ઓછું મતદાન થયું હોવા છતાં આજે પરિણામ ભાજપ તરફ જ આવવાનું

ગુજરાતમાં હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે ને રવિવારે છ મહાનગરપાલિકાઓમાં મતદાન હતું. ગુજરાતમાં કુલ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ને તેમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ છ કોર્પોરેશન માટે રવિવારે લોકોએ મત આપ્યા. આ મતદાનની ટકાવારીએ બધા રાજકીય પક્ષોને સ્તબ્ધ કરી નાંખ્યા છે કેમ કે મતદાનની ટકાવારી માંડ ચાલીસેક ટકાની આસપાસ રહી છે. મતદાનની ટકાવારી ચાલીસેક ટકાની આસપાસ પહોંચી તેનું કારણ પણ ભાવનગર અને જામનગર એ બે શહેરો છે. આ બે શહેરોમાં મતદાનની ટકાવારી ઉંચી છે તેથી સરેરાશ થોડી ઊંચી આવી ગઈ છે. ભાવનગર અને જામનગર બંને ગુજરાતનાં છ શહેરોમાં સૌથી નાનાં છે અને બાકીનાં ચાર મોટાં શહેરોની ટકાવારી તો બહુ ઓછી છે.

ગુજરાતમાં છેલ્લે 2015 માં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ છ મહાનગરપાલિકાઓ માટે મતદાન થયેલું ને એ વખતે પણ મતદાનની ટકાવારી બહુ વખાણવા જેવી નહોતી. એ વખતે પણ આ છ શહેરોમાં માત્ર 48.60 ટકા જેટલું નીચું મતદાન થયું હતું પણ આ વખતે તો તેના કરતાં પણ ઓછું મતદાન થયું. એ વખતે મોટાં શહેરો પૈકી સુરતમાં 40 ટકાથી પણ ઓછું મતદાન થયેલું પણ બાકીનાં શહેરોમાં ઠીક ઠીક કહેવાય એટલું મતદાન થયું હતું. અમદાવાદમાં 46.70 ટકા, રાજકોટમાં 49.53 ટકા, વડોદરામાં 50 ટકા, ભાવનગરમાં 47.45 ટકા જ્યારે જામનગરમાં 48 ટકા જેટલું મતદાન થયું હતું. આ વખતે આ મોટાં શહેરોમાં સરેરાશ પાંચથી દસ ટકા ઓછું મતદાન થયું છે.

ગુજરાતમાં હજુ ત્રણ મહિના પહેલાં જ વિધાનસભાની આઠ બેઠકો માટે પેટાચૂંટણી થઈ હતી. રાજ્યની આઠ વિધાનસભા બેઠકો પરથી જીતેલા ધારાસભ્યોએ રાજયસભાની ચૂંટણી ટાણે રાજીનામા આપીને ભાજપનો પડખામાં ભરાવાનું પસંદ કર્યું તેના કારણે ચૂંટણીની નોબત આવી હતી. કોરોના રોગચાળાના કારણે લોકોમાં ફફડાટ હતો એ માહોલમાં ગુજરાતની આ આઠ વિધાનસભા બેઠકો પર નવેમ્બર મહિનામાં ચૂંટણી થયેલી ને એ વખતે 61 ટકા જેટલું મતદાન થયું હતું. ત્રણ મહિના પહેલાં કોરોનાનો કેર સાવ પત્યો નહોતો ને છતાં એટલું મતદાન થયું એ સારું જ કહેવાય. તેની સરખામણીમાં આ મતદાન ઓછું કહેવાય. આઠ વિધાનસભા બેઠકો પૈકી મોટા ભાગની ગ્રામીણ વિસ્તારમાં હતી જ્યારે રવિવારે શહેરી વિસ્તારોમાં મતદાન થયું એ કારણને ધ્યાનમાં લઈએ તો પણ વીસ ટકાનો ફરક બહુ મોટો કહેવાય. ચાલીસ-પચાસનો ગાળો હોય તો હજુ સમજી શકાય પણ આ ગાળો બહુ મોટો છે. રવિવારના મતદાન કરતાં આઠ વિધાનસભા બેઠકોમાં પચાસ ટકા મતદાન વધારે થયું હતું ને આ ફરકને અવગણી શકાય તેમ નથી.

ગુજરાતના શહેરી વિસ્તારોમાં થયેલા મતદાને કેટલાક સવાલો ઊભા કર્યા છે ને સૌથી મોટો સવાલ એ છે કે, ગુજરાતના શહેરી મતદારોએ મતદાન કરવામાં કેમ રસ બતાવ્યો જ નહીં ? મતદારો શા માટે મતદાન કરવા તરફ સાવ ઉદાસીન રહ્યા છે ? મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં રસ કેમ જ રહ્યો નહીં? બીજો સવાલ એ કે, મતદારો મતદાન કરવાથી અળગા રહ્યા તો રહ્યા પણ રાજકીય પક્ષોએ પણ મતદાન કરાવવા માટે મહેનત કેમ ન કરી? સામાન્ય સંજોગોમાં રાજકીય પક્ષોના કાર્યકરો વધારે ને વધારે પ્રમાણમાં મતદાન કરવા માટે મચી પડતા હોય છે. તેમની મહેનતના કારણે મતદાનની ટકાવારીમાં દસેક ટકાનો ફરક પડી જ જતો હોય છે. આ વખતે રાજકીય કાર્યકરોએ પણ મહેનત ન કરી ને તેમણે પણ મતદારોને બૂથ સુધી લાવવા માટે મહેનત ન કરી. તેનો અર્થ એવો થાય કે, ગુજરાતમાં રાજકીય પક્ષના કાર્યકરોને પણ ચૂંટણીમાં રસ નથી રહ્યો ?

