કિરણ બેદી જેવા હોનહાર મહિલાની હકાલપટ્ટીથી અધિકારી લોબી સ્તબ્ધ

આપણે ત્યાં અધિકારીઓ રાજકારણમાં આવે છે ને પછી જ્યારે એમની હકાલપટ્ટી થાય છે ત્યારે તેમણે પસ્તાવાનો વારો આવે છે. રાજકારણમાં ક્યારે શું બને એ નક્કી નહીં ને પોંડિચેરીમાં બનેલી ઘટના તેનો પુરાવો છે. પોંડિચેરીમાં કોંગ્રેસના નારાયણસામી મુખ્યમંત્રી છે ને એપ્રિલ-મે મહિનામાં પાંચ રાજ્યોની ચૂંટણી છે તેમાં એક રાજ્ય પોંડિચેરી પણ છે. પોંડિચેરી વિધાનસભાની મુદત પૂરી થવા આડે ગણીને બે મહિના બચ્યા છે ને નારાયણસામી મુખ્યમંત્રીપદે પાંચ વર્ષ પૂરાં કરે નક્કી જ મનાતું હતું ત્યાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ બળવો કર્યો તેમાં નારાયણસામી ઘરભેગા થઈ જાય એવી હાલત થઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં પડેલા નારાયણસામીએ પોતાની ગાદી બચાવવી પડે એવા દિવસો આવી ગયા છે. રઘવાયા બનેલા નારાયણસામી ગાદી બચાવવા દોડાદોડી કરી રહ્યા છે ને નારાયણસામીનું શું થશે તેના પર સૌની મીટ મંડાયેલી છે ત્યાં નારાયણસામીની સામે પડેલાં કિરણ બેદી રવાના થઈ ગયાં.
કિરણ બેદી પોંડિચેરીનાં લેફ્નન્ટ ગવર્નર હતાં ને નારાયણસામી સાથે તેમને લાંબા સમયથી જંગ જામેલો જ હતો. કિરણ બેદી નરેન્દ્ર મોદી સરકારના ઈશારે પોતાની સરકારને હેરાન કરે છે એવા આક્ષેપો કરીને નારાયણસામી તેમને હટાવવાની માંગ કર્યા કરતા હતા પણ મોદી સરકાર તેમની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખતી હતી. તેના કારણે એવી છાપ પડેલી કે, કિરણ બેદી જે કંઈ કરે છે એ મોદી સરકારના ઈશારે જ કરે છે ને નારાયણસામી કે કોંગ્રેસીઓ તૂટીને ત્રણ થઈ જશે તો પણ કિરણ બેદીને કોઈ નુકસાન નહીં કરી શકે ને નારાયણસામીએ ઘરભેગા થવાનો વારો આવશે.
આ તો ધારણા કરતાં ઊલટું થઈ ગયું ને નારાયણસામી જશે કે નહીં એ નક્કી નથી ત્યાં મોદી સરકારે રાતોરાત કિરણ બેદીને ઘરભેગા કરી દીધાં. મંગળવારે રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કાગળ મોકલીને કિરણ બેદીને તાત્કાલિક રીતે જ છૂટા કરવા ફરમાન કરી દીધું. કિરણ બેદી મંગળવારે સાંજે પોંડિચેરીમાં કોરોના વેક્સિનેશન ઝુંબેશની હાલત શું છે એ મુદ્દે બેઠક કરી રહ્યાં હતાં ને રાષ્ટ્રપતિ ભવનમાંથી તેમને છૂટા કરાયા છે એવું ફરફરિયું આવી ગયું. કિરણ બેદી કંઈ સમજે એ પહેલાં તો તેમને બિસ્તરાં-પોટલાં બાંધીને રાજભવન છોડવા કહી દેવાયું. રાષ્ટ્રપતિએ તેલંગણાનાં રાજ્યપાલ તમિલિસાઈ સૌંદર્યરાજનને કાયમી ગોઠવણ ના થાય ત્યાં સુધી પોંડિચેરીનાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો ચાર્જ લેવા પણ ફરમાન કરી દીધું છે.
મોદી સરકાર કિરણ બેદીનું શું કરશે એ નક્કી નથી., કિરણ બેદીને બીજે કોઈ ઠેકાણે મુકાશે એવો કોઈ સંકેત અત્યારે તો મળતો નથી પણ માનો કે મૂકાય તો પણ તેમને જે રીતે દૂર કરાયા તેના પરથી તેમને હવે કોઈ હોદ્દા પર મુકાય એવી શક્યતા નથી. રાજકારણમાં ગમે તે બની શકે ને રાજકારણીઓ ગમે ત્યારે ગમે તે નક્કી કરી શકે એ જોતાં કાલે મોદીનો વિચાર બદલાય તો કિરણ બેદીના દિવસો ફરી જાય એવું પણ બને પણ અત્યારે તો તેમને હડધૂત કરીને તગેડી મુકાયાં છે એ હકીકત છે. એક રાજ્યનાં લેફ્ટનન્ટ ગવર્નરને આ રીતે રાતોરાત હોદ્દા પરથી કાઢી મુકાય ને તેના માટે કોઈ નક્કર કારણ ના અપાય એ અપમાનજનક જ કહેવાય.
