કમલનાથે સ્ત્રી નેતા વિશે કરેલા નવા હલકા ઉચ્ચારણોનો ભારે ઊહાપોહ

ભારતમાં મોટા ભાગના રાજકારણીઓને બોલવાનું ભાન નથી રહેતું. મોં આગળ માઈક હોય ને સામે ઓડિયન્સ હોય એટલે એ લોકો નેતા છોડીને બજાણિયા બની જાય છે ને લોકોને ખુશ કરવા લૂલીને છૂટી મૂકી દે છે. લોકો તાળીઓ પાડે એ વાસ્તે એવા બકવાસ કરવા માંડે છે કે આપણે ચકરાઈ જઈએ. પોતાના બકવાસથી કોઈને શું લાગશે કે કોઈનું અપમાન થશે એનું પણ તેમને ભાન નથી રહેતું. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીપદે ફરી બેસવા માટે હવાતિયાં મારતા કમલનાથના કિસ્સામાં એવું જ થયું છે.

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની 28 બેઠકો માટે પેટાચૂંટણી છે. આ પેટાચૂંટણી કમલનાથ ને શિવરાજસિંહ બંને માટે રાજકીય અસ્તિત્વનો જંગ છે કેમ કે જે જીતશે તેને મધ્ય પ્રદેશની ગાદી મળશે. આ 28 બેઠકોમાંથી 22 બેઠકો જ્યોતિરાદિત્ય સિંધિયાના વફાદારો કોંગ્રેસ છોડીને ભાજપની પંગતમાં બેસી ગયા તેના કારણે ખાલી પડેલી છે ને તેમના કારણે કમલનાથે ઘરભેગા થવું પડેલું તેથી કમલનાથ ભૂરાંટા થયા છે. આ ધારાસભ્યોને પછાડવાના ઝનૂનમાં એ પૂરી તાકાતથી મચી પડ્યા છે ને તેમાં ને તેમાં તેમણે ભાજપનાં ઉમેદવાર ઈમરતી દેવીને ‘આઈટમ’ કહી દીધાં તેમાં મોટી બબાલ થઈ ગઈ છે. ઈમરતી દેવી પહેલાં કોંગ્રેસમાં જ હતાં ને કમલનાથને છોડીને ભાજપમાં ગયાં છે તેથી તેમના પર કમનલાથને વધારે ખાર હશે. તેમને વગોવવાના ઉત્સાહમાં ને ઉત્સાહમાં કમલનાથે જાહેર કર્યું કે, મારે તમને પહેલાં જ ચેતવી દેવાની જરૂર હતી કે ઈમરતી દેવી કેવી ‘આઈટમ’ છે.

કમલનાથના આ બકવાસ સામે શિવરાજસિંહ ચૌહાણથી માંડીને માયાવતી મેડમ સુધીનાં બધાં કૂદી પડ્યાં છે. શિવરાજસિંહે તો ધરણાં ચાલુ કરી દીધાં છે જ્યારે માયાવતીએ કમલનાથના નિવેદનને સમગ્ર દલિત સમાજનું અપમાન ગણાવીને કોંગ્રેસીઓને ભરપેટ ગાળો આપી છે. મધ્ય પ્રદેશમાં પેટાચૂંટણીનો જંગ જામેલો છે ને એવામાં કમલનાથે આ બકવાસ કર્યો તેમાં વિપક્ષો તૂટી પડે તેમાં નવાઈ નથી. રાજકીય પક્ષો તો નાનામાં નાના મુદ્દાનો લાભ લેવા માટે ટાંપીને જ બેઠા હોય છે ને કમલનાથ તો સામે ચાલીને ખાડામાં પડ્યા છે ત્યારે તેમના પર પથરા ફેંકવાની તક કોઈ શું કરવા છોડે ? ભાજપ કે માયાવતી એ રીતે કશું ખોટું કરતાં નથી.

ચૂંટણીનો માહોલ ન હોય તો પણ કમલનાથે જે ઉચ્ચાર કર્યો છે એ વાંધાજનક છે જ. ‘આઈટમ’ શબ્દ સામાન્ય છે ને આપણે રોજબરોજની વાતચીતમાં છૂટથી તેનો ઉપયોગ કરીએ છીએ પણ લોકો માટે ‘આઈટમ’ શબ્દ નથી વાપરતા. મિત્રો અંદરોઅંદર મજાકમાં બોલે પણ જાહેર જીવનમાં એ શબ્દનો વપરાશ ખરાબ છે કેમ કે કોઈ વ્યક્તિ માટે ‘આઈટમ’ વિશેષણ વપરાય ત્યારે તેનો અર્થ બદલાઈ જતો હોય છે. તમે કોઈ પુરૂષ માટે પણ આઈટમ શબ્દ વાપરો તો એ અપમાનજનક જ ગણાય છે જ્યારે કોઈ મહિલા માટે વપરાય ત્યારે તો એ અશ્લિલ ગણાય છે. આપણી હિન્દી ફિલ્મોમાં ‘આઈટમ ગર્લ’નું જે ચિત્રણ કરાય છે એ પછી તો કોઈ મહિલા માટે ‘આઈટમ’ શબ્દ વાપરી જ ન શકો એ જોતાં કમલનાથના બકવાસ સામે વાંધો ઉઠાવાય છે એ બિલકુલ યોગ્ય છે.

