કર્ણાટકમાં મુસ્લિમ સંગઠનોએ રજનું ગજ કરીને આખા રાજ્યની શાંતિ ડહોળી નાંખી

આપણે ત્યાં વાતનું વતેસર થતાં વાર નથી લાગતી ને સાવ નાની અમથી વાતમાંથી એવો ભડકો થઈ જાય છે કે તેને ઓલવતાં નાકે દમ આવી જાય. કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં બુરખો પહેરવાના મુદ્દે એવું જ થયું છે. સાવ કાઢી નાખ્યા જેવી વાતમાં મુસ્લિમો દ્વારા ધાર્મિક લાગણીનો મુદ્દો ઘૂસાડી દેવાતાં એવો ભડકો થઈ ગયો કે હિંસા ફાટી નીકળી ને કર્ણાટક સરકારે ત્રણ દિવસ માટે સ્કૂલ-કોલેજો બંધ કરવી પડી છે. આ મામલે કર્ણાટક સરકાર પણ અપરિપક્વતાથી વર્તી છે. આ મામલે ડિસેમ્બરના અંતમાં ડખો શરૂ થયો પછી ભાજપની બસવરાજ બોમ્માઈ સરકારે શૈક્ષણિક સંસ્થાઓ માટે ડ્રેસ કોડ બહાર પાડ્યો કે જેમાં હિજાબ અને માથા પર સ્કાર્ફ પહેરવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. કર્ણાટક સરકારે આ મુદ્દાને હિંદુ વર્સીસ મુસ્લિમનો મુદ્દો બનવા દીધો એ પણ તેની ભૂલ છે જ.
આ ડખો હાઈ કોર્ટમાં પણ પહોંચ્યો છે ને બે અરજીઓ થઈ છે. પહેલી અરજીમાં દાવો કરાયો છે કે, કોઈ પણ વ્યક્તિએ શું પહેરવું એ બંધારણીય અધિકાર છે તેથી હિજાબ કે સ્કાર્ફ પહેરવા પર પ્રતિબંધ ન મૂકી શકાય. બીજી અરજીમાં કર્ણાટક સરકારના હિજાબ અને માથા પર સ્કાર્ફ પહેરવા પર પ્રતિબંધ મૂકતા ડ્રેસ કોડની કાયદેસરતાને પડકારવામાં આવી છે. હાઈ કોર્ટે આ બંને મામલે સુનાવણી શરૂ કરી છે ને શું ચુકાદો આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. આ ચુકાદો શું આવશે એ આપણને ખબર નથી પણ આ વિવાદના મૂળમાં જઈએ તો ખબર પડે કે, મુસ્લિમ સંગઠનોએ સાવ ફાલતુ વાતને મોટી કરીને ઓડનું ચોડ કરી નાખ્યું છે. નાદાન મુસ્લિમ છોકરીઓને બહાને મુસ્લિમ સંગઠનો પોતાના સ્વાર્થ સાધીને વણજોઈતી ઉપાધિ ઊભી કરી રહ્યાં છે.
તેમના ઈશારે મુસ્લિમ છોકરીઓ કોઈ પણ કપડાં પહેરવાની બંધારણે આપેલી સ્વતંત્રતાનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે એ પણ બકવાસ છે ને હિજાબ પહેરવાની મંજૂરી આપવા માટે જે કારણ આપી રહ્યાં છે એ પણ વાહિયાત છે. આ ડખાની શરૂઆત 31 ડિસેમ્બરે ઉડુપીમાં ગવર્નમેન્ટ પીયુ કોલેજ ફોર ગર્લ્સમાં છ મુસ્લિમ છોકરીઓએ ક્લાસરૂમમાં હિજાબ પહેરવાની મંજૂરી માંગી તેના કારણે થઈ. કોલેજે આ મંજૂરી ન આપી કેમ કે કોલેજનું કહેવું હતું કે, આ છોકરીઓને એડમિશન લીધું ત્યારે જ કહી દેવાયેલું કે, હિજાબ પહેરીને ક્લાસમાં નહીં બેસી શકાય. એ વખતે તેમણે વાંધો નહોતો લીધો પણ પછી મંજૂરી માંગી ને મંજૂરી ન મળી એટલે ધાર્મિક માન્યતાનો ઝંડો ઉઠાવીને બેસી ગઈ. મુસ્લિમ સંગઠનો તેમનો પક્ષ લઈને કૂદી પડ્યાં એટલે હિંદુવાદી સંગઠનો પણ મેદાનમાં આવી ગયાં. તેમણે છોકરાને ભગવા ખેસ પહેરીને મોકલવા માંડ્યા તેમાં સંઘર્ષ શરૂ થયો. કોલેજોએ આ વિવાદને ટાળવા હિજાબ અને ખેસ બંને પર પ્રતિબંધ મૂકી દીધો પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.
