આપણે આ ફિલ્મ કેવી હશે તેની વાત નથી કરવી. એ તો ફિલ્મ જોયા પછી લોકો નક્કી કરી જ લેશે પણ આ ફિલ્મની રિલીઝના બહાને ભારતના ઈતિહાસમાં ભાગ્યે જ બનતી અવિસ્મરણીય ઘટનાની યાદ તાજી કરવાની જે તક મળી છે તેને ઝડપી લેવી છે. કપિલદેવની ટીમે 1983નો વર્લ્ડકપ જીતીને આ દેશમાં ક્રિકેટનો ઈતિહાસ બદલી નાખ્યો એ તો જગજાહેર છે પણ આ ઘટનાએ દેશનાં કરોડો લોકોના મનમાં દેશપ્રેમની પ્રબળ ભાવના પણ પેદા કરી હતી. કોઈ પણ દેશના ઈતિહાસમાં સમગ્ર રાષ્ટ્ર બધું ભૂલીને દેશપ્રેમમાં તરબોળ થઈ જાય એવી ઘટનાઓ બહુ ઓછી બનતી હોય છે. લોકોમાં પ્રચંડ દેશપ્રેમ પેદા થાય એવી ઘટનાઓ આંગળીને વેઢે ગણાય એટલી હોય છે. 1983ના વર્લ્ડકપ વિજયની ઘટના એવી જ યાદગાર ઘટના હતી. દેશના ઈતિહાસમાં 1983 પહેલાં પણ એવી ઘટનાઓ બની જ હતી પણ કમ સે કમ જેમની ઉંમર પાંચ દાયકાની આસપાસ છે એ પેઢી માટે તો પ્રચંડ દેશપ્રેમનો અનુભવ કરાવનારી એ પહેલી ઘટના હતી. વર્લ્ડકપ જીત્યા પછી કપિલદેવની ટીમનું જે ભવ્ય સ્વાગત આખા દેશમાં થયું એવું સ્વાગત કોઈ ટીમનું નથી થયું.
રણવીરસિંહને કપિલદેવના રોલમાં રજૂ કરતી ‘83’એ એ યાદોને તો તાજી કરી જ છે પણ સાથે સાથે મેદાન પર કપિલદેવની ટીમે બતાવેલા અભૂતપૂર્વ પરાક્રમની યાદોને પણ તાજી કરી દીધી છે. 1983નો વર્લ્ડપ વિજય ભારતીય ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી અને સૌથી યાદગાર જીત છે તેમાં કોઈ શંકા નથી. કપિલદેવની ટીમે જોરદાર ઝનૂન અને માની ન શકાય એવી માનસિક તાકાત બતાવીને આ જીત મેળવી હતી. અશક્યને શક્ય બનાવીને કપિલની ટીમે ભારતીય ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. આ પરાક્રમ માટે કપિલદેવની ટીમનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં પડે કેમ કે એ વખતે ભારતમાં ક્રિકેટમાં નાણાંની આવી રેલમછેલ નહોતી ને જે કંઈ કરવાનું હતું એ ટીમે પોતાના જોરે જ કરવાનું હતું. કપિલદેવની ટીમે હતું એટલું જોર કરી નાખ્યું ને એક ઈતિહાસ રચી દીધો.
ભારતીય ક્રિકેટ ટીમ 1983નો વર્લ્ડકપ રમવા ઈંગ્લેન્ડ ગઈ ત્યારે ભારત વર્લ્ડકપ જીતશે એવી કોઈને કલ્પના પણ નહોતી. તેનું કારણ એ કે, ભારતની એ વખતે ક્રિકેટ વિશ્વમાં કોઈ ગણતરી જ નહોતી. વન ડે મેચોમાં તો આપણે સૌથી તળિયે ગણાતા હતા ને ઝિમ્બાબ્વે જેવી ટેસ્ટ મેચ નહીં રમતી ટીમ પણ આપણાથી મજબૂત ગણાતી હતી. ઈંગ્લેન્ડમાં રમાયેલો 1983નો વર્લ્ડકપ ત્રીજો વર્લ્ડકપ હતો. 1975 અને 1979માં રમાયેલા બે વર્લ્ડકપમાં ભારત છ મેચમાંથી પાંચ હારેલું. શ્રીલંકા એ વખતે ટેસ્ટ ક્રિકેટ નહોતું રમતું છતાં આપણને હરાવી ગયેલું. કપિલદેવની ટીમમાં સુનિલ ગાવસકરને બાદ કરતાં કોઈ મોટું નામ નહોતું. ગાવસકર પણ ટેસ્ટ ક્રિકેટમાં મહાન મનાતા પણ વન ડે ક્રિકેટમાં ગાવસકરની કોઈ ગણતરી નહોતી. ઊલટાનું ગાવસકરની ધીમી બેટિંગના કારણે વન ડેની ટીમમાંથી ગાવસકરને કાઢી મૂકવા જોઈએ એવું ક્રિકેટ ચાહકો માનતા.ગાવસકર ટીમના ફાયદા માટે રમવાના બદલે પોતાના રેકોર્ડ માટે જ રમે છે એવી ટીકાઓ પણ થતી.
