કાયમી જુગારના બારમાસી અડ્ડા છે એને પોલીસ તંત્ર કેમ ચલાવી લે છે ?

જુગાર અને દારૂની લત લાગે, તેનું વ્યસન થઈ જાય અને તેની પાછળ ઘર-પરિવાર બરબાદ થઈ જાય છે, તે હકીકત છે અને તેના કારણે જ રાજયમાં કડક દારૂબંધી છે અને જુગાર રમવા પર પ્રતિબંધ છે. જુગારના ઘણાં પ્રકારો છે. અમરેલીમાં પણ રતનખત્રીના સમયથી આંકડા રમાતા આવ્યા છે. ક્રિકેટ પર રમાતો જુગાર, વર્લી-મટકાનો જુગાર, શેરબજાર, ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગ, ઘોડી-પાસા અને રમીનો જુગાર, એકી-બેકીના જુગાર અને ચૂંટણીઓ સમયે ઉમેદવારો, રાજકીય પક્ષોનો હારજીતનો જુગાર વગેરે જુગારના વિવિધ પ્રકારો છે.
રાજયમાં કેટલાક સ્થળે તો ઘોડારેસ, ગાડારેસ અને રોડ પરથી પસાર થતા વાહનોના એકી-બેકી નંબર આધારિત જુગાર પણ રમાય છે. અમરેલી અને સૌરાષ્ટ્રમાં લગભગ તમામ પ્રકારના જુગાર પ્રચલિત છે. આ કારણે શ્રમિકો અને મધ્યમવર્ગથી માંડીને શ્રીમંતોના નબીરાઓ પણ બરબાદ થયા હોવાના દૃષ્ટાંતો છે, અનેક પરિવારો આ બદીના કારણે બરબાદ થાય છે અને તેના પર અંકુશ લાવવા પોલીસ તંત્ર કડક પગલાં ભરે તે આવકારદાયક અને જરૂરી પણ છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્રમાં જુગારના દરોડ પડ્યા અને કેટલાક લોકો પકડાયા છે. કેટલાક લોકો બારેમાસ જુગાર રમાડવાનો વ્યવસાય કરતા હોય છે, અને જુગાર રમાડતા પણ હોય છે. આ પ્રકારની નાની-મોટી ગેમ્બલિંગ ક્લબો ઠેર-ઠેર ધમધમતી હોય છે.
દુ:ખની વાત એ છે કે, આ પ્રકારના બારેય માસ ધમધમતા જુગારના મોટા અડ્ડા ક્યારેય નામશેષ થતા નથી અને ધમધમતા રહે છે, પરંતુ શ્રાવણ મહિનો નજીક આવે એટલે ઘણી વખત કેટલાક સ્થળોએ પોતાના ઘરમાં જ પરિવારના સભ્યો મનોરંજન માટે પાંચ-પચાસ રૂપિયાનો જુગાર રમતા હોય તેના પર પોલીસ ત્રાટકે છે. આ પ્રકારનો જુગાર રમ્યા પછી જે હારજીત થાય, તે પરિવારમાં જ રહે છે, અને આ કોઈ હેબીટ્યુયસ એટલે કે, આદત કે લત લાગવાથી રમાતો બારમાસી જુગાર હોતો નથી, પરંતુ માત્ર મનોરંજન માટે ઘર-પરિવારના સભ્યો વચ્ચે રમાતો પ્રાસંગિક જુગાર હોય છે, અને તે માત્ર સાતમ-આઠમના શ્રાવણિયા તહેવારો દરમિયાન જ રમાતો હોય છે.
કોઈપણ પ્રકારના જુગારની ક્યારેય તરફેણ કે બચાવ ન થઈ શકે, અને કાનૂની કાર્યવાહીનોે વિરોધ પણ ન થઈ શકે, પરંતુ જ્યારે બારમાસી જુગાર ચોતરફ ધમધમતા હોય, તેના કારણે લાખો પરિવાર બરબાદ થઈ રહ્યાં હોય અને ધંધાદારી ધોરણે ક્લબો ધમધમતી હોય, તેને નેસ્તનાબૂદ કરવાના બદલે માત્ર મનોરંજન માટે ઘરેલું નાની-મોટી રમત રમાતી હોય, તેના પર ત્રાટકવું, એ ભેદભાવભરી નીતિરીતિ છે. આવા દરોડાઓ પડ્યા પછી પણ તેમાં કેવી અને કેટલી બાંધછોડ, ગરબડ અને આઘાપાછી થતી હોય છે, તેની ચર્ચાઓ પણ કોઈથી છુપછી નથી. આ માત્ર જામનગર, હાલાર નહીં, પણ રાજયવ્યાપી ચર્ચા છે અને તે “ઓપન સિક્રેટ” પણ છે.
