શહેરના વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલાનું ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યાની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં કરવામાં આવી છે. જેમાં મહિલાનું ફેસબુક હેડ કરીને પતિના મિત્રોની પત્ની અને સોસાયટીની મહિલાઓને બીભત્સ મેસેજ કરવામાં આવ્યા હતા. આ અંગે જે મહિલાઓને આવા બીભત્સ મેસેજ કરાયા હતા તેઓએ મહિલાને આ અંગે જાણકારી આપી હતી. જે બાદમાં મહિલાએ પોતાનું ફેસબુક એકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કરતા તે ખુલ્યું ન હતું. આથી મહિલાને પોતાનું એકાઉન્ટ હેક થયાની જાણકારી મળી હતી.
આ મામલે મહિલાએ આ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલીના વતની અને સુરતમાં વરાછા ખાતે રહેતી ૩૮ વર્ષીય પરિણીતા છેલ્લા ત્રણ વર્ષથી ફેસબુક એકાઉન્ટ ધરાવે છે. ગત વર્ષે તેણીનું એકાઉન્ટ હેક થઈ ગયું હતું. ગત ૨૪ એપ્રિલના રોજ સવારે ૮.૩૦ વાગ્યે તેમના પતિને એક મિત્રએ ફોન કરી પૂછ્યું હતું કે ભાભી તમે તમારા ફેસબુક એકાઉન્ટ પરથી કેમ મારી પત્નીને બીભત્સ મેસેજ કરો છો? જોકે, પરિણીતાએ આ વાત પર વધારે ધ્યાન આપ્યું ન હતું.
જે બાદમાં સોસાયટીની અન્ય મહિલાઓએ પણ તેમને બીભત્સ મેસેજ આવ્યા હોવાન જણાવ્યું હતું. આથી જે તે સમયે મહિલાએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.આ મામલે પરિણીતાએ તાત્કાલિક આ ઘટનાની જણકારી પોતાના પતિને આપી હતી. પતિએ પોતે આવું કંઈ ન કરી રહૃાાનું જણાવ્યું હતું. જે બાદમાં પરિણીતાને ખ્યાલ આવી ગયો હતો કે તેમનું ફેસબુક એકાઉન્ટ કોઈ ઈસમે હેક કરી લીધું છે. અને તેણીના એકાઉન્ટમાંથી આવું કૃત્ય કરવામાં આવી રહૃાું છે.