એક વર્ષ પહેલાના ખુનનો ભેદ ખુલ્યો : અમરેલી-મુંબઇ પોલીસનું ઓપરેશન

  • એક વર્ષ પહેલા સાવરકુંડલાના શેલણાના પટેલ યુવાને મુંબઇની જૈન વણીક યુવતીની હત્યા કરી લાશને દાટી દીધી હતી
  • ફિલ્મ સ્ટોરી જેવી ઘટના : એસપીશ્રી નિર્લિપ્ત રાય અને મુંબઇના પોલીસ કમિશ્નરની સંયુક્ત ટીમોની તપાસમાં ખુલેલી સનસનાટીભરી વિગતો : નિકીતા દોશીને કુવામાં નાખી મારી નાખી લાશને દાટી દીધેલ : બરાબર એક વર્ષે ભાંડો ફુટયો : જમીનમાંથી હાડપીંજર બહાર કઢાયું

અમરેલી,
ફિલ્મ સ્ટોરીને ટક્કર મારી દે તેવા એક ઘાતકી હત્યાના બનાવનો પર્દાફાશ અમરેલી અને મુંબઇ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં થયો છે આ બનાવની પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો એવી બહાર આવી છે કે ગત તા. 16-10-2019ના રોજ સાવરકુંડલાના શેલણા ગામનો વતની અને સુરત રહેતો આશીષ ઘનશ્યામ ઉકાણીએ મુંબઇના બોરીવલીમાં રહેતી મુળ મહુવાની વતની એવી જૈન વણીક નિકીતા કિર્તીકુમાર દોશી ઉ.વ.31 ને અમરેલી ગેસ્ટહાઉસમાં અને ત્યાંથી તેના વતન શેલણા લઇ ગયો હતો અને રાત્રે પૈસા અને ગાડી માટે ઝઘડો કરી કુવામાં નાખી દીધી હતી અને ત્યાર પછી તેને કુવામાંથી બહાર કાઢતા તે મૃત્યુ પામી હોય તેની લાશને બહાર લઇ જઇ ઉકાભાઇ કરમશીભાઇ ઉકાણીના ખેતરમાં ત્રણ ફુટ ઉડો ખાડો કરી લાશને દાટી દીધી હતી અને તે ચાલ્યો ગયો હતો ગુમ થનાર નિકીતાના ભાઇએ મુંબઇ પોલીસમાં પોતાની બહેન ગુમ હોય તેની ફરિયાદ કરતા અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયનો મુંબઇના પોલીસ કમિશ્નરે સંપર્ક કરતા અમરેલી અને મુંબઇ પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી વંડાના પીએસઆઇ શ્રી ગીરીરાજસિંહ જાડેજા તથા મુંબઇ પોલીસની સંયુક્ત તપાસમાં આશીષે હત્યા કબુલી પોતે દાટેલી લાશની જગ્યા બતાવતા ખોદકામ કરાયુ હતુ અને તે જગ્યાએથી નિકીતાનું હાડપીંજર મળી આવ્યુ હતુ આજે મોડી સાંજ સુધી આ કાર્યવાહી ચાલુ રહી છે અને વધ્ાુ વિગતો મેળવાઇ રહી છે.