વીક-એન્ડમાં બે દિવસમાં થયેલી ચાર હત્યા સાથે જમ્મુ કાશ્મીમાં છેલ્લા એક મહિનામાં મોતને ભેટેલા લોકોનો આંકડો ૧૨ પર પહોંચ્યો છે. આ બધી ઘટનાઓમાં આઘાતજનક વાત એ છે કે, આંતકવાદીઓએ જેમને પણ માર્યા એ બધાંને ઘરમાં ઘૂસીને બહુ ક્રૂરતાથી માર્યા છે. આતંકવાદીઓએ આ રીતે હિંદુ-શીખની સાથે સાથે બિન-કાશ્મીરીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કરીને એક ખતરનાક રમત શરૂ કરી છે. આ ખતરનાક રમતને રોકવામાં આપણી સરકાર નિષ્ફળ સાબિત થઈ રહી છે એ હકીકત છે. સરકાર દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે, કાશ્મીર ખીણમાં ભારતીય સુરક્ષા દળના ઓપરેશનથી આંતકવાદીઓ અકળાયા છે તેથી નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યાં છે.
ભારતીય લશ્કરનો મુકાબલો કરવામાં નિષ્ફળ આતંકીઓએ પોતાનો પ્રભાવ જળવાય અને લોકોમાં ડર પેદા થાય એ માટે ટાર્ગેટ કિલિંગ શરૂ કર્યું છે. ટાર્ગેટ કિલિંગ આતંકીઓ માટે ખૂબ જ સરળ છે. તેના માટે
મોટી આતંકવાદી ટોળીની જરૂર નથી પડતી કે મોટા પ્રમાણમાં હથિયારો પણ ના જોઈએ. બિન કાશ્મીરી ક્યાં રહે છે તેની માહિતી મેળવી લેવાની ને પછી એક-બે આતંકવાદી જઈને તેને ગોળી મારીને રફુચક્કર થઈ જાય.
આ વાત સાચી છે કે નહીં તેની ચર્ચામાં આપણે પડતા નથી પણ આ રીતે થઈ રહેલાં ટાર્ગેટ કિલિંગના કારણે લોકોમાં ડર તો પેદા થઈ જ રહ્યો છે. ખાસ કરીને બહારથી આવતાં લોકો તો ફફડી જ ગયા છે. આ રીતે બહારનાં લોકોને નિશાન બનાવીને હત્યા કરી દેવાય તો બીજાં રાજ્યોમાંથી આવનારાં લોકો કાશ્મીર આવતાં ફફડવાનાં જ.
સરકારના દાવા પ્રમાણે કાશ્મીર ખીણમાં ભારતીય સુરક્ષાદળના ઓપરેશનથી આતંકીઓ ફફડ્યા છે કે નહીં તેની ખબર નથી પણ નુકસાન તો વધારે આપણે જ વેઠી રહ્યા છીએ. આતંકવાદીઓ કરતાં નાગરિકો વધારે મરી રહ્યા છે એ હકીકત છે. તેના કારણે પણ ડર વધશે જ ને એ ડર દૂર કરવાનો ઈલાજ કરવો જરૂરી છે. સરકારે બીજી પણ એક વાત પર ધ્યાન આપવું પડે. આ રીતે થઈ રહેલાં ટાર્ગેટ કિલિંગ તો ખતરનાક છે જ પણ તેના કરતાં વધારે ખતરનાક રમત આ હત્યાઓને યોગ્ય ઠેરવવા માટે કરાઈ રહેલો કુપ્રચાર છે. આ હુમલાની જવાબદારી યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ (યુએલએફ) નામના અચાનક ફૂટી નીકળેલા સંગઠને લીધી છે. કાશ્મીરમાં આતંકવાદ ફેલાવતાં લશ્કરે તોયબા કે જૈશ એ મહંમદ જેવા સંગઠનોનાં નામ આપણે સાંભળ્યાં છે પણ યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ક્યાંથી આવી ગયું એ કોઈને જ ખબર નથી.
આ સંગઠને દાવો કર્યો છે કે, ભારતમાં હિંદુવાદી પરિબળો દ્વારા મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારોનો બદલો લેવા માટે આ હુમલા કરાઈ રહ્યા છે. યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ નામના આ સંગઠનનો દાવો છે કે, હિંદુવાદી પરિબળો દેશભરમાં મુસ્લિમોને લટકાવી લટકાવીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. એકલા બિહારમાં જ છેલ્લા એક વર્ષમાં ૨૦૦ મુસ્લિમોને આ રીતે લટકાવીને મારી નાખ્યા હોવાનો યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટનો દાવો છે જે ખરેખર ગપ્પાબાજી જ છે. યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટે મુસ્લિમોનું હિંદુવાદી પરિબળો દ્વારા લિચિંગ કરીને નિકંદન કઢાઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ વાત સાવ મોં-માથા વિનાની છે ને ૨૦૦ મુસ્લિમોની વાત છોડો પણ બિહારમાં કેટલાંય વરસોમાં લિચિંગની કોઈ ઘટના જ નથી બની. મુસ્લિમોનું નિકંદન કઢાતું હોવાની વાત છોડો પણ કોમી કારણોસર કોઈ મુસ્લિમની હત્યા કરાઈ એવી ઘટના પણ છેલ્લા એક વર્ષમાં બિહારમાં નોંધાઈ નથી.
