કરોડો લોકો રોજ બે ટુકડા પ્લાસ્ટિકના પૃથ્વી પર ફેંકે ને કહે સરકાર કંઈ કરતી નથી !

આપણા દેશમાં 135 કરોડથી વધુ લોકો વસે છે. આ કોઈ નાની જનસંખ્યા નથી. જે હાલત આજે ચીનની છે તે જ સ્થિતિ ભવિષ્ય ભારતની થઈ શકે છે. કુદરત કોઈને કોઈ રીતે દરેકને એના ભવિષ્યનો સંકેત આપે જ છે. વ્યક્તિને વ્યક્તિગત અને રાષ્ટ્રને રાષ્ટ્રગત. એટલે કે વ્યક્તિને કોઈ બીજી વ્યક્તિ બતાવીને કુદરત કહે કે ભાઈ ધ્યાન રાખજે. નહિતર તારી હાલત આવી થશે. ચતુર વ્યક્તિ હોય અને વળી સુસંસ્કારિત હોય તો ચેતી જાય છે ને સંકટથી બચી જાય છે. એવું જ દેશનું છે. કુદરત એક દેશને કોઈ બીજો દેશ બતાવે છે ને ચેતવણી આપે છે. જે પ્રજા પ્રજ્ઞાવાન હોય તે સમજી જાય છે. ભારતે પશ્ચિમના અંધ અનુકરણમાં પ્રજ્ઞા ગુમાવી દીધી છે. એને કારણે આપણને ચીન, અમેરિકા કે પાકિસ્તાનના અપલક્ષણો દેખાતા હોવા છતાં આપણા લોકજીવનમાં કોઇ ફેરફાર થતો નથી. એટલે પછી સજા ભોગવવાના દિવસો આવે છે. અને એ દિવસો આવી જ ગયા છે.

દેશની મહત્ પ્રજાના ભોજનથાળમાં રાસાયણિક ખાતરો પરોક્ષ રીતે છુપાઈને પહોંચી ગયા છે. છતાં એને અટકાવવા માટે અને ભોજન કરતી પ્રજાની આંખ ઉઘાડવા માટે પ્રજ્ઞાવાન મહાપુરુષો કામે લાગેલા છે. પાંડુરંગ શાસ્ત્રીએ કૂવા રિચાર્જ કરવા અને વરસાદી જળને જમીનમાં ઊંડે ઉતારવા બહુ પ્રયાસો કર્યા. દીપકદાદા સચદેએ પ્રાકૃતિક કૃષિ માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું. સુભાષ પાલેકરજીએ હજારો ખેડૂતોને ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનો માટે પ્રાયોગિક તાલીમ આપી. આજે મહામહિમ્ન રાજ્યપાલશ્રી પોતે ગુજરાતને પ્રાકૃતિક નંદનવન બનાવવા અખંડ પુરુષાર્થ કરે છે. પણ આ સહુને જોઈએ એવો પ્રતિસાદ મળે છે? બહુ ઓછા અને આછા પરિણામોથી તેઓએ સંતોષ માનવો પડે છે.

એનું એક કારણ એ છે કે માણસજાત સત્ય જાણતી હોવા છતાં એનો સ્વભાવ અને ટેવ બદલતા યુગો વીતી જાય છે. 135 કરોડથી વધુ જનસંખ્યામાંથી પચાસેક કરોડ લોકો રોજ પ્લાસ્ટિકના કે કચરાના બે ટુકડા જમીન પર ફેંકે તો રોજના સો કરોડ ટુકડા ભારતીય પૃથ્વી પર પડે. એનો મહિને અને વરસે સરવાળો ક્યાં પહોંચે? વળી એ લોકો કહે કે સરકાર કંઈ કરતી નથી એ કેમ ચાલે? ભારતની આ દશા એક પ્રકારે તો ભૂમિનિકંદનયોગ છે. આ પ્રકારના અનેક બુદ્ધિશૂન્ય વર્તન આપણે પૃથ્વી સાથે કરીએ છીએ. એ જ રીતે પાણીનો વેડફાટ પણ કેટલો છે? અકારણ જ પૃથ્વીના ભૂગર્ભજળ આપણે ખાલસા કર્યા છે. ઉત્તર પ્રદેશમાં એક વિસ્તાર છે બુંદેલખંડ. યુપી સરકારે આ વિસ્તારની પ્રજા માટે પાંચસોથી વધુ યોજનાઓ અમલી બનાવી છતાં આજે પણ એ પ્રજા તરસી છે. પીવાના પાણી માટે દરરોજ એક પરિવાર દીઠ એક જણે છ કલાક ભટકવું પડે છે ત્યારે પાણી મળે.

