કર્ણાટકના દબંગ ધારાસભ્યે આચરેલી કામલીલાથી યેદિયુરપ્પા ભારે સંકટમાં

ભારતમાં રાજકારણીઓની સેક્સ ટેપ ફરતી થાય એ નવી વાત નથી પણ તેના કારણે રાજીનામું આપી દેવું પડે એવું બહુ બનતું નથી. બુધવારે કર્ણાટકમાં એવી ઘટના બની ને ભાજપ સરકારના જળ સંસાધન મંત્રી રમેશ જર્ખિહોલીએ રાજીનામું ધરી દેવું પડ્યું. કર્ણાટકમાં તો છેલ્લા બે દિવસથી ભાજપ સરકારના જળ સંસાધન મંત્રી રમેશ જર્ખિહોલીની કહેવાતી સેક્સ ટેપનો મામલો ગાજતો હતો. રમેશ જર્ખિહોલી એક યુવતી સાથે હોટલના રૂમમાં કામક્રિડા કરતા હોય એવા વીડિયોએ ધૂમ મચાવી દીધેલી પણ જર્ખિહોલી સાવ નામક્કર ગયેલા. જર્ખિહોલી તો પોતે દૂધે ધોયેલા હોવાની રેકર્ડ જ વગાડ્યા કરતા હતા ને નેતાઓ પણ તેમની વાતમાં હાજીયો પૂરાવતા હતા.

જો કે કર્ણાટકમાં મીડિયા ને ખાસ તો ટીવી ચેનલોને મંદીના ઠંડા ગાળામાં ગરમી લાવી દે એવો મોટો મુદ્દો મળી ગયેલો તેથી એ મચી પડેલા. ટીવી ચેનલોએ તો આ સેક્સ ટેપ બતાવી નાંખેલી ને મુદ્દો બરાબર ગજવી દીધેલો. તેના કારણે રમેશ જર્ખિહોલીની સેક્સ ટેપ રાષ્ટ્રીય મુદ્દો બનવા માંડેલો. મુખ્યમંત્રી યેદુરપ્પા માટે આ વણજોઈતી ઉપાધિ આવી પડેલી ને માથાનો દુ:ખાવો વધવા માંડેલો એટલે છેવટે તેમણે રમેશ જર્ખિહોલીને સંકેલો કરી લેવા કહી દીધું. રમેશ જર્ખિહોલીએ પહેલાં તો મચક ન આપી પણ યેદુરપ્પા પણ ઘાટ ઘાટનાં પાણી પીને બેઠેલા ખેલાડી છે. તેમણે રાજ્યપાલને કહીને ઘરભેગા કરવાની ચીમકી આપી એટલે રમેશ જર્ખિહોલીએ રાજીનામું આપી દેવું પડ્યું.

રમેશ જર્ખિહોલીની સેક્સ ટેપ દિનેશ કલાહલી નામના સામાજિક કાર્યકરે બહાર પાડી છે. કલાહલીનો દાવો છે કે, ટેપમાં દેખાય છે એ યુવતીને સરકારી નોકરી આપવાની લાલચ આપીને પોતાની હવસનો શિકાર બનાવી હતી ને તેની ટેપ બનાવીને બ્લેક મેઈલિંગ કરતા હતા. આ યુવતીને વારંવાર હવસનો શિકાર બનાવ્યા છતાં સરકારી નોકરી ન આપી ને ધમકીઓ આપતા હતા. યુવતી તેનાથી કંટાળી હતી પણ તેની સામે લડવાનું ગજું નહોતું તેથી કલાહલીનો સંપર્ક કર્યો. કલાહલી પોતે નાગરિક હક્કુ હોરાત સમિતિ નામે સંગઠન ચલાવતા હતા. તેમણે આ સેક્સ ટેપ સાથે પોલીસનો સંપર્ક કર્યો પણ સામે ભાજપ સરકારના મંત્રી હતા એટલે બેંગલુરૂના કમિશનરે કશું ન કર્યું તેથી તેમણે મીડિયાને ટેપ આપીને ભાંડો ફોડી નાંખ્યો. આ ભાંડો ફૂટ્યો પછી પોલીસે ફરિયાદ પણ નોંધી ને રમેશ જર્ખિહોલીએ બિસ્તરાંપોટલાં બાંધીને ઘરભેગા પણ થવું પડ્યું.

રમેશ જર્ખિહોલીએ પડ્યા પછીય ટંગડી ઊંચી રાખતાં પોતે ચોખ્ખાચણાક હોવાની ને તપાસમાં પોતે ચોખ્ખા સાબિત થશે એવું વાજું વગાડવાનું ચાલુ રાખ્યું છે. ભાજપે પણ રમેશ જર્ખિહોલીનો ખુુલ્લો બચાવ કર્યો છે ને નરેન્દ્ર મોદી સરકારના મંત્રી પ્રહલાદ જોશી રમેશ જર્ખિહોલીનો બચાવ કરવા ઊતરી પડ્યા છે. રમેશ જર્ખિહોલીનું કહેવું છે કે, આ ટેપ ફેક છે ને પોતાના વિરોધીઓએ પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવા રચેલા કાવતરાનો ભાગ છે. જોશીએ તેમની વાતમાં હાજીયો પૂરાવીને કહ્યું છે કે, ટેપ સાચી જ છે એ વિશે અત્યારથી કશું કહી શકાય એમ નથી ને જ્યાં સુધી તપાસનું પરિણામ ના આવે ત્યાં લગી ભાજપ કોઈ તારણ પર નહીં આવે ને જર્ખિહોલીને પક્ષમાંથી દૂર નહીં કરે.