ક્રિકેટ વિશ્વમાં એ વખતે વન ડે સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓનો ક્ન્સેપ્ટ નહોતો છતાં ભારતની સરખામણીમાં બીજી ટીમો પાસે વન ડે સ્પેશિયાલિસ્ટ કહેવાય એવા ખેલાડી હતા. સ્ફોટક બેટિંગ કરીને ગમે તે ટીમની પથારી ફેરવી નાખે એવા બે-ચાર ખેલાડી દરેક ટીમ પાસે હતા. વેસ્ટ ઈન્ડિઝ પાસે તો આવા ખેલાડીઓની આખી ફોઝ હતી. ભારત પાસે વન ડે સ્પેશિયાલિસ્ટ કહેવાય એવા ખેલાડી જ નહોતા. બલ્કે કપિલદેવની ટીમમાં કપિલ અને ગાવસકરને બાદ કરતાં કોઈ એવા ખેલાડી જ નહોતા કે જેમનું ટીમમાં કાયમી સ્થાન હોય.
અત્યારે વન ડે મેચોમાં નિયમો બેટ્સમેનને ફાયદો કરાવનારા છે. ઓવરમાં એક જ બાઉન્સર ફેંકી શકાય કે નો બોલ પછી ફરી હીટ મળે તેમાં બેટ્સમેન આઉટ ન ગણાય, સુપર ઓવરમાં સર્કલની બહાર બે જ ખેલાડી રાખી શકાય વગેરે નિયમો બેટ્સમેનને ફાયદાકારક અને બોલરને નુકસાનકારક છે. એ વખતે વન ડે મેચોના નિયમો પણ બેટ્સમેનને ફાયદાકારક નહોતા. તેના કારણે બોલરો બાઉન્સર્સનો મારો ચલાવીને બેટ્સમેનને હંફાવી શકતા. ફિલ્ડિંગમાં પણ નિયંત્રણો નહોતાં તેથી આક્રમક ફિલ્ડિંગ ગોઠવી શકાતી હતી.
ભારત પાસે કોઈ એવો જોરદાર બેટ્સમેન નહોતો તો બોલિંગ પણ એવી જોરદાર નહોતી. એક સમયે ભારત પાસે ભગવત ચંદ્રશેખર, એરોપલ્લી પ્રસન્ના, બિશનસિંહ બેદી, વેંકટરાઘવન વગેરે વિશ્વ કક્ષાના સ્પિનરો હતા. કપિલની ટીમમાં કોઈ એવો સ્પિનર નહોતો. રવિ શાસ્ત્રી અને કીર્તિ આઝાદ એ બે સ્પિનર હતા કે જેમને કોઈ ગણતરીમાં નહોતું લેતું. ફાસ્ટ બોલિંગમાં એ વખતે ભારતની ગણતરી જ નહોતી. કપિલદેવ શ્રેષ્ઠ સ્વિંગ બોલરોમાંનો એક હતો પણ તેને સાથ આપવા રોજર બિન્ની, મદનલાલ, બલવિંદર સંધુ, સુનિલ વોલસન જેવા મીડિયમ પેસર હતા. મોહિન્દર અને સંદીપ પાટિલ ઓલરાઉન્ડર ગણાતા પણ બંનેની બેટિંગ કે બોલિંગ એવી કમાલની નહોતી કે વન ડેમાં ચેમ્પિયન ગણાતી ટીમોમાં તેમને સ્થાન અપાવી શકે. આ કારણે આ ટીમને કોઈ ગણતરીમાં જ નહોતું લેતું.
