એસવાયબીકોમની ઓનલાઈન પરીક્ષા દરમિયાન વેબ સાઈટ છબરડો

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હાલમાં ચાલી રહેલી એસવાયબીકોમની ઓનલાઈન પરીક્ષામાં સર્જાયેલા છબરડાના કારણે વિદ્યાર્થીઓ હેરાન થયા હતા. મળતી વિગતો પ્રમાણે હાયર ફાઈનાન્સિયલ એકાઉન્ટ વિષયનું પેપર હતુ. વિદ્યાર્થીઓ જ્યારે ઓનલાઈન પરીક્ષા આપવા માટે યુનિવર્સિટીના પરીક્ષા પોર્ટલ પર લોગ ઈન થયા તો પરીક્ષાનો સમય ૯ થી ૧૦-૩૦ વાગ્યાનો દર્શાવાયો હતો.

સામાન્ય રીતે આ સમય ૯ થી ૧૦ વાગ્યાનો રહેતો હોય છે. તેના કારણે ઘણા વિદ્યાર્થીઓ પેપર આપવા માટે દોઢ કલાકનો સમય મળશે તેમ સમજ્યા હતા. જોકે ૧૦ વાગતાં જ પોર્ટલ બંધ થઈ ગયું હતું. જેના પગલે દોઢ કલાકની પરીક્ષા સમજીને આરામથી જવાબો આપી રહેલા કેટલાક વિદ્યાર્થીઓના પ્રશ્ર્નો છુટી ગયા હતા. આમ વેબસાઈટની ટેકનિકલ ખામીના કારણે આ છબરડો સર્જાયો હતો અને બીજી તરફ યુનિવર્સિટી સત્તાધીશો અને ફેકલ્ટી સત્તાધીશોએ એક બીજા પર દોષનો ટોપલો ઢોળવા માટેનો પ્રયાસ કર્યો હતો.

કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ ખાતે ડીન ઓફિસની બહાર કેટલાક વિદ્યાર્થી નેતાઓએ આ મુદ્દે ધરણા પર બેસવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ત્યાં હાજર વિજિલન્સ સ્કવોડના સભ્યોએ વિદ્યાર્થી નેતાઓને ટિંગાટોળી કરીને અને ધક્કા મારીને દૂર કરી દીધા હતા.