બિહારમાં બે વર્ષ પહેલાં મુઝફ્ફરપુરમાં આવી ઘટના બનેલી પણ એ જૂની વાત છે. મુઝફ્ફરપુરમાં આ અપકૃત્ય કરનારાં ૪૯ લોકો સામે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો ને એ પછી એવી કોઈ ઘટના બની નથી. બિહારની વાત છોડો પણ બીજા કોઈ રાજ્યમાં પણ મુસ્લિમને લિચિંગ કરીને મારી નખાયા હોય એવી કોઈ ઘટના કમ સે કમ છેલ્લા એક વર્ષમાં તો બની નથી જ. યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ એ રીતે હળાહળ જૂઠાણું ફેલાવી રહ્યું છે ને મુસ્લિમોના માનસમાં ઝેર ભરવા મથી રહ્યું છે.
આ રમત એકદમ ગંદી ને ખતરનાક છે. તેનાં બહુ માઠાં પરિણામ આવી શકે છે. ગુજરાતનાં ૨૦૦૨ના કોમી રમખાણો કે એ પહેલાં બાબરી ધ્વંસ વખતે થયેલાં તોફાનો વખતે આ રીતે મુસ્લિમો પર અત્યાચારની ખોટી વાતો ફેલાવીને મુસ્લિમોનાં માનસમાં ઝેર ભરાયેલાં. તેના પરિણામ શું આવ્યું એ આપણી નજર સામે છે.
આ વાતો એક વાર લોકોના મનમાં ઘૂસી જાય પછી લોકોનો કોઈ પણ મુદ્દાને જોવાનો અભિગમ બદલાઈ જતો હોય છે. કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય એ રીતે જેના માનસમાં હિંદુવાદી પરિબળો મુસ્લિમોને પતાવી રહ્યા છે એ વાત ઘૂસી જાય એ પછી બધી વાતોને એ જ રીતે જોવા માંડે. તેને પછી બીજું કંઈ ના દેખાય ને તેનું માનસ કોમવાદી બની જાય. આ સ્થિતિ દેશમાં કોઈના માટે ફાયદાકારક નથી એ જોતાં કાશ્મીરમાં સામાન્ય લોકોની થઈ રહેલી હત્યા રોકવી જેટલી જરૂરી છે એટલું જ જરૂરી આ કુપ્રચારને રોકવો પણ છે.
મોદી સરકારે બંધારણની કલમ ૩૭૦ ને કલમ ૩૫એ નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો પછી પાકિસ્તાન ને તેના દલાલો સતત એવી વાતો ફેલાવી રહ્યા છે કે, બંધારણની ૩૭૦મી કલમ અને કલમ ૩૫એ નાબૂદ કરીને ભારતે કાશ્મીરીઓના અધિકાર છિનવી લીધા છે.
ભારત હવે કાશ્મીરમાં બહારથી લોકોને લાવીને ઠાલવશે ને તેના કારણે કાશ્મીરીયત ખતમ થઈ જશે, કાશ્મીરીઓની ઓળખ હવે પતી જશે. જમ્મુ અને કાશ્મીર ને વિશેષ તો કાશ્મીર ખીણના રાજકારણીઓની દુકાન આ નિર્ણયોના કારણે બંધ થઈ ગઈ છે તેથી એ બધા પણ લોકોના મનમાં આ પ્રકારનાં ભૂસાં ભર્યા કરે છે. તેના કારણે કાશ્મીરીઓના મનમાં આશંકાઓ વધી છે. તેમાં હવે ધર્મના નામે આ પ્રકારનો કુપ્રચાર ચાલે તો કાશ્મીરીઓના મનમાં જ નહીં પણ દેશના બીજા મુસ્લિમોના મનમાં પણ શંકાઓ થયા કરશે. આ કુપ્રચાર એ રીતે માત્ર કાશ્મીર જ નહીં પણ આખા દેશ માટે ખતરનાક છે. આ કુપ્રચારને મોદી સરકાર કઈ રીતે રોકશે એ ખબર નથી પણ જેમ બને તેમ ઝડપથી આ કામ કરવું જોઈએ. સોશિયલ મીડિયાના જમાનામાં ઝેર ઝડપથી ફેલાય છે એ જોતાં આ ઝેર ફેલાય એ પહેલાં તેનો ઈલાજ જરૂરી છે.