પગ અને કમરના ભાગે ઈજા પહોંચતા સામેતર ગામે હોસ્પિટલ ખસેડાયા હતા.
જ્યારે તેમના પુત્ર, પુત્રવધૂ અને ત્રણ બાળકોનો બચાવ થયો હતો. હનુભાઈના પુત્ર રૂપસીંગભાઈએ જણાવ્યું હતું કે, રાત્રે બેથી અઢી વાગ્યાના ગાળામાં અમે ઘરમાં સૂતા હતા ત્યારે અચાનક મકાન ધરાશાયી થયું હતું. અમને નીંદર ઉડી જતા બહાર દૃોડી આવ્યા હતા. જ્યારે મારા પિતાને કમરના ભાગે ઈજા પહોંચી છે અને પગમાં પથ્થર વાગ્યો છે.