બધાએ બુંદેલખંડમાં એક-એક મહિનો રહેવા જવાની જરૂર છે. વોટર કોન્સ્યસ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ થઈ જાય. પણ એટલું નક્કી કે ત્યાંથી પાછા આવેલા માણસના હાથે પછીની જિંદગીમાં એક ટીપું પાણી પણ વેડફાટ-વ્યય થાય નહિ. હવે આ જે જળ-જમીનની માણસના હાથે ઉપેક્ષા થાય છે એનો સીધો ઘા વાગે છે ખેતીવાડી પર. કારણ કે કૃષિ એટલે જળ-જમીન આધારિત પોષણક્ષમ ઉત્પાદન પ્રવૃત્તિ. માણસના મુખ્યત્વે નગરજીવનના વર્તનથી ગ્રામજગત અને કૃષિ જગત દુઃભાયા છે. એક જમાનો હતો કે એક નહિ ને એક ખેતર પછી બારમાસી વાડી આવે. ખેતરો ઓછા હતા અને વાડીઓ વધારે હતી. શનિ-રવિમાં બધા વાડીએ જતા હતા. વેવાઈ પસંદ કરતા પહેલા પૂછતા કે એલા એના વડવાઓ વાડી મૂકતા ગયા છે કે નહિ? વાડી સમાજનો મોભો હતો. હવે નાસમજ પ્રજા જમીનના ટુકડાઓ પર ગૌરવ લેતી થી

નગરજીવને પ્રકૃતિ પર એટલો બધો અત્યાચાર કર્યો છે કે એના પરિણામો વિકરાળ આવી રહ્યા છે. દુનિયાના દરેક શહેરો પ્રકૃતિના નિઃસાસા પર ઊભા છે. કેટલાક પણ બહુ જ ઓછા શહેરોમાં પ્રકૃતિ તરફનો સદભાવ જોવા મળે છે. આપણા દેશમાં ગામડાઓ ખાલી થઈ ગયા છે અને જે બાકી છે તે ખાલી થઈ રહ્યા છે. આ બધાના મૂળમાં પણ શહેરમાં ફાટી નીકળેલો ભૌતિકવાદ છે. એથી માનવજાતનું સંવેદનતંત્ર બધિર થતું જાય છે. જ્યાં મનુષ્યની પ્રકૃતિ તરફની સંવેદના થીજી જતી હોય ત્યાં જ બરફવર્ષાથી જનજીવન પણ થીજી જાય. જે અમેરિકામાં થયું તે બીજા દેશોમાં પણ થશે. આપણી જીવનશૈલીથી છેક દૂર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનો બરફ પીગળી જવા આવ્યો છે. વિરાટ પહાડી હિમખંડો ધ્વસ્ત થઈને પાણી પાણી થઈ રહ્યા છે. વધતા અંગારવાયુને કારણે ઓઝોનના પડમાં ગાબડા પડી ગયા છે. ને તોય માણસજાત ગાઢ ઊંઘમાંથી જાગવા તૈયાર નથી. આ ઊંઘ માણસની ભૌતિક વિલાસિતાની ઊંઘ છે. એમાં સ્વકલ્યાણ પણ વીસરી જવાય છે. સંતો એટલે જ ભૌતિકતાથી ચેતવે છે. કારણ કે ભૌતિકતા મનુષ્યને એવો સુખાળવો બનાવે છે કે એ લગભગ સ્વહિત અંગે બેહોશ થઈ જાય છે. એ જ સમય હોય છે કે જ્યારે વિનાશ એના બારણે ટકોરા મારે છે.