એક પછી એક પ્રોજેક્ટમાંથી ભારતને બહાર ફેંકતું ઈરાન

ચીનના કારણે ઈરાને આપણને ચાબહાર પ્રોજેક્ટમાંથી કોરાણે મૂકીને આપણને બહુ મોટો આર્થિક ફટકો મારી દીધો તેની કળ વળી નથી ત્યાં ઈરાને હવે આપણું ગેસ ફિલ્ડ પ્રોજેક્ટમાંથી પણ નામ રદ કરી નાખ્યું છે. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ઈરાનમાં જમીનમાંથી ગેસ કાઢીને તેને ઈરાનમાં અલગ અલગ સ્થળે પહોંચાડવા માટે ગેસ પાઈપ લાઈન નાખવાના કરાર થયેલા ને આપણી કંપની ઓએનજીસીને એ કોન્ટ્રાક્ટ મળેલો. ઈરાનમાં આ ગેસ ફિલ્ડની શોધ ભારત સરકારની ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા લિમિટેડ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને ભેગા મળીને જ કરેલી તેથી બીજું કામ કરવાનો કોન્ટ્રાક્ટ પણ ઓએનજીસીને અપાયેલો. હવે અચાનક નેશનલ ઈરાનિયન ઓઈલ કંપનીએ જાહેર કરી દીધું કે, ભારતની ઓએનજીસી કંપનીને તડકે મૂકીને અમે નવો ભાગીદાર શોધી લીધો છે. આ ભાગીદાર કોણ હશે તેની જાહેરાત ઈરાને નથી કરી પણ એ ચીનની જ કોઈ કંપની હશે એ કહેવાની જરૂર નથી.

ભારત માટે આ મોટો ફટકો છે કેમ કે ભારત છેલ્લા એક દાયકા કરતાં વધારે સમયથી આ પ્રોજેક્ટમાં કામ કરતું હતું. ભારતની કંપનીઓએ ગેસ શોધ્યો પછી તેનું શું કરવું તેની આખી બ્લુપ્રિન્ટ ભારતીય કંપનીઓએ જ બનાવેલી. આ ગેસ ફિલ્ડમાં લગભગ 22 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસ હોવાનું કહેવાય છે. તેને પ્રોસેસ કરીને ઓદ્યોગિક તથા બીજા હેતુ માટે વાપરવા યોગ્ય બનાવવાનો આ પ્રોજેક્ટ હતો. ભારતની ઓઈલ કંપનીઓ આખી દુનિયામાં આ પ્રકારના પ્રોજેક્ટ લે છે. ઈરાનમાં તો આપણે વરસોથી કામ કરીએ છીએ તેથી ઈરાનને આપણા પર ભરોસો હતો એટલે આ પ્રોજેક્ટ આપણને મળ્યો.

હવે અચાનક ઈરાને આપણને આ પ્રોજેક્ટમાંથી કાઢી મૂક્યા તેનું કારણ પણ જગજાહેર છે. આપણે અમેરિકાના ડરથી આ ઈરાનના બીજા પ્રોજેક્ટની જેમ આ પ્રોજેક્ટને પણ ટલ્લે ચડાવી દીધેલો. 2008માં આ પ્રોજેક્ટના કરાર થયા પછી ચાર વર્ષ બરાબર કામ ચાલ્યું પણ 2012માં ઈરાન પર પ્રતિબંધ મૂકાયા એટલે અમેરિકાના ડરથી આપણે પાણીમાં બેસી ગયા ને અચાનક કામ બંધ કરી દીધું. 2015માં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર થયા એટલે અમેરિકા ઈરાન પર રીઝ્યું. દુનિયાના બીજા દેશોને પણ ઈરાન સાથે આર્થિક વહેવારો કરવાની છૂટ આપી એટલે આપણને આ પ્રોજેક્ટમાં ફરી રસ પડ્યો. ઈરાનને પણ ભારત સામે વાંધો નહોતો તેથી તેણે પણ મન મોટું રાખીને આપણને ફરી આવકાર્યા ને કામ શરૂ કરાવ્યું.