પોલીસ તંત્ર ગામો-શહેરોમાં દરોડા પાડે, મોટા-મોટા જુગારખાના ઝડપે, નાલ લઈને રમાડાતો જુગાર બંધ કરાવે અને જુગારની વિનાશક બદીને નિર્મુળ કરવા નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરે તેને જન-જનનો આવકાર મળે અને તે અનિવાર્ય પણ છે, પરંતુ જ્યારે આનંદ-પ્રમોદ કે મનોરંજનની ખાતર ઘરેલું નાની-મોટી જુગારની રમત પર ત્રાટકીને કેટલાક સ્થળે જે નવા ખેલ મંડાતા હોય છે, તેની સામે જનતા પણ નારાજ થતી હોય છે.
દુ:ખની વાત એ છે કે, શ્રાવણ મહિનાના તહેવારો દરમિયાન નિર્દોષ ભાવે મનોરંજન ખાતર રમાતા જુગાર પર ત્રાટકવા જાણે તૈયાર હોય તેમ પોલીસ તંત્ર ઘણાં સ્થળે શ્રાવણ મહિનામાં કે તહેવારોના ટાણે જ ત્રાટકે છે અને કેટલાક ઘરેલું જુગાર રમતા પરિવારજનો ઝડપાય છે. અલબત્ત, કોઈ પણ પ્રકારના જુગારનો બચાવ ન થઈ શકે, પરંતુ તહેવારો ટાણે થોડો વ્યવહારૂઅભિગમ પણ જરૃરી છે. શ્રાવણ મહિના જેવો અભિગમ જો કાયમ દાખવવામાં આવે, અને મોટા-મોટા જુગાર ધામો પર વારંવાર દરોડા પડે, તો આ ખતરનાક બારમાસી જુગારની બદી નેસ્તનાબૂદ થઈ જાય, પરંતુ નિર્દોષ માછલીઓને પકડીને રીઢા મગરમચ્છોને છોડી દેવા જેવો અભિગમ ઘણા સ્થળે દાખવાતો હોય છે, જે કોઈ પણ રીતે યોગ્ય નથી.
પોલીસતંત્રમાં ઘણા બધા પ્રામાણિક અધિકારી-કર્મચારીઓ છે, પરંતુ કેટલાક મૂઠ્ઠીભર અમલદારો કે પોલીસકર્મીઓની મીઠી નજર હેઠળ દારૃ-જુગાર જેવી પ્રવૃત્તિઓ ચાલતી રહેતી હોય છે, તે ઓપન સિક્રેટ છે, એવું પણ કહેવાય છે કે જુગારની ક્લબો ચલાવતા અને વિવિધ પ્રકારનો જુગાર રમાડતા લોકો દ્વારા હપ્તા સિસ્ટમ પણ ચાલતી હોય છે અને મોટા માથાઓ તથા રાજકીય ભલામણો હેઠળ ભેદભાવપૂર્વકની કાર્યપદ્ધતિ અપનાવાતી હોય છેે. જો પોલીસતંત્ર તહેવારો ટાણે મનોરંજન માટે રમાતા ઘરેલુ જુગારના સંદર્ભે વ્યવહારુ બનીને કાર્યવાહી કરશે અને મોટા માથાઓ તથા બારમાસી જુગારધામો સામે કડક કાર્યવાહી કરવાનું કાયમી ધોરણે ચાલુ રાખશે, તો પ્રચંડ જનસમર્થન પણ મળશે. આ વખતે કોરોનાના કારણે કદાચ મેળાઓ યોજાશે જ નહીં, અને કોઈ થોડી ઘણી છૂટછાટ મળશે, તો પણ લોકો માટે સામૂહિક રીતે બહાર નીકળવું યોગ્ય નહીં હોય. આ કારણે સાતમ-આઠમના તહેવારોમાં લોકોને વધુ ઘરમાં જ રહેવું પડશે અને કચેરીઓમાં રજાઓ પણ રહેશે. આ સંજોગોમાં લોકો ઘરમાં મનોરંજન માટે નાનો-મોટો ઘરેલું જુગાર રમતા હોય તો વ્યવહારુ અભિગમ દાખવવાનું ઈચ્છનિય રહેશે. જો કે, કાયમી જુગાર ધામો ચલાવતા કે જુગારની લત પડી હોવાના ક્લબોમાં ચાલતા જુગારને ડામવા પણ એટલો જ જરૂર રી છે