કમલનાથ આ વિધાનો બદલ માફી માગે છે કે પછી વિવાદને ચગવા દે છે એ ખબર નથી પણ આપણે ત્યાં રાજકારણમાં આ પ્રકારના બકવાસ નવી વાત નથી. આપણા રાજકારણીઓ સ્ત્રી માટે આ પ્રકારની હલકી ભાષા વાપરવા ટેવાયેલા છે ને તેમને તેમાં કશું ખોટું પણ લાગતું નથી. આ તો ચૂંટણીનો માહોલ છે તેથી કમલનાથના ઉચ્ચારને પબ્લિસિટી મળી, બાકી મોટા ભાગના કિસ્સામાં તો આવી વાતોને બહુ મહત્વ પણ મળતું નથી. આ પ્રકારની વાતો કરનારા નેતાઓને કશું થતું પણ નથી તેના કારણે સમયાંતરે આવી હલકી ભાષાનો પ્રયોગ થયા જ કરે છે. કમલનાથે ઈમરતી દેવી માટે વાપરેલું વિશેષણ ખરાબ છે પણ તેના કરતાં પણ ખરાબ ભાષા રાજકારણીઓ કોઈ વ્યક્તિ વિશેષ મહિલા નેતા માટે વાપરી ચૂક્યા છે. કમલનાથે તો પોતાના વિરોધી પક્ષનાં મહિલા માટે આ શબ્દ વાપર્યો પણ આપણે ત્યાં તો પોતાના જ પક્ષની મહિલા નેતાઓ માટે સાવ હલકાં વિશેષણો કરાયાં હોય એવા દાખલા પણ છે.

આ યાદીમાં સૌથી ટોચ પર કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ આવે છે. એક જમાનામાં દિગ્વિજયે કાળો કેર વર્તાવેલો. દિગ્વિજય બોલવા બેસે ત્યારે શું બોલે છે તેનું તેમને ભાન નહોતું રહેતું ને જે જીભે ચડે તે બોલી દેતા. દિગ્વિજયસિંહે 2013માં મધ્ય પ્રદેશમાં એક રેલીને સંબોધતાં આ જ કરેલું ને મીનાક્ષી નટરાજનને સો ટંચનો માલ કહી દીધેલો. હાલમાં 45 વરસનાં મીનાક્ષી નટરાજન તમિલનાડુનાં છે પણ તેમનો પરિવાર મધ્ય પ્રદેશમાં વરસો પહેલાં આવીને વસેલો તેથી મધ્ય પ્રદેશ તેમની કર્મભૂમિ છે. મધ્ય પ્રદેશના મંદસૌરમાંથી મીનાક્ષી લોકસભામાં ચૂંટાયાં પણ હતાં. મંદસૌરમાંથી 1971થી ભાજપના લક્ષ્મીનારાયણ પાંડે ચૂંટાતા પણ મીનાક્ષીએ 2009માં તેમને ધૂળચાટતા કરી દીધા તેથી રાહુલ ગાંધી તેમના પર ઓળઘોળ થઈ ગયા હતા ને તેમને કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહામંત્રી બનાવી દીધાં. રાહુલને જે લોકો સલાહ આપે છે તેમાં મીનાક્ષીનું નામ મોખરે છે.

દિગ્વિજયે મીનાક્ષી મેડમનાં પહેલાં સામાન્ય વખાણ કર્યાં ને પછી જાહેર કર્યું કે મીનાક્ષી સો ટકા ટંચ માલ છે ને હું બહુ જૂનો ઝવેરી છું એટલે મને આ માલની કિંમત શું છે તે ખબર છે. કોઈ મહિલાને તમે માલ કહો તેનો અર્થ શો થાય તે કહેવાની જરૂર નથી. એકદમ સડકછાપ ટપોરીઓ વાપરે એવી આ ભાષા છે. દિગ્વિજયે આ ભાષા વાપરીને પોતાની માનસિકતા શું છે તેનો પરચો આપી દીધો હતો. કમલનાથે ને દિગ્વિજય સાથે છે તેથી કમલનાથને દિગ્વિજય પાસેથી ઈમરતી દેવીને આઈટમ કહેવાની પ્રેરણા મળી કે શું એ રામ જાણે પણ દિગ્વિજયના ઉચ્ચાર પછી કોંગ્રેસે રીતસર હાથ અધ્ધર કરી દીધા હતા. કોંગ્રેસે કહી દીધું હતું કે આ વાત સાથે કોંગ્રેસને કશું લેવાદેવા નથી ને આ દિગ્વિજયનો અંગત મત છે. આઘાતજનક વાત તો એ છે કે મીનાક્ષી નટરાજનને પોતાને આ વાત સામે વાંધો નહોતો. દિગ્વિજયે તેમને સો ટંચનો માલ કહ્યાં એમાં તો એ મિસ યુનિવર્સ બન્યાં હોય એમ હરખાઈ ગયેલાં. તેમણે જાહેર કરેલું કે દિગ્વિજય બહુ સન્માનનિય નેતા છે ને તેમણે કશું ખોટું કહ્યું નથી.