ઠેર ઠેર ડખા શરૂ થયા ને તેમાં હિજાબ પહેરેલી છોકરી સામે ટોળાએ જય શ્રી રામના નારા લગાવ્યા એટલે તેણે અલ્લાહુ અકબર નારા લગાવ્યા એવી ઘટના પણ બની. એક કોલેજમાં દેશનો તિરંગો ઝંડો ઉતારીને ભગવો ઝંડો ફરકાવાયો એવી ઘટના પણ બની. પથ્થરમારો ને આગ ચાંપવાની ઘટનાઓ પણ બની ને તોફાનો પણ થતાં છેવટે સ્કૂલ-કોલેજો બંધ કરવી પડી છે. આ વિવાદમાં મુસ્લિમ સંગઠનો કોઈ પણ કપડાં પહેરવાના બંધારણે આપેલા મૂળભૂત અધિકારની વાત કરે છે એ વાહિયાત છે. અંગત જીવનમાં દરેક નાગરિકને એ અધિકાર છે પણ શૈક્ષણિક સંકુલમાં ભણતા હો કે નોકરી કરતા હો ત્યારે જે સંસ્થા સાથે જોડાયેલા હો તેના નિયમો પાળવા પડે એ પણ બંધારણમાં સ્પષ્ટ કરાયેલું જ છે. ઉડુપીમાં ને બીજે પણ મુસ્લિમ છોકરીઓ એ નિયમ પાળવા તૈયાર નથી એ ન ચાલે. તમારી ધાર્મિક માન્યતા ગમે તે હોય, તમારે યુનિફોર્મ તો પહેરવો જ પડે.
કોલેજ યુનિફોર્મ પહેરવાની ફરજ પાડીને કોઈ બંધારણીય અધિકારનો ભંગ નથી કરતી. કર્ણાટક સરકારે ચોક્કસ વસ્ત્રો પર પ્રતિબંધ મૂકીને અપરિપક્વતા બતાવી પણ તેનો અર્થ એ નથી જ કે ગમે તે પહેરવાનો અધિકાર મળી જાય. આ પરિસ્થિતિમાં મુસ્લિમ સંગઠનોએ મમત છોડવી જોઈએ ને જે કોલેજ, સ્કૂલ કે શૈક્ષણિક સંસ્થામાં પોતાનાં છોકરાં ભણતા હોય તેના નિયમો પાળવાનું વલણ અપનાવવું જોઈએ. કર્ણાટકની ભાજપ સરકારે આ મામલામાં પડવાના બદલે કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ કેમ કે આ ડખાનાં પરિણામ ખતરનાક આવી શકે. ભાજપનો આક્ષેપ છે કે આ બધું રાજકીય ફાયદા માટે કરાઈ રહ્યું છે ને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા નામનો પક્ષ કર્ણાટકમાં રાજકીય ફાયદા માટે મુસ્લિમ છોકરીઓને ભડકાવી રહ્યો છે.
એસડીપીઆઈ દક્ષિણ ભારતના રાજકારણમાં નવો ફૂટી નીકળેલો પણ ઝડપથી ચર્ચાસ્પદ બની રહેલો પક્ષ છે. ગયા વરસે કેરળ વિધાનસભાની ચૂંટણીમાં આ પક્ષે ખાસ્સી ચર્ચા જગાવેલી. એસડીપીઆઈની સ્થાપના 2009માં એમ.કે. ફૈઝીએ કરેલી ને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ની રાજકીય પાંખ તરીકે એ અસ્તિત્વમાં આવેલો પક્ષ છે. પીએફઆઈ વિશે તો કશું કહેવા જેવું છે જ નહીં. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના પીઠ્ઠુ ગણાતા પીએફઆઈનું કામ જ મુસ્લિમોને ભડકાવીને રાજકીય રોટલો શેકવાનું છે. દક્ષિણ ભારતમાં મોટા ભાગનાં ટોચનાં સુન્ની અને શિયા સંગઠનો પણ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ને કટ્ટરવાદી ગણાવે છે તેના પરથી જ એસડીપીઆઈના ઈરાદા સમજી જવાની જરૂર છે. પીએફઆઈ સામે આઈએસઆઈની મદદથી ભારતમાં અરાજકતા ઊભી કરવા પ્રયત્ન કરાતા હોવાના આક્ષેપો સતત થયા કરે છે.
