એસ્ટ્રાઝેનેકા વેક્સિનથી લોહી ગંઠાઈ જવાની ફરિયાદો જૂજ કેસમાં જોવા મળી શકે: WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એડવાઈઝરી વેક્સિન સેટી પેનલ દ્વારા જણાવવામાં આવ્યું, તાજેતરમાં મળેલા ગ્લોબલ ડેટાનો અભ્યાસ કર્યા પછી વેક્સિનેશન અને સંભવિત જોખમો વચ્ચેના સંબંધોનો સંપૂર્ણ અભ્યાસ કરવાની જરૂર છે. એસ્ટ્રાઝેનેકાની વેક્સિનથી લોહી ગંઠાઈ જવાની ફરિયાદો જૂજ કેસમાં જ જોવા મળી શકે છે. વેક્સિનથી લોહી ગંઠાઈ જવાની ફરિયાદો તર્કસંગત છે પણ તેની પુષ્ટિ થતી નથી. જે લોકોમાં લોહીનાં પ્લેટલેટ્સ ઓછા હોય તેને લોહી ગંઠાઈ જવાની તકલીફ થઈ શકે છે. આખા વિશ્ર્વમાં ૨૦ કરોડ લોકોને એસ્ટ્રાઝેનેકાની વેક્સિન આપવામાં આવી છે તેમાં જૂજ લોકોએ જ લોહી ગંઠાઈ જવાની ફરિયાદ કરી છે.

ઈયુના નિયમનકારે પણ દાવો કર્યો હતો કે એસ્ટ્રાઝેનેકાની વેક્સિન લીધા પછી લોહી ગંઠાઈ જવાના જૂજ કિસ્સા જ નોંધાયા છે. યુકેમાં વેક્સિન લીધા પછી ૧૯ લોકોનાં મોત થયાં છે. આને કારણે યુરોપના દેશોએ ૩૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને આ વેક્સિન આપવાનું બંધ કરવા અને તેના વિકલ્પરૂપે અન્ય વેક્સિન આપવા વિચારણા શરૂ કરી છે.

લોહી ગંઠાઈ જવાની ફરિયાદ પછી યુકે અને યુરોપિયન યુનિયનમાં એસ્ટ્રાઝેનેકાની વેક્સિનને ફટકો પહોંચ્યો છે. યુકેએ નક્કી કર્યું છે કે તે ૩૦થી ઓછી ઉંમરનાં લોકોને એસ્ટ્રાઝેનેકાને બદલે બીજી વેક્સિન આપવા વિચારશે. આને કારણે યુકેમાં આ વેક્સિનના ઉપયોગને અટકાવવામાં આવ્યો છે અને વેક્સિનેશનની કામગીરીને ફટકો પડયો છે. બીજી તરફ યુરોપિયન યુનિયનના દેશોએ વેક્સિન અને લોહી ગંઠાઈ જવાની જૂજ ઘટનાઓ વચ્ચે સંબંધ હોવાની શક્યતા પછી આ વેક્સિન આપવાનું ચાલુ રાખવું કે કેમ તે યુરોપિયન યુનિયનના ૨૭ દેશ પર છોડયું છે. બીજી તરફ પોતાની વેક્સિન લીધા પછી લોહી ગંઠાઈ જવાની ફરિયાદને પગલે એસ્ટ્રાઝેનેકાએ તેની વેક્સિનનાં લેબલ પર આડઅસરનો બચાવ કરવાનું નક્કી કર્યું છે.