જો કે અમેરિકામાં ટ્રમ્પ આવ્યા ને તેમને ફરી ઈરાનને બરબાદ કરી દેવાનો સણકો ઉપડ્યો. ટ્રમ્પે ઈરાનને હેરાન કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો. ઈરાન ખાનગીમાં પરમાણુ શસ્ત્રો બનાવે છે એવું આળ મૂકીને તેમણે ઈરાનની હાલત ખરાબ કરવા માંડી ને છેવટે 2018 માં ફરી પ્રતિબંધો ફટકારી દીધા. ટ્રમ્પે ફરી ભારત સહિતના દેશોને ઈરાન સાથે કોઈ પણ વહેવાર નહીં કરવા ફરમાન કર્યું એટલે આપણે ફસકી ગયા. 2018 લગીમાં આ પ્રોજેક્ટમાં બહુ પ્રગતિ થઈ ગયેલી ને ખરેખર તો તેનાં ફળ ચાખવાના આરે આપણે આવી ગયેલા પણ અમેરિકાના ડરે આપણે ફસકી ગયા તેમાં પાછો પ્રોજેક્ટ બંધ થઈ ગયો. ઈરાને એ વખતે ભારતને કહેલું જ કે, અમેરિકાના ચાળે ચડીને ઈરાન સાથેના આર્થિક સંબંધો કાપી ન નાખશો પણ આપણે અમેરિકાનો ડર વધારે હતો એટલે આપણે ન માન્યા ને આ પ્રોજેક્ટ ફરી ખોરંભે પડી ગયો.

અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ મૂક્યા એ વખતે શરૂઆતમાં ચીન અમેરિકાની સાથે હતું તેથી તેણ પણ પ્રતિબંધો પાળેલા. અમેરિકા સાથે ચીનનાં જંગી પ્રમાણમાં આર્થિક હિતો સંકળાયેલાં છે તેથી ચીન અમેરિકાને નારાજ કરવા નહોતું માગતું તેથી તેણે ઈરાન સાથેના સંબંધોમાં રસ ન બતાવ્યો. ટ્રમ્પ તેના કારણે ફોર્મમાં આવી ગયેલા ને દુનિયા મેરી જેબ મેં એમ માનીને જ વર્તવા માંડેલા. ઈરાન પછી તેમણે ભારત અને ચીનની મેથી મારવાનો કાર્યક્રમ પણ શરૂ કર્યો. આપણે તો ડરીને અમેરિકાના શરણે થઈ ગયા પણ ચીને સામાં ઘૂરકિયાં શરૂ કર્યાં. તેના કારણે ચીન અને અમેરિકા વચ્ચે જામી ને છેવટે હવે બંને સામસામે આવી ગયાં છે.

ચીને અમેરિકાને બતાવી દેવા અમેરિકાની જ સ્ટાઈલમાં દાદાગીરી શરૂ કરી છે. ભારત સાથેનો સરહદી વિવાદ તેનું જ પરિણામ છે ને ઈરાન સાથેનો આર્થિક કરાર પણ તેનું જ પરિણામ છે. ચીને અમેરિકાને બતાવી દેવા ઈરાનને પડખામાં લીધું છે ને ઈરાન સાથે 400 અબજ ડોલરના રોકાણના કરાર કરવાનું એલાન કરી દીધું છે. આ કરાર દ્વારા ચીને અમેરિકાની સર્વેપરિતાને સીધો પડકાર ફેંક્યો છે. ચીને સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે, અમે અમેરિકાના આંગળિયાત નથી કે એ લઈ જાય ત્યાં જઈએ. અમને મનફાવે એ કરીશું ને જે દેશ સાથે સંબંધો રાખવા હશે તેની સાથે સંબંધો રાખીશું, જેની સાથે વહેવાર કરવો હશે તેની સાથે વહેવાર કરીશું. અમારે શું કરવું ને કોની સાથે ઉઠવું-બેસવું એ અમેરિકા નક્કી ન કરી શકે કેમ કે અમેરિકા અમારો ધણી નથી.

ચીનના આ પડકારથી અમેરિકા છંછેડાયું છે. પણ હમણાં એ કશું કરી શકે તેમ નથી. અમેરિકા પણ ગાંજ્યું જાય એમ નથી. તેની દાદાગીરી સામે જ પડકાર ઉઠ્યો છે એટલે તેણે જવાબ તો આપવો જ પડશે. એ જવાબ આપશે ને સામે ચીન પણ જવાબ આપશે જ કેમ કે ચીનને પણ જગતના જમાદાર બનવાનો સણકો ઉપડ્યો છે. આ રીતે બંને એકબીજાને જવાબ આપ્યા કરશે તેથી આ લડાઈ લાંબી ચાલવાની છે. બંને જોરાવર છે તેથી જલદી હાંફી જાય એમ નથી. આર્થિક રીતે, લશ્કરી રીતે ને

લુચ્ચાઈની રીતે પણ બંને આખલા જ છે તેથી તેમની લડાઈનો અંત જ નથી આવવાનો પણ આ બે આખલાની લડાઈમાં આપણો ખો નિકળવા માંડ્યો છે એ નક્કી છે.

