દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને નિશાન બનાવીને આમ આદમી પાર્ટીએ જોરદાર હલ્લાબોલ કરી દીધું છે. સક્સેના ભાજપના નેતાને બચાવવા માટે મથી રહ્યા હોવાના આક્ષેપ કરીને આમ આદમી પાર્ટીએ આ કેસને નવો ટ્વિસ્ટ આપી દીધો છે. પોલીસના વર્તનના કારણે કેસ રહસ્યમય હતો જ ને તેમાં આ આક્ષેપો ઉમેરાતા કેસ વધારે શંકાસ્પદ બની ગયો છે. આ કેસમાં સત્ય શું છે એ ખબર નથી ને પોલીસ જે રીતે વર્તી રહી છે એ જોતાં સત્ય બહાર આવશ કે કેમ તેમાં શંકા છે પણ પોલીસનું વર્તન શંકાસ્પદ છે જ એ જોતાં દાળમાં કાળું કંઈક જરૂર છે. યુવતીના પરિવારે યુવતી પર ગેંગ રેપ થયો હોવાનો આક્ષપે કરેલો. યુવતીની માતાનું કહેવું હતું કે, તેમની દીકરીએ ઘણાં બધાં કપડાં પહેર્યાં હતાં પણ તેનો મૃતદેહ મળ્યો ત્યારે તે સંપૂર્ણ નગ્ન હતી. તેના શરીર પર એક પણ કપડું નહોતું તેથી તેના પર ગેંગ રેપ થયો છે. કેટલીક ટીવી ચેનલોએ પણ આ કેસમાં બળાત્કાર અને હત્યાની કલમો ઉમેરવામાં આવી હતી પણ પોલીસે આ વાતને નકારી કાઢી છે.
યુવતીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, યુવતીના ગુપ્ત ભાગે ઈજાના કોઈ નિશાન નથી. તેના કારણે તેના પર બળજબરી કરાઈ હોવાની શક્યતાઓ ઓછી છે પણ બળાત્કાર નથી થયો એવું ન કહી શકાય. મેડિકલ બોર્ડ મૃતદેહની ઓટોપ્સી કરશે તેના આધારે રેપ થયો કે નહીં એ ખબર પડશે. એ પછી પોલીસ પાસે બળાત્કારનો કેસ નોંધવા સિવાય બીજો વિકલ્પ નહીં રહે પણ એ પહેલાં પોલીસ આખી ઘટનામાં ભીનું સંકેલવા મથી રહી છે એવું દેખાય જ છે.
પોલીસે સૌથી પહેલાં તો યુવતીના મોત અંગે જે કારણ આપ્યું એ જ ગળે ઊતરે એવું નથી. આ મૃતક યુવતી ૨૦ વર્ષની હતી અને દિલ્હીના અમન વિહારમાં રહેતી હતી. માતા, બે ભાઈ અને ચાર બહેનોના મોટા પરિવારમાં યુવતી એકમાત્ર કમાનારી વ્યક્તિ હતી. ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીમાં કામ કરતી યુવતી નવા વર્ષ નિમિત્તે એક કાર્યક્રમમાં કામ માટે ઘરેથી નીકળી હતી અને પછી પરિવારને તેના મોતના સમાચાર જ મળ્યા.
દિલ્હી પોલીસે એવો દાવો કર્યો હતો કે, થર્ટી ફસ્ટની નાઈટમાં કામ પતાવીને યુવતી નવા વરસના પહેલા દિવસે સ્કૂટી પર ઘરે જઈ રહી હતી ત્યારે પાંચેય આરોપી યુવકો કારમાં જઈ રહ્યા હતા. આ કારે સ્કૂટીને ટક્કર મારતાં યુવતી સ્કૂટી સાથે કારની નીચે ફસાઈ ગઈ હતી.
