કાતિલ ઠંડી: ડીસામાં ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આબુમાં માઇનસ ૪.ડિગ્રી તાપમાન

  • ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી, અનેક શહેરોમાં પારો ૧૦થી નીચે

 

ગુજરાતમાં ઉત્તર તરફના પવન ફૂંકાય રહૃાા છે. ઠંડા પવન ફૂંકાતા લઘુતમ તાપમાન ઘટ્યું છે, જેના પગલે હાલ હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહૃાો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉકટર જ્યંત સરકારે જણાવ્યું છે કે, આગામી ૪૮ કલાક ઠંડીનું પ્રમાણ યથાવત રહશે. કચ્છ, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં શીત લહેર ફરી વળશે. આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનું જોર વધતા જન-જીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે માઉન્ટ આબુનું તાપમાન માઈનસ ૪.૦૫ ડિગ્રી નોંધાતા સહેલાણીઓ અને સ્થાનિક લોકો પણ ઠંડીમાં ઠુંઠવાયા હતા.

રાજ્યમાં ઠંડા પવન ફૂંકાતા લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે. ડીસાનું લઘુતમ તાપમાન ૬.૬ ડીગ્રી નોંધાયું છે. આજે ડીસામાં ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ડીસામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૬.૬ ડીગ્રીથી નીચું તાપમાન નોંધાયું નથી. ડીસામાં સૌથી વધુ ઠંડી ૧૯૮૬ના વર્ષમાં અનુભવાય હતી. ૧૪ ડિસેમ્બર, ૧૯૮૬ના રોજ અહીં ૨.૨ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે ઓલ ટાઈમ રેકોર્ડ બની ગયો છે.

બીજી તરફ રાજ્યમાં ઠંડીનું જોર વધતા નલિયા શહેરમં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. નલિયાનું લઘુતમ તાપમાન ૨.૭ ડીગ્રી નોંધાયું છે. અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન ઘટીને ૧૦.૨ ડીગ્રીએ પહોંચ્યું છે. ડીસાનું લઘુતમ તાપમાન ૬.૬ ડીગ્રી, વડોદરાનું લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રી, કેશોદનું તાપમાન ૬.૨ ડીગ્રી, ભુજનું લઘુતમ તાપમાન ૯ ડીગ્રી તો ગાંધીનગરનું લઘુતમ તાપમાન ૭.૫ ડીગ્રી નોંધાયું છે.

આ સાથે અન્ય શહેરોનું તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. હાલ લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહૃાા છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી બે દિવસ ઠંડીનું પ્રમાણ યથાવત રહશે. ૩૧ ડિસેમ્બરથી ઠંડીમાં થોડો ઘટાડો નોંધાશે.

કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી છે. જેની સીધી અસર ગુજરાત અને રાજસ્થાનમાં પણ જોવા મળે છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમા તાપમાનનો પારો ગગડી ગયો છે. આજે આબુમાં માઇનસ ૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આબુમાં શીત લહેર પ્રસરી જતા સહેલાણીઓ પણ ગરમ કપડાં લપેટાઈ ગયા હતા. ખાસ કરીને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ગુજરાતમાંથી પણ અનેક લોકો માઉન્ટ આબુ જતા હોય છે. એવામાં આ વખતે રેકોર્ડબ્રેક ઠંડી નોંધાતા સહેલાણીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહૃાો છે.