આ રીતે અપમાન કરીને તગેડી મુકાયા પછી કિરણને ફરી કશું મળે એવી આશા ન જ રખાય. અત્યારે જે સ્થિતિ છે એ જોતાં તેમનું બોર્ડ પતી ગયું હોય એવું જ લાગે છે. કિરણ બેદી જેવા જોરદાર ઈમેજ ધરાવતાં નેતા માટે આ શરમજનક સ્થિતિ છે ને તેના માટે એ પોતે જ જવાબદાર છે. રાજકારણીઓના રવાડે ચડીને તેમણે પોતાની સોનાની જાળ પાણીમાં નાંખી તેમાં બેઆબરૂ થઈ નિકળવાનો વારો આવી ગયો છે. પોલીસ અધિકારી તરીકે જેમણે જે ઈમેજ ઊભી કરી હતી એ તો ધૂળધાણી થઈ જ ગઈ. વધારામાં ભાજપની ચાપલૂસી કરવાની લ્હાયમાં હાસ્યાસ્પદ પણ બની ગયાં.
આ દેશમાં મોટા ભાગના અધિકારીઓ કરોડરજ્જુ વિનાના છે. આપણી લોકશાહીમાં ચૂંટાયેલી પાંખ કરતાં વહીવટી પાંખ પાસે વધારે સત્તાઓ છે. વહીવટી પાંખ ધારે તો આ દેશને બદલી શકે તેટલી સત્તાઓ તેમની પાસે હોય છે. કમનસીબે વહીવટી પાંખમાં મોટા ભાગના અધિકારી એવા ભરાયેલા છે કે જેમનામાં આત્મગૌરવ જ નથી ને રાજકારણીઓનાં ચરણ ચાટવામાં એ લોકો પોતાનું જીવન ધન્ય થયેલું સમજે છે. સિવિલ સર્વિસીસમાં પાસ થનારા અધિકારીઓ બુદ્ધિશાળી હોય છે. મોટા ભાગના રાજકારણીઓ કરતાં એ લોકો વધારે ભણેલા છે, તેમની પાસે વધારે બુદ્ધિ છે, તેમનામાં વધારે સમજ હોય છે પણ એ લોકોમાં એટલી લઘુતાગ્રંથિ હોય છે કે એ લોકો પોતાને રાજકારણીઓના બાપના નોકર જ માનીને વર્તે છે. આ દેશને નહીં પણ રાજકારણીઓને વફાદાર બનીને નોકરી ટકાવવી એ જ તેમનો જીવનમંત્ર છે.
આ માહોલમાં કેટલાક અધિકારીઓ અપવાદ હોય છે ને એ લોકો આ દેશને વફાદાર રહીને જ કામ કરે છે. જેને જે તોડવું હોય એ તોડી લે ને જે ઉખાડવું હોય એ ઉખાડી લે પણ અમે આ દેશના કાયદા પ્રમાણે જ વર્તીશું ને આ દેશને જ વફાદાર રહીશું એવો તેમનો મિજાજ હોય છે. કિરણ બેદી આવા અધિકારીઓમાં એક હતાં ને કિરણનો ઈતિહાસ તેમના આ મિજાજનો પુરાવો હતો. પોલીસ અધિકારી તરીકે તેમણે પોતાની જબરદસ્ત ઈમેજ બનાવી હતી, ઈજ્જત કમાયાં હતાં પણ રાજકારણમાં જઈને એ ઈજ્જતનો તેમણે કચરો કરી નાંખ્યો.
મૂળ પંજાબી કિરણ બેદી 1970માં સોશિયલ સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવ્યા પછી અમૃતસરની ખાલસા કોલેજમાં લેક્ચરર બનેલાં. એ દરમિયાન સિવિલ સર્વિસીસની તૈયારી કરી ને પહેલા જ પ્રયત્ને પાસ થઈ ગયેલાં. કિરણના પહેલાં આ દેશમાં ઘણી છોકરીઓ સિવિલ સર્વિસીસમાં પાસ થયેલી પણ તેમાંથી કોઈ આઈપીએસમાં જવાની હિંમત નહોતી બતાવી શકી. કિરણે એ હિંમત બતાવી અને 1972માં એ આઈપીએસ બન્યાં ત્યારે સૌની આંખો ફાટી ગયેલી. કિરણ દેશનાં પહેલાં મહિલા આઈપીએસ અધિકારી છે. પુરૂષોના સંપૂર્ણ વર્ચસ્વવાળા પોલીસ ખાતામાં જવાની બહુ મોટી હિંમત કિરણે બતાવેલી.
