ઓપરેશન અશોક બોરીચા : પોલીસ સ્ટાફ પાસેથી મોબાઇલ લઇ લેવાયા માત્ર લોડેડ હથીયારો રખાયા

  • 26મીએ લુવારામાં થયેલા ગુપ્ત ઓપરેશનની ભીતરમાં…: મુખ્ય રોડથી કાચા માર્ગનું અર્ધો કી.મી.નું અંતર ક્રાઇમ બ્રાંચે માત્ર 40 સેકન્ડમાં કાપ્યું :સાવ ઓછી સંખ્યામાં પોલીસ લુવારામાં ખાબકી

અમરેલી,

ગુજસીટોક સહિતના 32 ગુનાઓ જેના નામે ચડેલા છે તેવા 31 વર્ષના સાવરકુંડલાના લુવારા ગામના અને અમરેલીના સુપરકોપ શ્રી નિર્લિપ્ત રાય જેમનો ટારગેટ હતા તેવા ખુંખાર અપરાધી અશોક જયતાભાઇ બોરીચા બે દિવસ પહેલા પોલીસના હાથમાં સપડાય ગયો પરંતુ તેની પાછળ કેવુ દીલધડક ઓપરેશન હતુ તેની વિગતો હવે બહાર આવી રહી છે.

લુવારા ગામના અશોક બોરીચા નામના શાર્પશુટર અને બે હત્યા, બે હત્યાના પ્રયાસો, ગુજસીટોક, દારૂબંધી, બળજબરીથી મિલ્કત પડાવવી સહિતના અનેક પ્રકારના ગુનાઓમાં સંડોવાઇ ચુકેલો હતો અને પોલીસ છેલ્લા 6 મહિનાથી અશોકની પાછળ શિકારીની જેમ પડી હતી પરંતુ પોલીસ અને અશોકને વહેત છેટુ રહી જતુ હતુ.
અમરેલી જિલ્લાના મોટા ગજાના અપરાધીઓને સીધા કરનાર એસપી નિર્લિપ્ત રાયની ખાસીયત છે કે તે ગુનેગારને સીધા કરતા પહેલા તેમની તાકાત એટલે કે તેમના બે નંબરી વ્યવહારો, મિલ્કતો ઉપર પ્રહાર કરે છે જેનાથી નાણાકીય જોરે અપરાધી બચી ન શકે તેમની એ પણ પધ્ધતિ છે કે તે દરેક બાબત ઓનરેકર્ડ એટલે કે નોંધ કાગળ ઉપર લે છે જેના કારણે અપરાધીઓની આંખમાં તે કણાની જેમ ખુંચતા હોય તે સ્વભાવીક છે અશોક બોરીચા પણ એસપી ઉપર ફાયરીંગ કરાવી તેનો કાંટો કાઢી અને પોલીસનું મનોબળ તોડવા માટે પ્રયત્નશીલ હતો તેમ પોલીસ સુત્રોએ જણાવ્યુ છે જેના કારણે પોલીસે અશોકને પકડવા માટે તમામ તાકાત કામે લગાડી હતી તેમ છતા અશોક પોલીસના હાથમાં આવતો ન હતો તેની પાછળનું કારણ શું હતુ તેની ખાનગી તપાસ શરૂ હોવાનું જાણવા મળેલ છે પણ અશોક કેવા સંજોગોમાં ઝડપાયો તેની વિગતો જોતા પહેલા અશોકને પકડવા માટે પોલીસ કેવી રીતે નિષ્ફળ જતી હતી તેની પોલીસ બેડામાં ચર્ચાતી વિગતો જોઇએ.