ઓછા મતદાન માટે ક્યા કારણો જવાબદાર છે એ આપણને ચોક્કસ ખબર નથી પણ મતદારો અને રાજકીય કાર્યકરો બંનેની ઉદાસિનતા ચિંતાજનક છે જ. સામાન્ય માન્યતા એવી છે કે ગુજરાતમાં ઓછું મતદાન થાય એટલે ભાજપની હાર થાય. આ માન્યતા બહુ લાંબા સમયથી છે અને મોટા ભાગની ચૂંટણીઓમાં સાચી પડી છે. તેના કારણે પહેલાં ઓછું મતદાન થાય તો ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઈ જતી હતી, પણ છેલ્લાં કેટલાંક વરસોમાં સાબિત થયું છે કે હવે આ વાત સાચી નથી. કમ સે કમ ગુજરાતમાં ને તેમાં પણ શહેરી વિસ્તારોમાં તો આ વાત સાવ ખોટી છે. ગુજરાતમાં શહેરી વિસ્તારો ભાજપનો ગઢ છે ને આ ગઢના કાંગરા કોઈ રીતે ખરે એમ નથી. મતદાન ઓછું થાય કે વધારે થાય, ભાજપ જ જીતે છે ને ઓછા મતદાન માટે આ કારણ જવાબદાર હોઈ શકે.

શહેરી વિસ્તારોમાં ભાજપના મતદારોની બહુમતી છે ને તેમને એવું લાગ્યું હશે કે, આપણે મત આપવા જઈએ કે ન જઈએ પણ ભાજપ જ જીતવાનો છે તેથી બહુમતી મતદારો મતદાન કરવા ન ગયા હોય એ શક્ય છે. આપણા બદલે બીજા મતદારો મત આપી આવશે તો પણ સરવાળે આપણે ઈચ્છીએ છીએ એ જ જીતશે તેથી આપણે એક દિન આરામ કરી લઈએ એમ માનીને મતદારો આળસ કરી ગયા હોય એ શક્ય છે. રાજકીય પક્ષના કાર્યકરો પણ એ જ માન્યતાના કારણે મતદાન તરફ ઉદાસિન રહ્યા હોય એ શક્ય છે. ભાજપના કાર્યકરોને એમ કે, લોકો આપણને જ મત આપવાના છે તેથી બહુ મહેનત કરવાની જરૂર નથી ને કૉંગ્રેસના કાર્યકરોને એમ હોય કે, ગમે તેટલી મહેનત કરો તો પણ લોકો ભાજપને જ મત આપવાના છે

તેથી નકામી દોડધામ કરવાની જરૂર નથી. આ વખતે આમ આદમી પાર્ટી ને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ પણ મેદાનમાં છે પણ તેમનો પ્રભાવ મર્યાદિત છે. ઓવૈસીની પાર્ટીના ઉમેદવારો તો મુસ્લિમોની બહુમતી છે એવા ગણ્યાગાંઠ્યા વિસ્તારોને બાદ કરતાં બીજે ક્યાંય ચિત્રમાં જ નથી. આ બંને પાર્ટી પાસે કાર્યકરો જ નથી તેથી તેમની મહેનતનો સવાલ જ નથી. રાજકીય પક્ષોમાં ઉદાસીનતાનું આ કારણ પણ હોઈ શકે. અથવા તો લોકો હજુ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને વિધાનસભા કે લોકસભાની ચૂંટણી જેટલું મહત્ત્વ આપતા નથી. ખરેખર તો આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જ દેશની લોકશાહીનું પ્રાણતત્ત્વ છે.

કૉંગ્રેસવાળા તો એવું જ કહે છે કે, આ ઓછું મતદાન ભાજપના વહીવટ સામે છે પણ એ તો પરિણામ આવે ત્યારે ખબર પડે પણ સામે એ પણ મુદ્દો છે જ કે, માનો કે લોકોને ભાજપ સામે આક્રોશ હોય તો પણ ભાજપનો વિકલ્પ તો છે જ નહીં. ગુજરાતમાં કમ સે કમ આજની તારીખે તો કૉંગ્રેસ જ મુખ્ય વિરોધ પક્ષ છે પણ શહેરી વિસ્તારમાં કૉંગ્રેસ ભાજપથી બહુ દૂર છે. ગુજરાતમાં મોટા ભાગનાં શહેરોમાં મતદારો કોમવાદી ધોરણે વહેંચાયેલા છે. નરેન્દ્ર મોદીના સમયથી જ ભાજપની છાપ હિંદુવાદી પક્ષ તરીકેની છે ને કૉંગ્રેસ મુસ્લિમોનો પક્ષ બનીને રહી ગયો છે એવી છાપ છે. આ છાપના કારણે પણ સવર્ણો તથા મધ્યમ વર્ગ ભાજપને મત આપે છે ને કૉંગ્રેસ તેમને પોતાની તરફ આકર્ષવામાં સદંતર નિષ્ફળ રહી છે. ટૂંકમાં કૉંગ્રેસ ગુજરાતમાં વિકલ્પ નથી ને તેના કારણે પણ લોકોને રસ ન રહ્યો હોય એ શક્ય છે.