કાલે અમરેલીમાં મૃત્યુ પામેલા 7 દર્દીમાંથી વધુ 2 દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

  • રાજુલાના ખારી, સાપર, અમરેલીના લાઠી રોડના દર્દી કોરોના પોઝિટિવ હતા
  • જાફરાબાદના પીપળીકાંઠા અને અમરેલીના મોટા ભંડારીયાના મૃત્યુ પામેલા દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો : મંગળવારે 24 કલાકમાં પાંચ પોઝિટિવના મૃત્યું

અમરેલી,
મંગળવારે રાજુલાના ખારી, બગસરાના સાપર અને અમરેલીના લાઠી રોડ વૃંદાવન પાર્કના દર્દીના મૃત્યુ થયા હતા તે કોરોના પોઝિટિવ હતા પરંતુ આ ઉપરાંત બીજા ચાર મૃત્યુ થયા હતા જેમાં આજે વધ્ાુ બે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જાફરાબાદના પીપળીકાંઠાનાં 50 વર્ષના કાનજીભાઇ બાંભણીયા અને અમરેલીના મોટા ભંડારીયાના ભીખાભાઇ કસવાળાનું ગઇ કાલે મૃત્યુ નીપજ્યું હતુ આ બંનેનો કોરોના રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો છે એ સાથે જ મંગળવારે 24 કલાકમાં પાંચ પોઝિટિવ દર્દીના મૃત્યું નીપજ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીના તારવાડી સ્વાર્ટસના વૃધ્ધા અને ડેડાણના મહિલા એમ બે કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુ થયા હતા અને બીજા પાંચ ઉપરના મળી ત્રણ દિવસમાં કુલ સાત પોઝિટિવ દર્દીઓના મૃત્યુ થયા છે.
કોવિડની ગાઇડલાઇન પ્રમાણે જેને બીજી બિમારી હોય તેવા પોઝિટિવનું મૃત્યુ થાય તો તેને કોવિડમાં ગણવા કે કેમ તે કમિટિ નક્કી કરે પણ છેલ્લા 10 થી 15 દિવસથી આરોગ્ય તંત્રનો આંકડો 16 ઉપર સ્થિર થઇ ગયો છે. હકીકતમાં પોઝિટિવ દર્દીની મૃત્યુની સંખ્યા 23 થઇ છે આમા ગાઇડલાઇન પ્રમાણે કદાચ 16 રહેતા હોય તો આરોગ્ય તંત્રએ લોકોને આ રોગની ગંભીરતા સમજાય તેના માટે આંકડા જાહેર કરવા જોઇએ એ પણ ઉલ્લેખનીય છે કે આરોગ્ય તંત્ર દ્વારા સઘન સારવાર થઇ જ રહી છે પણ જો આંકડા જાહેર ન થાય તો લોકોને કોરોનાની ઘાતકતા નહી સમજાય અને વધ્ાુ લોકો તેનો ભોગ બનશે.