ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સાઇમંડ્સ કહે છે કે બૂરી આદતો મોતને નજીક લાવી આપે છે

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે આ વરસ બહુ સારું નથી. મહાન લેગ સ્પિનર શેન વોર્નના રહસ્યમય મોતના સમાચારનો આઘાત શમ્યો નથી ત્યાં હવે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્રુ સાઇમંડ્સ પણ શનિવારે ગુજરી ગયો. વોર્ન ભેદી રીતે મોતને ભેટેલો ને તેના મોતનો ભેદ કદી ઉકેલાશે નહીં એવું લાગે છે જ્યારે સાઇમંડ્સનું  મોત એક કાર અકસ્માતમાં થયું. સાઇમંડ્સના મોત અંગે બહાર આવેલી વિગતો પ્રમાણે સાઇમંડ્સ ક્વીન્સલેન્ડમાં શનિવારે રાતે લગભગ ૧૦.૩૦ વાગ્યે કાર લઇને જતો હતો ત્યારે અકસ્માત થયો. આ અકસ્માત ટાઉન્સવિલેથી ૫૦ કિમી દૂર હર્વે રેન્જમાં થયો હોવાનું પોલીસનું કહેવું છે.  પ્રારંભિક તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે બેફામ ઝડપે કાર દોડી રહી હતી ત્યારે અચાનક કાબૂ ગુમાવ્યો. સાઇમંડ્સ કારમાં એકલો જ હતો અને પોતે જ કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. બહુ ખરાબ રીતે ઘાયલ થયેલા સાઇમંડ્સને હોસ્પિટલમાં લઈ જવાયેલો પણ એ પહેલાં જ તેનું  મોત થઈ ગયેલું.

શેન વોર્નના મોત સાથે ક્રિકેટનો એક યુગ સમાપ્ત થઈ ગયો. સાઇમંડ્સના મોત સાથે એક યુગ પૂરો થયો એમ ના કહી શકાય કેમ કે સાઇમંડ્સ એવો મહાન ખેલાડી નહોતો કે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટમાં તેનું એવું જોરદાર યોગદાન નહોતું. આમ છતાં એ આખી દુનિયામાં જાણીતો હતો કેમ કે સતત વિવાદો સર્જવાની તેને આદત હતી. સાયમંડ્સ તેની ક્રિકેટ કારકિર્દીમાં ક્રિકેટમા બતાવેલી કમાલ કરતાં વધારે જાણીતો તેની વિચિત્ર હરકતો અને કારનામાઓના કારણે થયો. સાઇમંડ્સ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા માટે કુલ ૨૬ ટેસ્ટ રમ્યો કે જે બહુ ના કહેવાય. સાઇમંડ્સે ટેસ્ટ ક્રિકેટમાં ૨ સદી અને ૧૦ અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા વતી  ૧૯૮ વન ડે ઈન્ટરનેશનલ મેચો અને ૧૪ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ પણ રમ્યો હતો. સાઇમંડ્સ ટેસ્ટમાં ૪૦.૬૧ રનની એવરેજથી ૧૪૬૨ રન બનાવ્યા અને ૨૪ વિકેટ લીધી.  વન-ડેમાં ૩૯.૪૪ની એવરેજથી ૫૦૮૮ રન બનાવ્યા અને ૧૩૩ વિકેટ લીધી જ્યારે-ટી૨૦માં ૪૮.૧૪ની એવરેજથી ૩૩૭ રન બનાવ્યા અને આઠ વિકેટ ઝડપી હતી.

આ આંકડા બહુ ખરાબ નથી પણ સાઇમંડ્સને મહાન ખેલાડી બનાવે એવા પણ નથી. સાઇમંડ્સના નામે બે-ચાર જોરદાર ઈનિંગ્સ પણ બોલે છે પણ ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્ટીવ વો, શેન વોર્ન, ગ્લેન મેકગ્રા કે રીકિ પોન્ટિંગ જેવા ખેલાડી લાંબો સમય સુધી મેચ વિનર ગણાતા એવી પ્રતિષ્ઠા સાઇમંડ્સને કદી ના મળી. ૧૯૯૯ના વર્લ્ડ કપમાં એ ટીમમાં હતો પણ રમવા નહોતું મળ્યું. ૨૦૦૩ના વર્લ્ડ કપમાં તે રમેલો અને પાકિસ્તાન સામેની પહેલી મેચમાં જોરદાર બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાને જીતાડેલું એ તેની કારકિર્દીની સૌથી યશસ્વી પળ હતી. સાઇમંડ્સ આઈપીએલમાં પણ રમેલો. સાઇમંડ્સે આઈપીએલની ૩૯ મેચોમાં રમીને ૩૬.૦૭ની એવરેજ અને ૧૨૯.૮૭ની સ્ટ્રાઈક રેટથી ૯૭૪ રન કર્યા છે જ્યારે ૨૦ વિકેટ પણ લીધી હતી. સાઇમંડ્સ આઈપીએલમાં ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. ૨૦૦૯ની આઈપીએલની બીજી સીઝનમાં એડમ ગિલક્રિસ્ટની આગેવાની હેઠળની ડેક્કન ચાર્જર્સ આઇપીએલની બીજી એડિશનમાં વિજેતા બની હતી. આ ટીમમાં હર્શલ ગિબ્સ, રોહિત શર્મા, પ્રજ્ઞાન ઓઝા વગેરેની સાથે એન્ડ્રુ સાઇમંડ્સ પણ હતો.

