એકાઉન્ટન્ટની નોકરી છૂટી તો શેરબજારમાં ઝંપલાવ્યું, નુકસાન જતા યુવકે જીવન ટુંકાવ્યું

શેરબજારમાં ૩૦ લાખનું નુકસાન થતા દૃેવામાં ડુબી ગયેલા પાંડેસરાના યુવાને લેણદારોની ઉઘરાણીથી ત્રસ્ત થઈ ફાંસો ખાઈ લીધો હતો. પાંડેસરા આવિર્ભાવ સોસાયટી વિભાગ-૨માં રહેતો દિપક શાહુ(૨૩)ના પિતા કરીયાણાની દૃુકાન ચલાવે છે. દિપક એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. નોકરી છુટી જતા તેણે શેરબજારના ધંધામાં ઝંપલાવ્યું હતું. જોકે, યુક્રેન અને રશિયાનુ યુદ્ધ શરૂ થતા તેને શેરબજારમાં ૩૦ લાખ જેટલું મોટુ નુકસાન થયું હતું. રોકાણ માટે દિપકે સગાસંબંધીઓ પાસેથી નાણાં લીધા હતા. જે નાણાં શેરબજારમાં ડુબી જતા સગાસંબંધીઓ દ્વારા ઉઘરાણી શરૂ થઈ હતી. શનિવારે પણ તેના ઘરે તેના સંબંધી ચુન્નીલાલ અને તેમની પત્ની પોતાના નાણાંની ઉઘરાણી માટે આવ્યા હતા. તેના પિતા માર્કેટમાં સામાન ખરીદવા ગયા હતા. ઘરે આવી પિતા તપાસ કરવા માટે જતા દિપક ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દૃોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.