છેલ્લા 6 મહિનામાં સાવરકુંડલા તાલુકાની સ્થાનિક પોલીસ અને અમરેલીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 12 કરતા વધારે વખત અશોકની બાતમી મળી હોય અને તેને પકડવા માટે પ્રયાસો કરાયા હતા દરેક વખતે પોલીસ આવે તે પહેલા પોલીસ આવવાની છે તેની અશોકને જાણ થઇ જતી હતી અને તે નૌ દો ગ્યારાહ થઇ જતો હતો દરેકે દરેક વખતની નિષ્ફળ રેઇડની નોંધ એસપી નિર્લિપ્ત રાય કરતા હતા અન્ય આઇપીએસ અધિકારી કરતા અલગ પ્રકારના અને નોખી માટીના માનવી એવા એસપીએ હવે અશોકની બાતમી મળે તો શું કરવુ તેનો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી અનુસાર 26મી જાન્યુઆરીએ પોલીસદળ પ્રજાસતાકની પરેડમાંથી હજુ પરવારતુ હતુ કે બાતમી મળી હતી કે અશોક લુવારા ગામે નદી કાંઠે આવેલા પોતાના ફાર્મમાં બેઠો છે આથી ઇન્કમટેક્ષની રેઇડ જેવી રીતે પડે તેનાથી અલગ ઢબે એસપી નિર્લિપ્ત રાયએ ત્રણ ત્રણ સભ્યોની માત્ર ત્રણ ટીમ બનાવી હતી અને તેમાં મુખ્ય અધિકારી સિવાયના દરેકના મોબાઇલ બંધ કરી અને એકત્ર કરી લેવાયા હતા ત્રણ ત્રણ સભ્યોની ટીમને ક્યાં જવાનુ છે, શું કામ જવાનુ છે તેની કોઇ જાણ ન હતી તે તેમને મળેલા આદેશ પ્રમાણે બાઢડાના રેલ્વે ફાટકે પહોંચ્યા હતા જ્યાં ત્રણેય ટીમોની ગાડીઓ સાથે થઇ હતી.
સામાન્ય રીતે શ્રી નિર્લિપ્ત રાયનો કાફલો નીકળે ત્યારે દસ બાર ગાડીઓ હોય પણ આ વખતે આવુ કશુ ન હતુ ગુપ્ત રીતે પોલીસ બાઢડા નજીક એકત્ર થઇ ત્યારે ખબર પડી કે કેટલી ટીમ છે અને કેટલા લોકો છે લુવારા ગામમાં પણ શ્રી નિર્લિપ્ત રાયએ અલગ જ વ્યુહરચના ગોઠવાવી હતી મુખ્ય રોડ ઉપરથી અશોકનું ફાર્મ 500 મીટર એટલે કે અર્ધો કીલોમીટર દુર હતુ માત્ર 40 સેકેન્ડમાં પોલીસની એક ટીમ વિજળીની ઝડપે ફાર્મ ઉપર ધસી ગઇ હતી બીજી ટીમે તેમના ઘરને કોર્ડન કર્યુ હતુ અને ત્રીજી ટીમ ઘર અને ફાર્મની વચ્ચે એવી રીતે ગોઠવાઇ હતી કે જરૂર પડે તો ગમે ત્યાં પહોંચી શકે ફાર્મ ઉપર પોલીસ ત્રાટકતા અશોક ફાયરીંગ કરી ભાગ્યો હતો ત્યારે વચ્ચે રાખેલી ટીમ હિંમતભેર ફાર્મ તરફ દોડી હતી અને આગળ અને પાછળ બંને ટીમે જવાબી ફાયરીંગ કરી અશોકને દબોચી લીધો હતો આમ સાવ ઓછી સંખ્યામાં રહેલી પોલીસે અશોકને આબાદ રીતે પકડી પાડયો હતો.
આ ઓપરેશન પાર પાડનાર ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ શ્રી કરમટા સહિતની ટીમને અંદાજ હતો કે અશોકની પાસે હથીયાર હશે અને લોડેડ હશે અને તે શાર્પશુટર પણ છે આથી તેમની ટીમે પોતાના હથીયારો પણ લોડ કરીને રાખ્યા હતા અને કોઇ મોટી નુકશાની વગર અશોકને જીવતો હાથમાં પકડવો તે ટારગેટ પાર પાડયો હતો.