જો કે સાઇમંડ્સને વધારે નામના તેના વિવાદો અને હરકતોના કારણે મળી. અત્યારે ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટની દુનિયામાં એવો દબદબો નથી ને બાંગલાદેશ જેવી ટીમો પણ તેને હરાવી જાય છે પણ દોઢ-બે દાયકા પહેલાં ઓસ્ટ્રેલિયાના નામના સિક્કા પડતા. વિશ્ર્વ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના નામના ડંકા વાગતા ત્યારે ઘણા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો સાવ ફાટીને ધુમાડે ગયેલા. એન્ડ્રુ સાઇમંડ્સ એ જમાતનો ખેલાડી હતો. એ વખતે ઓસ્ટ્રેલિયાની ટીમમાં એક-એકથી ચડિયાતા હલકા ભરેલા હતા. ક્રિકેટમાં ખેલદિલી નહીં પણ ગમે તે ભોગે જીતવું જ મહત્ત્વનું છે એ સિદ્ધાંતમાં આ ખેલાડીઓ માનતા.

સ્ટીવ વો, ગ્લેન મેકગ્રા, શેન વોર્ન, જેસન ગિલેસ્પી, ડેરેન લેહમેન, રીકી પોન્ટિંગ, બ્રેટ લી વગેરે ખેલાડીઓ આ હલકાઓની જમાતના મોવડીઓ હતા. એન્ડ્રુ સાઇમંડ્સ પણ તેમાંથી એક હતો. સાઇમંડ્સ સહિતના ઓસ્ટ્રેલિયનો સાવ નફફ્ટ બનીને વર્તતા. જીતવા માટે મેદાન પર હરીફ ટીમના ખેલાડીને સતત ગાળો આપીને સ્લેજિંગ કરવું, તેમની એકાગ્રતા તોડવા માટેના અલગ પેંતરા ને કાવાદાવા એ લોકો કર્યા કરતા. કોઈ પણ બેટ્સમેન બેટિંગ કરવા આવે ત્યારે એ ફફડતા જીવે જ રહે ને એ ફફડાટમાં પોતાની વિકેટ ખોઈ દે એ માટે એ લોકો બધું કરી છૂટતા.
આ હલકાઓની વાતો માંડવા બેસીએ તો એક કહીએ ને એક ખૂટે એવી હાલત થાય છે. આ હલકાઓએ કોઈ ટીમને નહોતી છોડી ને બધાંને પોતાની હલકટાઈનો સ્વાદ ચખાડેલો. એ લોકો પાસે સારા ખેલાડી હતા તેની ના નહીં પણ ૧૯૯૦ના દાયકાના અંતમાં ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો ડંકો વાગતો તેમાં આ હલકટાઈઓનું યોગદાન મોટું હતું. સાઇમંડ્સ પાસે ખેલાડી તરીકે બહુ ક્ષમતા નહોતી એવું ના કહી શકાય પણ એ સ્લેજિંગમાં વધારે હોંશિયાર હતો તેથી ટીમમાં ટકી ગયેલો. સાઇમંડ્સ ભારત સહિતની એશિયન ટીમના ખેલાડીઓ પર વંશીય કોમેન્ટ્સ કરવા માટે કુખ્યાત હતા.

સાઇમંડ્સના નામે બહુ વિવાદો બોલે છે પણ ૨૦૦૭-૨૦૦૮મા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી ત્યારે હરભજનસિંહ અને સાઇમંડ્સ વચ્ચે થયેલા વિવાદે બહુ મોટું સ્વરૂપ લઈ લીધું હતું.  સિડની ટેસ્ટમાં સાયમંડ્સ અને હરભજન વચ્ચે ચણભણ થઈ ત્યારે હરભજન પર સાઇમંડ્સે પોતાને વાંદરો કહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દો આઈસીસી પાસે પહોંચ્યો હતો અને લાંબી સુનાવણી થઈ હતી. તેમાં સાઇમંડ્સ પોતાનો આરોપ સાબિત નહોતો કરી શક્યો.
સાઇમંડ્સ પર પબમાં મારામારી કરવાના, બેફામ દારૂ પીવાના કેસ પણ થયેલા છે. આ કારણોસર તેની સામે પગલાં લઈને તેને ટીમમાંથી પણ પડતો મૂકાયેલો. સાઇમંડ્સે પછી બિગ બોસમાં પણ ભાગ લીધેલો ને પતિયાલા હાઉસ મૂવીમાં પણ કામ કરેલું. ક્રિકેટ વિવેચકો માનતા કે, સાઇમંડ્સ પાસે મહાન ખેલાડી બનવાની ક્ષમતા હતી પણ ખરાબ આદતોના કારણે તેની કારકિર્દી અકાળે પતી ગઈ. સાઇમંડ્સની જિંદગીનો પણ આ ખરાબ આદતોએ ભોગ લીધો છે કેમ કે એ નશામાં ડ્રાઈવિંગ કરી રહ્યો હોવાનું કહેવાય છે.