કિરણ બેદીએ પોલીસ અધિકારી તરીકે જે પરાક્રમ કર્યાં એ જોતાં તેમના માટે મર્દાની શબ્દ નાનો પડે. એક સમયે ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં આતંકવાદનો ભારે પ્રભાવ હતો. દિવસની શરૂઆત જ બોમ્બ ફૂટવાથી થતી હોય ને સાંજ પડે પાંચ-પચ્ચીસ ઢીમ ના ઢળ્યાં હોય તો દિવસ બેકાર ગયેલો લાગે એવાં રાજ્યોમાં મિઝોરમ પણ એક હતું. મિઝોરમ જવા કોઈ અધિકારી તૈયાર નહોતો થતો ત્યારે કિરણે મિઝોરમના ડીઆઈજી તરીકે એવો સપાટો બોલાવેલો કે લોકોએ માનવું પડેલું કે તેમનામાં દમ છે. એ દિલ્હીમાં ટ્રાફિક પોલીસમાં ડીસીપી હતાં ત્યારે વિદેશ પ્રવાસે ગયેલાં વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની કાર નો પાર્કિંગ ઝોનમાં મૂકીને ગયેલાં. પોલીસવાળા કારની ચોકી કરતા ને તેને ઘસરકો પણ ન પડે તેનું ધ્યાન રાખીને ઊભા રહેતા. કિરણે ચાપલૂસી કરતા પોલીસોને તો ઘમકાવ્યા જ પણ ઈન્દિરા મેડમની કાર પણ ટો કરાવીને લઈ ગયેલાં. ઈન્દિરાજીએ દંડ ભર્યો પછી જ એ કાર તેમણે છોડેલી.
કિરણની કારકિર્દી આવા બધાં પરાક્રમોથી હરીભરી છે ને તેની કિંમત પણ તેમણે આકરી ચૂકવી છે. કિરણની એવી એવી જગાએ બદલી કરાઈ છે કે બીજું કોઈ હોય તો હારીને નોકરી જ છોડી દે પણ કિરણ હાર્યાં નહીં. જે મળ્યું તેને સોનાનું સમજીને તેમણે સાવ ફાલતું લાગતી કામગીરીમાં પણ જીવ રેડીને જોરદાર રીઝલ્ટ આપ્યું. નાર્કોટિક્સ ડીપાર્ટમેન્ટમાં તેને મુકાયેલાં ત્યારે તેમણે ડ્રગ્સના બંધાણીઓને સુધારવા માટે જે મોડલ અપનાવ્યું તેને આખા દેશે પછી અપનાવ્યું. તેમને સજારૂપે તિહાર જેલમાં મુકાયાં તો ત્યાં પણ તેમણે કેદીઓને સુધારવા જે કાર્યક્રમો શરૂ કર્યા તેની નકલ આજે બધી જેલો કરે છે. કેદીઓને સુધારવા યોગ, વિપશ્યના, ધ્યાન વગેરે ભારતીય પરંપરાઓનો કિરણે શ્રેષ્ઠત્તમ ઉપયોગ કર્યો ને હજારો કેદીઓને સુધાર્યા. આ કાર્યક્રમ માટે તેમને રામન મેગ્સેસે જેવો પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળેલો.
કિરણને કોંગ્રેસ સાથે ન ફાવ્યું તેથી તેમની લાયકાત છતાં દિલ્હીનાં પોલીસ કમિશનર ન બનાવાતાં તેમણે રાજીનામું આપ્યું પછી અણ્ણા હઝારેના આંદોલનમાં જોડાયેલાં. આ આંદોલનથી જાણીતા બનેલા અરવિંદ કેજરીવાલને હરાવવા ભાજપે કિરણને નજીક લઈને દિલ્હીમાં મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર બનાવેલાં પણ કેજરીવાલે કિરણને ધૂળચાટતા કરી દીધાં પછી ભાજપે તેમને પોંડિચેરીનાં લેફ્ટનન્ટ ગવર્નર બનાવીને મોકલ્યાં ત્યારે લાગેલું કે ભાજપે કિરણની કદર કરી છે. 2016થી એ લેફ્ટનન્ટ ગવર્નર હતાં ને ભાજપે તેમને જાળવેલાં તેથી લાગતું હતું કે પાંચ વર્ષ પૂરાં કરશે પણ એ છેલ્લે છેલ્લે મોદી સરકારે તેમને અપમાનજનક સ્થિતિમાં મૂકી જ દીધાં. રાતોરાત તગેડીને સાબિત કર્યું કે, રાજકારણીઓ બધા સરખા છે. કિરણ હવે શું કરશે એ ખબર નથી પણ આ અનુભવ પછી તેમણે રાજકારણથી દૂર રહેવું જોઈએ. નેતાઓના હાથા બનવાના બદલે પોતાનું જૂનું ગૌરવ પાછું મેળવવા મથવું જોઈએ.