એક વર્ષથી અમરેલીનાં મુખ્ય માર્ગોનું રિ-સર્ફેસીંગ કામ ગોટે ચડયું

  • શહેરમાં રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તા છે તે કહેવુ મુશ્કેલ : સારૂ થાજો કલેકટરનું ત્રણ રોડ તેણે દેખરેખ રાખી તો સારા થયા
  • ગઇ દિવાળીએ વાપરવાની ચાર કરોડ જેવી રકમ સરકારે આપી હતી તેના ટેન્ડર અપાયા છે કામ કેમ નથી થતુ ? : વિરોધપક્ષના નેતા શ્રી સંદીપ ધાનાણીનો સણસણતો સવાલ 
  • ગયા ચોમાસામાં શહેરનાં પાંચ મુખ્ય માર્ગો અતિવૃષ્ટિને કારણે ખરાબ થયા હોય તેના માટે સરકારની ચાર કરોડની સહાય આ ચોમાસા સુધીમાં પણ શું કામ નથી વપરાતી ?

અમરેલી,
અમરેલી શહેરમાં આ ચોમાસા દરમિયાન રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તા છે તે કહેવુ મુશ્કેલ બન્યુ છે તેટલી હદે ખાડાઓ થઇ ગયા છે અને અત્યારે જિલ્લા પંચાયત રોડ, પોસ્ટ ઓફીસ રોડ જેવા ત્રણ રોડ માટે શહેરીજનો કહી રહયા છે કે સારૂ થાજો કલેકટરશ્રી આયુષ ઓકનું આ ત્રણ રોડના કામમાં તેણે દેખરેખ રાખી તો તે રોડ સારા થયા છે અને તુટયા નથી પણ છેલ્લા એક વર્ષથી અમરેલીનાં મુખ્ય માર્ગોનું રિ-સર્ફેસીંગ કામ ગોટે ચડયું છે અને અતિવૃષ્ટિને કારણે ગઇ દિવાળી સુધીમાં નાગરીકોને અસુવિધા ન પડે અને સારા માર્ગો મળી રહે તે માટે શહેરના મુખ્ય પાંચ માર્ગોને રિ-સર્ફેસીંગ કરવા માટે વાપરી નાખવાની ચાર કરોડ જેવી રકમ સરકારે આપી હતી તેના ટેન્ડર અપાયા છે કામ કેમ નથી થતુ ? તેવો અમરેલી નગરપાલીકાના વિરોધપક્ષના નેતા શ્રી સંદીપ ધાનાણીએ સણસણતો સવાલ કર્યો છે.પાંચમાંથી માત્ર કોલેજ વાળા એક રોડનું કામ કરવામાં આવ્યુ છે નગરપાલીકા દ્વારા ચાર કરોડના રોડ માટે ટેન્ડર વગર જાહેરાતે શું કામ અપાયા છે તે અલગ બાબત છે પણ અત્યારે શહેરીજનો ચાર કરોડ જેવી રકમ સરકારે આપી હોવા છતા ઠેબા ખાઇ રહયા છે ત્યારે નગરપાલીકા દ્વારા કોન્ટ્રાકટરને નિયત સમય મર્યાદામાં કામ ન કરવા બદલ પેનલ્ટી કરવામાં આવે અને નવા કોન્ટ્રાકટરને આ કામ આપી તાત્કાલીક આ કામ કરવામાં આવે તેમ શ્રી સંદિપ ધાનાણીએ જણાવ્યુ છે.