બેંગલુરૂ પોલીસ આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરાશે એવી વાતો કરે છે. આ તપાસ કેવી હશે ને તેનું તારણ શું હશે એ ખબર નથી પણ જોશી જે વાત કરી રહ્યા છે એ જોતાં નિષ્પક્ષ તપાસની શક્યતા ઓછી છે. કર્ણાટકમાં અત્યારે ભાજપની સરકાર છે ને બહુ દબાણ વધે તો યેદુરપ્પા સીબીઆઈને તપાસ સોંપીને હાથ ખંખેરી નાંખે એવી પૂરી શક્યતા છે. સીબીઆઈ કેન્દ્ર સરકારની તાબેદાર છે ને કેન્દ્રમાં ભાજપની સરકાર છે એ જોતાં ભાજપ ના ઈચ્છે તો રમેશ જર્ખિહોલીને કશું ન થાય એ કહેવાની જરૂર નથી. ભાજપની વાતો જોતાં એ રમેશ જર્ખિહોલીને કશું કરે એવી શક્યતા ઓછી છે.

રમેશ જર્ખિહોલી બેલગામ વિસ્તારમાં દબંગ ધારાસભ્ય છે તેથી ભાજપ તેમને હાથ અડાડવાનું કે નુકસાન કરવાનું જોખમ ઉઠાવે એવી શક્યતા નથી. તેમનું આખું ખાનદાન રાજકારણમાં છે ને ત્રણ ભાઈઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. રમેશ જર્ખિહોલી મૂળ કૉંગ્રેસી છે ને છેલ્લી ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. ૨૦૧૮માં કૉંગ્રેસ-જેડીએસ સરકારને ઉથલાવવા માટે ભાજપે મોટા પાયે બંને પક્ષના ધારાસભ્યોને તોડ્યા તેમાં રમેશ જર્ખિહોલી પણ એક હતા. કર્ણાટક કૉંગ્રેસના પ્રમુખ ડી.કે. શિવકુમાર અને રમેશ જર્ખિહોલી વચ્ચે બારમો ચંદ્રમા છે તેથી રમેશ જર્ખિહોલી ભાજપમાં કૂદી પડેલા. ભાજપને શિવકુમાર તરફથી મોટો ખતરો લાગે છે તેથી તેમને ખાળવા ભાજપને રમેશ જર્ખિહોલીની જરૂર છે એ જોતાં રમેશ જર્ખિહોલીને કશું થવાની શક્યતા નહિવત છે.

આપણે ત્યાં રાજકારણીઓને સંડોવાતાં સેક્સ ટેપ બહુ આવ્યાં છે પણ આ કૌભાંડોનો ઈતિહાસ જોતાં પણ રમેશ જર્ખિહોલીને કશું થવાની શક્યતા ઓછી છે. યાદ કરવા બેસીએ તો ઢગલાબંધ સેક્સ કૌભાંડ યાદ આવશે પણ બહુ જૂની વાતો યાદ ના કરીએ ને નજીકના ભૂતકાળનાં સેક્સ કૌભાંડોની જ વાત કરીએ તો પણ ખબર પડશે કે આપણે ત્યાં રાજકાણીઓને આવા કેસોમાં કશું થતું નથી. આવો જ તાજો દાખલો એકાદ વરસ પહેલાં ગાજેલા હાઈ પ્રોફાઈલ સેક્સ કૌભાંડનો છે. મધ્ય પ્રદેશના આ સેક્સકાંડમાં થોકબંધ રાજકારણીઓ અને અધિકારીઓની સંડોવણી હોવાની વાતો બહાર આવી હતી. આ સેક્સકાંડ માત્ર મધ્ય પ્રદેશ પૂરતું મર્યાદિત નથી પણ મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સુધી ફેલાયેલું છે એવી વાતો પણ બહાર આવેલી. તેના કારણે નેશનલ મીડિયાને પણ તેમાં ભારે રસ પડી ગયેલો ને બહુ ધમાધમી થયેલી ને પછી બધું ઠંડું પડી ગયું.