જાણીને આશ્ચર્ય થશે પણ કપિલદેવની ટીમનો કોઈ કોચ જ નહોતો. અત્યારે ભારતીય ટીમ પાસે હેડ કોચ સિવાય બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગમાં અલગ-અલગ કોચ છે. પાછા દરેક ફિલ્ડના કોચના બબ્બે ત્રણ-ત્રણ આસિસ્ટન્ટ કોચ છે. ટીમના ખેલાડીઓની રમતનું અને હરીફ ટીમના ખેલાડીઓની રમતનું એનાલિસિસ કરવા માટે આખી અલગ ટીમ છે. ટીમને એક્સરસાઈઝ કરાવવા સ્ટાફ છે ને મેદાન પર તકલીફ થાય તો દોડી આવીને સારવાર કરવા ફિઝિયોથેરાપિસ્ટ તથા તેના આસિસ્ટ્ન્ટ્સ છે. ટીમ મેનેજર સહિતનો બીજો પણ ઘણો મોટો સ્ટાફ છે કે જે ક્રિકેટરોને તમામ પ્રકારની મદદ પૂરી પાડે છે. વર્લ્ડકપમાં રમવા ઉતરેલી કપિલદેવની ટીમ પાસે આવો કોઈ સ્ટાફ જ નહોતો. હૈદરાબાદના પી.આર. માનસિંહ આ ટીમના મેનેજર હતા અને એ ઓલ ઈન વન હતા. માનસિંહનો મોટા ભાગનો સમય ટીમ માટે ભોજન ને રહેવાની ને એવી વ્યવસ્થા કરવામાં જ જતો હતો. ટીમના કોચ, ફિઝિયોથેરાપિસ્ટ, એનાલિસ્ટ કે બીજું કંઈ પણ ગણો એ માનસિંહ જ હતા. આ ‘વન મેન આર્મી’ના સપોર્ટ સ્ટાફ સાથે કપિલની ટીમ વર્લ્ડ કપ રમવા ગઈ હતી ને જીતીને આવી હતી.
ભારતે ફાઈનલમાં બે વખતની વર્લ્ડ કપ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમને હરાવીને ટ્રોફી મેળવી હતી. ક્લાઈવ લોઈડની ટીમ 1975 અને 1979 માં વર્લ્ડ કપ જીતી ચૂકી હતી ને 1983માં ત્રીજી વાર જીતીને હેટ્રિક કરવા થનગનતી હતી. ક્લાઈવ લોઈડની રાક્ષસી તાકાત ધરાવતી ટીમ પાસે ગોર્ડન ગ્રીનીજ, ડેસમંડ હઈન્સ, ક્લાઈવ લોઈડ, ગસ લોગી, વિવિયન રિચાર્ડ્સ, જેફ દુજોન જેવા ગમે તેના ગાભા કાઢી નાખે તેવા બેટ્સમેન હતા. જો ગાર્નર, માઈકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટ્સ, માલ્કમ માર્શલ જેવા આગ ઝરતી બોલિંગ નાખનારા બોલરો હતા ને તેમને બે વાર હરાવીને ભારત ચેમ્પિયન બનેલું. બલ્કે ભારતે વેસ્ટ ઈન્ડિઝના પતનનો પાયો નાંખ્યો ને વિશ્વ ક્રિકેટમાં એના એકચક્રી શાસનનો અંત આણી દીધો. કપિલદેવની ટીમે મેળવેલો 1983ની વર્લ્ડ કપની ફાઈનલનો વિજય ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સૌથી મહાન વિજય છે પણ એ પહેલાં ફાઈનલમાં પહોંચવા માટે ભારતીય ટીમે મેળવેલા વિજય પણ કમ નહોતા. ભારત 1983ના વર્લ્ડકપમાં સેમી ફાઈનલ અને ફાઈનલ સહિત આઠ મેચ રમેલું. ભારતે છ મેચમાં જીત મેળવી હતી પણ ભારત જે પણ મેચો રમ્યું એ બધી મેચો યાદગાર હતી. એ મેચોની વાત ફરી કોઈવાર.