ચીન માટે આપણે એટલા મહત્ત્વના નથી કેમ કે ચીનની સરખામણીમાં આપણી કોઈ આર્થિક તાકાત જ નથી. સામાન્ય સંજોગોમાં ચીને કદાચ આપણને ચાબહાર પ્રોજેક્ટ કે ગેસ ફિલ્ડ પ્રોજેક્ટમાંથી બહાર કાઢવા કશું કર્યું ના હોત પણ હવે સંજોગો અલગ છે. હવે ઈરાન ચીનના ખોળામાં જઈને જ બેસી ગયું છે ને ચીન જ્યાં ઘૂસે ત્યાં બીજા બધા માટે દરવાજા બંધ થઈ જાય છે તેમાં આપણો વારો પડી ગયો. ઈરાન પાસે પણ અત્યાર સુધી ભારત સિવાય આરો નહોતો કેમ કે દુનિયાના બીજા દેશો તો તેની સાથે કામ કરવા તૈયાર નથી. ભારત ડરી જરીને પણ થોડું ઘણું કામ કરતું હતું તેથી ઈરાન બધું ચલાવીને પણ ભારત સાથેના સંબંધો પૂરા નહોતું કરતું.

હવે ચીન તેની પડખે છે તેથી તેને બીજા કોઈની જરૂર નથી. ચીન પાસે ટેક્નોલોજી છે, જંગી લશ્કરી તાકાત છે, ગમે તેને પહોંચી વળવાની લશ્કરી તાકાત છે ને સૌથી મોટી વાત એ કે, ચીન અમેરિકાથી ડરતું નથી. અમેરિકાની દાટીના કારણે ભારત પાણીમાં બેસી ગયું તેમાં ઈરાનના પ્રોજેક્ટ અટવાતા ગયા. ચીનના કિસ્સામાં એવું નથી થવાનું કેમ કે ચીન તો અમેરિકાને ઘોળીને પી ગયું છે. આ સંજોગોમાં તેનું કામ હવે ધમધોકાર ચાલશે ને તેને કોઈની જરૂર નથી રહી.

ઈરાને આ કારણે જ સૌથી પહેલાં ચાબહાર પ્રોજેક્ટમાંથી આપણને કોરાણે મૂકી દીધા ને આપણને બહુ મોટો આર્થિક ફટકો મારી દીધો. એ પછી તેણે ગેસ ફિલ્ડ પ્રોજક્ટમાંથી બહાર કર્યા ને હવે આ સિલસિલો ચાલ્યા જ કરશે. ચીનના કારણે ઈરાન હવે દુનિયાના દેશોને અહેસાસ કરાવ્યા જ કરશે કે, તમે અમારી સાથે રહો કે ના રહો, કોઈ ફરક પડતો નથી કેમ કે ચીન અમારી સાથે છે. ચીન જેમ જે ગાળિયો કસશે ને ઈરાનમાં એક પછી એક પ્રોજેક્ટ પર કબજો કરશે તેમ તેમ આપણો વારો પડતો જશે. ટૂંકમાં હવે ભારતે ઈરાનના નામનું નાહી જ નાખવાનું છે ને ત્યાંથી હવે ભારત કશું કમાશે એવી આશા રાખવા જેવી નથી.

ભારત માટે આ સ્થિતિ શરમજનક કહેવાય. આપણે એ હદે ડરપોક છીએ કે આપણાં હિતો પણ નથી સાચવી શકતા તેનો આ પુરાવો છે. અમેરિકા ઈરાન પર દાદાગીરી કરે કે તેના પર નિયંત્રણો મૂકે તેનું કારણ તેના પોતાના સ્વાર્થ છે. આ સ્વાર્થ સાચવાવ એ બીજા દેશોનાં હિતોને સ્વાહા કર્યા કરે છે ત્યારે ભારતે પણ પોતાનાં હિતો વિશે જ વિચારવું જોઈએ. આપણી કમનસીબી એ છે કે, આપણને મરદ કહેવાય એવા શાસકો જ મળતા નથી. અમેરિકાની ઐસીતાસી કરીને આ દેશનાં હિતો વિશે વિચારે એવા શાસકો આપણા નસીબમાં લખાયેલા જ નથી. કોંગ્રેસના શાસનમાં પણ એ જ હાલત હતી ને અત્યારે પણ એ જ સ્થિતિ છે. એ વખતે પણ આપણે અમેરિકાથી ફફડીને ખૂણામાં બેસી જતા ને અત્યારે પણ એવું જ થાય છે.