એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા ત્રણસો વ્યાજખોરોની યાદી તૈયાર

  • અમરેલી જિલ્લામાં વર્ષોથી ગૃહઉદ્યોગની જેમ વ્યાજવટાઉનો ધંધો ચાલતો હતો : અમુક તો બે ટકાએ લઇ પાંચ ટકાએ આપતા હતા
  • ગામડાઓમાં ગુંડાગીરી અને સાથે વ્યાજવટાઉના ધંધાર્થીઓ સામે અભિયાન શરૂ કરાયું : એસપીશ્રી નિર્લિપ્ત રાયને મળી રહી છે ખુણેખુણાની ખાનગી માહીતી
  • પાસાના નવા નિયમમાં ત્રણ વ્યાજખોરોને જેલમાં મોકલાયા બાદ હવે ત્રણસો જેટલા નામોની ચકાસણી અને જન્મકુંડળીઓ કાઢવાની કામગીરીનો પ્રારંભ

અમરેલી,
અમરેલી જિલ્લામાં વર્ષોથી ગૃહઉદ્યોગની જેમ વ્યાજવટાઉનો ધંધો ચાલતો હતો તે ધ્યાન ઉપર આવતા એસપીશ્રી નિર્લિપ્ત રાયે અમરેલી જિલ્લામાં આવા ત્રણસો વ્યાજખોરોની યાદી તૈયાર કરી હોવાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળેલ છે.અમરેલી જિલ્લાના અમુક ગામડાઓમાં ચાલતી ગુંડાગીરી અને સાથે ગરીબ અને મધ્યમ વર્ગના સમાજનું લોહી ચુસતા વ્યાજવટાઉના ધંધાર્થીઓ સામે અભિયાન શરૂ કરાયું છે અને તેમાય અમુક તો બે ટકાએ નાણા લઇ અને પાંચ ટકાએ આપતા હતા અને ધંધાની શરૂઆત કરતા હોવાથી માંડી અનેક કાળાધોળાની ખુણેખુણાની વિગતો એસપીશ્રી નિર્લિપ્ત રાયને મળી રહી છે અને જેના કારણે લોકોએ આપઘાત કરવો પડયો હતો તેવા બે સહિત ત્રણ વ્યાજખોરોને પાસાના નવા નિયમ હેઠળ જેલમાં મોકલાયા બાદ હવે આવા ત્રણસો જેટલા નામોની ચકાસણી અને જન્મકુંડળીઓ કાઢવાની કામગીરીનો પ્રારંભ થયો હોવાનું જાણવા મળેલ છે.સાથે સાથે ગામડે ગામડે પણ શ્રી નિર્લિપ્ત રાય દ્વારા અભિયાન ચાલનાર હોવાનું જાણવા મળેલ છે.