કલેકટરશ્રીના મોનીટરીંગ સેલને બિરદાવતા આરોગ્ય કમિશ્નર

  • અમરેલીની મુલાકાતે આવેલ રાજ્યના આરોગ્ય કમિશ્નરે મેડીકલ કોલેજ અને શાંતાબા ગજેરા હોસ્પિટલની મુલાકાત લઇ સંતોષ વ્યક્ત કર્યો
  • ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા શ્રી શિવહરે
  • જિલ્લામાં વધુમાં વધુ કોરોના ટેસ્ટ થાય અને કોરોના પોઝિટિવ દર્દીઓને સારી ટ્રીટમેન્ટ મળતી રહે એ દિશામાં કાર્ય કરવા આરોગ્ય કર્મીઓને સૂચના આપતા આરોગ્ય કમિશ્નર
  • આરોગ્ય કમિશ્નરની મુલાકાતથી ગણતરીના કલાકોમાં ન મળતા ઇંજેક્શનો સિવીલને મળ્યા

અમરેલી,
અમરેલી જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરેએ આજે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીની ચેમ્બર અડીને સીસીટીવી કેમેરાથી કોરોનાગ્રસ્ત દર્દીની દેખરેખ માટે તૈયાર કરાયેલા મોનીટરીંગ સેલની મુલાકાત લીધી હતી અને અમરેલીની શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજના કોવિડ વિભાગની મુલાકાત લઇ દર્દીઓને અપાતી સેવા અને હોસ્પિટલની સ્વચ્છતા તથા સુવિધાઓથી સંતોષ વ્યક્ત કરી આરોગ્ય તંત્રને આપેલી સુચનાને પગલે હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓ માટે વપરાતા ઇંજેક્શનો ઉપલબ્ધ કરાવવાની તાકિદ કરતા જેમ નાયક ફિલ્મમાં બને છે તેમ આરોગ્ય તંત્ર દ્વારા તાકિદે હોસ્પિટલને આ જથ્થો પુરો પાડવામાં આવ્યો હતો. શાંતાબા ગજેરા હોસ્પિટલની મુલાકાત વખતે કલેકટરશ્રી આયુષ ઓક, હોસ્પિટલના કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુભાઇ ધાનાણી, સુપ્રીટેન્ડેન્ટ ડો. શોભનાબેન મહેતા, સિવીલ સર્જન વિગેરે જોડાયા હતા શ્રી જયપ્રકાશ શિવહરેએ મેડીકલ કોલેજની પણ મુલાકાત લઇ અને ત્યાંની સુવિધાઓ જોઇ અને ગજેરા ટ્રસ્ટને બિરદાવ્યુ હતુ.
અમરેલી જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરેએ આજે અમરેલીની સિવિલ હોસ્પિટલ, કોવીડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.આરોગ્ય કમિશનરશ્રીએ સિવિલ હોસ્પિટલ, કોવિડ હોસ્પિટલના કોરોના વોર્ડની મુલાકાત લઈને સ્થાનિક તબીબો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી. તેમણે દર્દીઓને અપાતી સારવાર અને સવલતોથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આરોગ્ય કમિશનરશ્રી કોરોના વોર્ડમાં સેવારત ડોક્ટર, નર્સ સહિતના તમામ આરોગ્ય કર્મીઓ અને સફાઈ કર્મચારીઓને વ્યક્તિગત મળ્યા હતા અને તેમની સેવાઓને બિરદાવી હતી. તેમણે તમામને સાંભળીને વધુ સારી સેવાઓ માટેના સૂચનો પણ આવકાર્યા હતા. તેમણે તમામ સંસાધનોની પૂર્તતા પણ સુનિશ્ચિત કરી હતી. દર્દીઓ અને સ્ટાફ સાથેની રૂબરૂ મુલાકાત વેળાએ તમામના પરિવારજનોની સુવિધા પણ સચવાય એ માટે હોસ્પિટલ તંત્રએ લીધેલા તમામ પગલા અને હોસ્પિટલની સંવેદનશીલતાને પણ તેમણે બિરદાવી હતી.આ ઉપરાંત તંત્ર સાથેની બેઠકમાં અમરેલી વહીવટી તંત્રના પ્રયત્નોને બિરદાવતા આરોગ્ય કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે લાંબા સમય સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ લોકડાઉનમાં આંશિક છૂટછાટ બાદ સુરત અને અમદાવાદથી મોટા પ્રમાણમાં લોકોની અવર જવર ચાલુ થતા કેસોની સંખ્યા વધી હતી. જિલ્લા વહીવટી તંત્ર વધુમાં વધુ ટેસ્ટ કરીને એક-એક કેસને ડિટેકટ કરવામાં સફળ રહ્યું છે. ધનવંતરી રથ અને નિયંત્રણના અન્ય પગલાંઓ થકી એકંદરે કોરોના સામે લડત આપવા સ્થાનિક તંત્ર સફળ રહ્યું છે. આવી જ રીતે જિલ્લામાં વધુમાં વધુ ટેસ્ટ થાય અને કોરોના પોઝિટિવ દર્દીઓને સારી ટ્રીટમેન્ટ મળતી રહે એ દિશામાં કાર્ય કરવા આરોગ્ય કર્મીઓને સૂચના આપવામાં આવી હતી.સીસીટીવી કેમેરાથી કોરોનાગ્રસ્ત દર્દીની દેખરેખ માટે તૈયાર થયેલા મોનીટરીંગ સેલના જિલ્લા વહીવટી તંત્રના આ નવતર પ્રયોગને બિરદાવતા કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે અમરેલીની કોવીડ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના સીસીટીવી કેમેરાના દ્રશ્યો થકી એકે-એક વોર્ડ/ બેડ ઉપર દેખરેખ રાખવાનો આ પ્રયોગ ખુબ જ પ્રશંસનીય છે. ઓછા સ્ટાફથી એક જ સમયે તમામ વોર્ડનું મોનીટરીંગ થાય છે અને આ પ્રયોગથી સાફ-સફાઈ/ સેનિટાઇઝેશનની કામગીરી પણ સારી રીતે થાય છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું.બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે પ્રેઝન્ટેશનના માધ્યમથી અમરેલી જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા, સરકારી તથા પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોવિડના બેડ, આઈસીયુ, દવાના જથ્થાની ઉપલબ્ધતા, કન્ટેઈનમેન્ટ ઝોન, હોમિયોપેથીક તથા આયુર્વેદની દવાઓના વિતરણ તથા બહારથી આવતા લોકોને કોરોન્ટાઈન કરવાની કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી. અમરેલી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, ડોકટરશ્રીઓ તથા અન્ય આરોગ્ય કર્મીઓઓ એક ટીમ તરીકેની કામગીરી કરી રહ્યા છે જે બદલ સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી.આ બેઠકમાં અધિક કલેક્ટરશ્રી એ. બી. પાંડોર, પ્રાંત અધિકારી શ્રી સી. કે ઉંધાડ, પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહિલ, પ્રાંત અધિકારી શ્રી કે. એસ. ડાભી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, કોવીડ હોસ્પિટલના ડો. બી. એલ. ડાભી,, કોવીડ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના તબીબો સહિતના તમામ આરોગ્યકર્મીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.