કોંગ્રેસના દિગ્વિજયસિંહ એવા ઘણા નમૂના ભાજપ પાસે પણ છે ને નરેન્દ્ર મોદી સરકારમાં પ્રધાન ગિરિરાજ સિંહ તેમાં એક છે. ગિરિરાજ સિંહે 2015માં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ઈટાલિયાન છે ને ગોરી ચામડીનાં છે એ વાતને ચગાવીને એવો બકવાસ કરી નાખ્યો હતો કે સોનિયા ગાંધી ગોરી ચામડી ધરાવતાં હતાં તેથી કોંગ્રેસીઓએ તેમને વધાવી લીધાં ને તેમની પાલખી ઊંચકીને તેમને કોંગ્રેસ પ્રમુખ બનાવ્યાં. બાકી રાજીવ ગાંધી કોઈ નાઈજીરિયનને પરણ્યા હોત ને એ નાઈજીરિયનની ચામડી ગોરી ન હોત તો કોંગ્રેસીઓએ તેમને પોતાનાં નેતા તરીકે સ્વીકાર્યાં હોત ખરાં? ગિરિરાજે જે કંઈ કહ્યું એ હલકી માનસિકતાનો નાદર નમૂનો હતો. સોનિયાને તેમની ચામડીના આધારે મૂલવીને તેમણે હલકી માનસિકતા છતી કરેલી.

શરદ યાદવે પણ 2015માં આવો જ બકવાસ કરેલો. સંસદમાં શરદ યાદવે વિદેશી રોકાણને મંજૂરીના મુદ્દે ચર્ચા દરમિયાન ભાજપને વિચિત્ર સલાહ આપી હતી કે, દક્ષિણ ભારતની મહિલાઓ ગોરી ચામડીની નથી હોતી પણ તેમનાં ફીગર જોરદાર હોય છે તેથી ગોરી ચામડી પાછળ બહુ ઘેલા ના થશો. ભારે દેકારો થયો ને મોદી સરકારનાં પ્રધાન સ્મૃતિ ઈરાની આ દેકારો કરવામાં મોખરે હતાં. તેમની હોહાથી અકળાઈને શરદ યાદવે એવું કહી દીધેલું કે, તમે શું છો એ મને ખબર છે. સ્મૃતિને તેમણે નાચવાવાળી કહીને ઉતારી પાડેલી.

પદ્માવત ફિલ્મનો વિવાદ ચગ્યો તેના થોડા દિવસ પછી જયા પ્રદાએ કહેલું કે પદ્માવત ફિલ્મમાં ખિલજીને જોઈને મને આઝમ ખાન યાદ આવ્યા. આઝમ ખાને જયા પ્રદાને જવાબ આપેલો કે, પદ્માવતમાં ખિલજી વિલન છે. પદ્માવતીએ ખિલજી તેને મળવા આવે તે પહેલા જ દુનિયા છોડી દીધી પણ એક નાચવા-ગાવાવાળી બીજા પુરૂષ માટે પોતાના પતિને છોડી દીધો ને પોતાના પતિ વિશે સાવ હલકી કક્ષાની ટિપ્પણી કરી છે. હવે તમે જ કહો કે, નાચવા-ગાવા વાળાના મોએં લાગશું તો રાજ ક્યારે કરીશું? આઝમનો ઈશારો જયા પ્રદા અને અમરસિંહના સંબંધો તરફ હતો.

આ તો આપણા રાજકારણીઓએ મહિલા નેતાઓ અંગે કરેલી વ્યક્તિગત કોમેન્ટ્સની વાત કરી. બાકી મહિલાઓ વિશે એ લોકો સામાન્ય રીતે પણ જે પ્રકારનાં નિવેદનો આપે છે એ સાંભળીને છળી મરાય. તેની વાત કરવા બેસીશું તો પાર નહીં આવે પણ મુખ્ય મુદ્દો આ પ્રકારની કોમેન્ટ્સ કેમ થાય છે તેનો છે. તેનો જવાબ આપણા સમાજમાં સ્ત્રી તરફનો દૃષ્ટિકોણ છે. આપણા પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રી પુરૂષના મનોરંજનનું રમકડું છે ? ને તેમાં પણ રાજકારણમાં આવતી મહિલાઓને કોઈ સન્માનની રીતે જોતું નથી. આવી હલકી માનસિકતા હોય ત્યાં મહિલા નેતા માટે ‘આઈટમ’ જેવાં વિશેષણો જ સૂઝે તે જાહેર જીવનની દુર્ઘટના છે.