આ સેક્સ કૌભાંડનાં કેન્દ્રસ્થાને શ્ર્વેતા જૈન નામની ૩૯ વર્ષની યુવતી હતી. આ કૌભાંડનો પથારો બહુ મોટો હતો ને તેમાં બહુ બધી છોકરીઓ તથા બીજાં પાત્ર સંડાવાયેલાં હતાં પણ પોલીસે અત્યારે પાંચ મહિલાઓની ધરપકડ કરી છે. આ યુવતીઓમાં શ્ર્વેતા જૈન નામની જ બીજી ૪૮ વર્ષની મહિલા, બરખા સોની અને આરતી દયાલ નામની બે યુવતી તથા એક ૧૮ વર્ષની કૉલેજિયન યુવતી મુખ્ય હતાં. શ્ર્વેતા એક એનજીઓ ચલાવતી હતી અને ભાજપના ધારાસભ્ય બ્રિજેન્દ્ર પ્રતાપસિંહના મકાનમાંથી સેક્સ રેકેટ ચલાવતી હતી. શ્ર્વેતા ભાજપ સાથે સંકળાયેલી હતી તેથી નેતાઓને ઓળખતી હતી. રાજકારણમાં હોવાથી ઘણા અધિકારીઓ સાથે પણ તેને ઘરોબો હતો.

આ અધિકારીઓ તથા નેતાઓને તે કૉલેજની છોકરીઓ હવસ સંતોષવા પૂરી પાડતી. કૉલેજની છોકરીઓને નોકરી અપાવવાની લાલચ આપીને લાવતી ને નેતા તથા અધિકારીઓ પાસે તેમને મોકલતી. આ પૈકી કેટલી છોકરીઓને તેણે નોકરી અપાવી એ રામ જાણે પણ આ સેક્સ લીલાની વીડિયો ક્લિપ બનાવીને પછી બ્લેકમેઈલિંગ કરીને નેતા-અધિકારીઓને ખંખેરતી. બંને શ્ર્વેતા જૈન વીડિયો બનાવતી ને પછી આરતી દયાલ તથા બરખા સૌને ફોન કરીને રૂપિયા માગતી. આ રીતે ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારીની વીડિયો ક્લિપ બનાવીને પછી આ ટોળીએ ત્રણ કરોડ રૂપિયા માંગેલા. અધિકારીએ રૂપિયા આપવાના બદલે આરતી દયાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી ને તેમાં તેમનો ભાંડો ફૂટ્યો. ભાંડો તો ફૂટ્યો પણ કોઈને કશું થયું નહીં.

ગુજરાતમાં નેતાઓને સંડોવતા કચ્છની મીઠી ખારેકવાળો નલિયા સેક્સકાંડમાં પણ આવું જ થયેલું. મૂળ મુંબઈની પણ રિસામણે પિયર આવેલી યુવતીને કચ્છના નેતાઓએ પોતાની હવસનો શિકાર બનાવીને મોં કાળાં કર્યાં ને પછી તેને સેક્સ વર્કર કરતાં પણ બદતર જિંદગી જીવતી કરી દીધી હતી. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે મારા જેવી તો બીજી ચાલીસેક છોકરીઓ છે. મુંબઈની યુવતીને મોટા લોકોની હવસ સંતોષવાનું રમકડું બનાવી દેવાઈ ને આ યુવતી આ અત્યાચારો સહન કરતી હતી ત્યારે તેને ખબર પડી કે આ હાલત એકલી પોતાની નથી. પોતાના જેવી કમભાગી તો ઘણી છોકરીઓ છે ને આ હરામખોરોએ ઘણી માસૂમ છોકરીઓની જિંદગી હરામ કરી નાંખી છે.

કચ્છમાં હોસ્ટેલોમાં રહેતી કે કૉલેજમાં ભણતી પંદર-વીસ વરસની છોકરીઓને જુદા જુદા બહાને ફસાવીને પોતાની જેમ જ હવસનો શિકાર બનાવીને પછી ધનવાનો ને વગદારોની સેક્સ ભૂખ સંતોષવાના ધંધે લગાડી દેવાય છે એવો આક્ષેપ યુવતીએ હાઈ કોર્ટમાં એફિડેવિટ કરીને કર્યો હતો. તેના આક્ષેપ પ્રમાણે પોતાની સાથે ૬૫ પૂરૂષોએ મોં કાળાં કરેલાં ને આવી ૪૫ જેટલી કમનસીબ છોકરીઓની તેને ખબર છે. આ કૌભાંડ બહુ ગાજ્યું પણ કશું ન થયું. કૉંગ્રેસના ઢગલાબંધ નેતાઓને સંડોવતા કેરળના સૂર્યનેલ્લી કૌભાંડમાં પણ આવું જ થયેલું. તેમાં તો કૉંગ્રેસના મોટા ગજાના નેતા કુરીયનનું નામ બહાર આવેલું પણ બધું સંકેલાઈ ગયું હતું. આ તો થોડાંક ઉદાહરણ છે પણ એકંદરે મોટા ભાગના સેક્સકાંડમાં આ જ હાલત થાય છે એ જોતાં રમેશ જર્ખિહોલી અણિશુદ્ધ સાબિત થઈને પાછા મિનિસ્ટર બની જાય તો નવાઈ નહીં લાગે.