એમડી ડ્રગ્સ કેસ: આદિલની કોલ ડિટેઈલની તપાસમાં યુવતીઓના નામ બહાર આવ્યા

શહેરમાં નો ડ્રગ્સના અભિયાન હેઠળ પોલીસ દ્વારા ૧૨ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ રોપીઓમાં કરોડપતિના દીકરાઓ પણ સકંજામાં આવ્યાં છે. ડ્રગ્સ માફીયા આદિલ નુરાની પોલીસ રિમાન્ડ પર છે. તેની પાસેથી ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. આદિલના મોબાઇલ કોલ ડિટેઇલ્સના આધારે મોટા ઘરના નબીરાઓને પૂછપરછ શરૂ કરી છે. તેમાં કેટલીક યુવતીઓના નામો સામે આવ્યા છે. આદીલ અને સલમાન મોટા ઘરના નબીરાઓને એમ.ડી.ડ્રગ્સ સપ્લાય કરતા હતા.

આદીલના સંપર્કમાં કપીલ, રજત, હિતેશ, શૈલેષ અને મીનાસ હતા. આદિલના સંપર્કમાં માલેતુજાર કપલ્સ હોવાના પણ ઘટસ્ફોટ થયો છે. ગત ૨૨મીના રોજ ૧.૩૩ કરોડના ઝડપાયેલા ડ્રગ્સમાં ૧૨ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. અલગ અલગ ત્રણ કેસના આરોપીઓ એક બીજા સાથે જોડાઈને ડ્રગ્સનો ધંધો કરતા હતા. જેમાં કરોડપતિ આદિલ નૂરાનીની ધરપકડ બાદ દિવસે ને દિવસે નવા ઘટસ્ફોટ થઈ રહૃાા છે. ક્રાઈમ બ્રાન્ચે આદિલની કોલ ડિટેઈલના આધારે તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં ૨૦થી વધુ યુવક-યુવતીઓની પૂછપરછ પણ થઈ ચૂકી છે.

જેમાં મોટાગજાના વેપારી સહિત માલેતુજાર પરિવારના યુવાઓનો પણ સમાવેશ થાય છે. આદીલની કોલ ડિટેઇલ્સ અને વોટસએપ ચેટ થયેલી વાતોના પુરાવા પણ હાથ લાગ્યા છે. એવી પણ આશંકા છે કે ડ્રગ્સ પેડલરો પહેલા મોટા ઘરની યુવતીઓને ફેમિલી સાથે અલગ અલગ ઘરોમાં કે ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા બોલાવતા હોય છે અને પછી યુવતીઓને નશાની લત લગાવી દેતા હોય છે. જેના કારણે યુવતીઓ ડ્રગ્સ માફીયાઓની માયાજાળમાં ફસાતી હોય છે. ખરેખર આ નબીરાઓની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં કેમ નથી આવતી તે એક મોટો સવાલ ઉઠ્યો છે.