આ સંગઠન કર્ણાટક, તમિલનાડુમાં પણ ફેલાયેલું છે પણ કેરળમાં વધારે સક્રિય છે. કેરળમાં કોંગ્રેસની સરકાર હતી એ વખતે પીએફઆઈ પર ઉપરાછાપરી દરોડા પડેલા. પીએફઆઈ આતંકવાદી પ્રવૃત્તિ કરે છે તેવા આક્ષેપો પણ થયેલા ને તેના પર પ્રતિબંધ પણ મૂકાયેલો. પીએફઆઈએ તેની સામે કાનૂની લડત આપતાં કેરળ હાઈ કોર્ટે એ પ્રતિબંધને ફગાવી દીધેલો. કેરળ પોલીસે પીએફઆઈને આતંકનો ચહેરો ચિતર્યો તેની સામે આ સંગઠને બદનક્ષીનો કેસ કરેલો. હાઈ કોર્ટે આ કેસમાં પણ પોલીસને માફી માગવાની ફરજ પાડેલી ને 33 લાખ રૂપિયા રકમ ચૂકવવા આદેશ આપેલો. એ પછી પીએફઆઈ આતંકવાદી સંગઠન છે એવા આક્ષેપો જાહેરમાં થતા નથી પણ અંદરખાને બધાં એવું કહે જ છે.
પીએફઆઈ કેરળમાં સૌથી વધારે સક્રિય છે ને કર્ણાટકમાં પણ પગપેસારો કરવા મથ્યા કરે છે.
કેરળમાં તો પીએફઆઈ અને એસડીપીઆઈના કાર્યકરો સામે ભાજપ જ નહીં પણ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના કાર્યકરોની હત્યાના પણ કેસ નોંધાયેલા છે. બીજાંની વાત છોડો પણ મુસ્લિમ લીગના કાર્યકરોની હત્યામાં પણ પીએફઆઈ અને એસડીપીઆઈના કાર્યકરો સંડોવાયેલા છે. તેના પરથી જ આ પીએફઆઈ અને તેની રાજકીય પાંખ એવી એસડીપીઆઈ કેટલી આક્રમક અને કટ્ટરવાદી છે તેનો અંદાજ આવી જાય. દોઢેક મહિના પહેલાં કેરળના અલપુઝા જિલ્લામાં 12 કલાકના ગાળામાં જ બે ટોચના નેતાઓની હત્યાની ઘટનાએ આખા દેશને ચોંકાવી દીધો હતો. આ બંને ઘટનામાં એસડીપીઆઈની સંડોવણી હતી. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના કેરળ પ્રદેશ મંત્રી કે.એસ. શાન પર રાત્રે કેટલાક લોકોએ હુમલો કરીને પતાવી દીધા હતા. શાન પોતાનું કામ પતાવીને સમી સાંજે બાઇક પર ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે એક કારે તેમને ટક્કર મારીને ઉડાવ્યા ને પછી કારમાંથી ઉતરેલા હુમલાખોરોએ તેમના પર છરી વડે ઉપરાછાપરી વાર કરીને અધમૂઆ કરી નાખ્યા.શાનની બૂમાબૂમથી લોકો ભેગાં થઈ ગયાં તેમાં હુમલાખોરો ભાગી ગયા પણ એ પહેલાં શાનને એ હદે ઘાયલ કરીને ગયેલા કે એ બચી જ ન શકે. લોકો શાનને ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં લઈ તો ગયા પણ તેમને બચાવી ન શકાયા. અલપુઝા જિલ્લામાં એસડીપીઆઈનું વર્ચસ્વ છે તેથી 12 કલાકમાં જ તેના પડઘા પડ્યા. બીજા દિવસે સવારે જ ભાજપ ઓબીસી મોરચાના પ્રદેશ મંત્રી એડવોકેટ રણજીત શ્રીનિવાસના ઘરે કેટલાક લોકો ઘૂસી ગયા ને રણજીત શ્રીનિવાસનને લટકાવીને પતાવી દીધા. શ્રીનિવાસન મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે જ ઘરમાં ઘૂસેલા હુમલાખોરો રણજીત શ્રીનિવાસન જીવતા ન રહે તેની ખાતરી કરીને પછી જ ગયા. રણજીત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા હતા પણ હારી ગયા હતા. એસડીપીઆઈએ તેમની હત્યા કરાવી હોવાના આક્ષેપો થયેલા. રાજકીય હત્યાઓમાં કશું થતું નથી તેથી રણજીતની હત્યામાં પણ કંઈ ન થયું પણ એસડીપીઆઈ ક્યા પ્રકારનું રાજકીય કલ્ચર ફેલાવવા માગે છે તેનો આ ઘટના પુરાવો હતી. કર્ણાટકમાં આવાં પરિબળો ન ફાવે એટલા માટે બોમ્માઈ સરકારે કડક હાથે કામ લેવું જોઈએ.