આ જોઈને ડરી ગયેલા યુવકો બચવા માટે ભાગી ગયા તેમાં સ્કૂટી સાથે યુવતી ૧૨ કિલોમીટર સુધી કારમાં ફસાઈને રસ્તા પર ઢસડાતી રહી હતી. સુલતાનપુરથી કાંઝાવાલા સુધી ઢસડાયા પછી કારમાંથી છૂટી પડીને રસ્તાની વચ્ચે જ તરફડતી પડી હતી. આ અંગે પોલીસને કોઈએ જાણ કરતા પોલીસ પહોંચી પણ ત્યાં સુધીમાં યુવતીનું મોત થઈ ગયું હતું. દિલ્હી પોલીસે દાવો કરેલો કે, આરોપીઓને યુવતી સ્કૂટી સાથે તેમની કારમાં ફસાઈ ગઈ છે એ વાતની ખબર જ નહોતી. યુવતીના શરીરમાંથી માંસના લોચા બહાર આવી ગયા હતા જ્યારે હાડકાં તૂટી ગયાં હતાં. આ સ્થિતિ તો પછી થઈ પણ એ પહેલાં ટકરાઈને કારમાં ફસાઈ ત્યારે યુવતીએ ચીસો તો પાડી હશે ને ? એ છતાં આરોપીઓને ખબર જ ના પડી એવો પોલીસનો દાવો ગળે ઊતરે એવો નથી. પોલીસ આરોપીઓ સુધી કંઈ રીતે પહોંચ્યા એ અંગે આપેલી થિયરી પણ ગળે ઊતરે એવી નથી.
આ કારણે પોલીસ શંકાના દાયરામાં હતી જ ત્યાં પોલીસે યુવતી વિશે કરેલી વાતોના કારણે પોલીસ સામેની શંકા વધુ ઘેરી બની છે. પોલીસનો દાવો છે કે યુવતી તેની બહેનપણી સાથે સ્કૂટી પર હતી. ટક્કર બાદ યુવતી કાર નીચે ફસાઈ ગઈ હતી અને તેને ૧૨ કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી. અકસ્માત બાદ સ્કૂટી પર બેઠેલી બીજી યુવતી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી અને તેને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે. સવાલ એ છે કે, આરોપીઓને બે યુવતીઓ સ્કૂટર પર હતી એ વાતની ખબર નહોતી ? આરોપીઓએ આ વાતની પોલીસને જાણ નહોતી કરી ? ને જાણ કરી હતી તો પોલીસે પહેલા દિવસે જ આ વાત કેમ જાહેર ના કરી ?
પોલીસે યુવતી એક હોટલમાં ગયેલી ને એ બધી વાતો પણ કરી છે. પોલીસે રોહિણી વિસ્તારની એક હોટલની સામે લાગેલા સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે. તેમાં યુવતી તેની ફ્રેન્ડ સાથે વાતચીત કરતી દેખાય છે ને પછી બંને સ્કૂટી પર નીકળી જાય છે. યુવતીએ તેની બહેનપણી સાથે આઈટી પ્રૂફ આપીને રૂમ બુક કરાવ્યો હતો ને તેમની સાથે કેટલાક છોકરા આવ્યા હતા. રૂમમાંથી ઝઘડાનો અવાજ આવી રહ્યો હતો અને બધા એકબીજાને ગાળો આપી રહ્યા હતા એવો દાવો પણ પોલીસે કર્યો છે.
આ વાતને કેસ સાથે કંઈ લેવાદેવા નથી છતાં પોલીસ શું કરવા આ વિગતો બહાર પાડી રહી છે અ સમજવું અઘરું નથી. એક રીત જોઈએ તો આ યુવતીનું ચારિત્ર્યહનન છે. યુવતીની ચોક્કસ છાપ ઊભી કરવા પોલીસ મથી રહી છે કે જેથી તેને મળેલી સહાનુભૂતિ ઘટે, ધીરે ધીરે કેસની હવા નીકળી જાય. પોલીસનું આ વર્તન જોયા પછી કંઈક ખોટું થયું છે એ શંકા દૃઢ બને છે. પોલીસ તો તેનો ખુલાસો નહીં કરે પણ મીડિયાએ સત્ય શોધી લાવવું જોઈએ.