કરજણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલનો ૧૬,૪૦૯ મતથી વિજય

વડોદરા જિલ્લાની કરજણ બેઠકની પેટા ચૂંટણી યોજાયા બાદ આજે મતગણતરી પૂર્ણ થતાં કુલ ૨૯ રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલ નો ૧૬૪૦૯ મતથી વિજય થયો છે.

વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી આજે સવારે શરૂ થયા બાદ બપોર સુધીમાં શાંતિપૂર્ણ રીતે મત ગણતરી પૂર્ણ થઈ હતી. વડોદરા જિલ્લા ચૂંટણી વિભાગે કુલ ૨૯ રાઉન્ડમાં મત ગણતરીની વ્યવસ્થા કરી હતી. જેમાં આખરે ૨૯ સાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ ૨૯માં રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલ ને ૭૬,૮૩૧ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને ૬૦,૪૨૨ મત મળ્યા હતા. જેથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ૧૬,૪૦૯ મતથી વિજય થયા હતા.

કરજણની પેટાચૂંટણી રસાકસીભરી બની હતી ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે વચ્ચે સીધો જંગ હતો. ચૂંટણી દરમિયાન સામસામે મતદારોને રોકડ રકમ ચૂકવવામાં આવી હોવાની પણ ફરિયાદો થઇ હતી.

કરજણ પેટાચૂંટણીની મતગણતરી આજે સવારથી વડોદરા ખાતે પોલિટેકનિક કોલેજમાં શરૂ કરવામાં આવી હતી. સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી કોવીડ-૧૯ની તમામ ગાઇડલાઇન્સનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો. વડોદરાના પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી મથકે આવતા તમામ સૌપ્રથમ સેનિટાઇઝરથી હેન્ડ સેનિટાઇઝ અને ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

મત ગણતરીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલનો વિજય થતાં કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપ્યો હતો જ્યારે કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો.