વડાપ્રધાન મોદીએ કિસાનો માટેના ત્રણ વિવાદિત કૃષિ કાયદાઓ પડતા મૂકવાનું એલાન કર્યું એમાં કેજરીવાલની યમુના શુદ્ધિકરણ યોજના બહુ ગાજી શકી નહિ. ગુરુનાનક જયંતીએ વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધનમાં નવા કૃષિ કાનૂન કે જેની સામે છેલ્લા બે-ત્રણ વરસથી આંદોલન ચાલતું હતું એ પડતા મૂકવાની એનડીએ સરકારની નીતિ જાહેર કરી. ઉપરાંતમાં વડાપ્રધાને ક્ષમા ચાહીને કિસાનોનું દિલ જીતી લીધું. પરંતુ એને કારણે અરવિંદ કેજરીવાલની મહત્ત્વની પ્રચાર યોજના તરફ કોઈનું ધ્યાન ગયું નહિ એ યોગાનુયોગ છે. દિલ્હીમાં પ્રદૂષણનો વિવાદ ચાલુ જ છે ત્યાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યમુના નદીને સ્વચ્છ કરવાનું એકાએક જ એલાન કરી દીધું છે. કેજરીવાલે યમુના નદીને સાફ કરવાની પ્રતિજ્ઞા લઈને છ મુદ્દાનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. કેજરીવાલનું કહેવું છે કે, ૨૦૨૫ સુધીમાં તો યમુના નદીને એટલી સ્વચ્છ કરી દઈશું કે, લોકો તેમાં નચિંત બનીને નાહી શકશે ને તેનું પાણી પણ પી શકશે.
કેજરીવાલે દિલ્હીનાં લોકોને વચન આપેલું કે, હવે પછીની વિધાનસભા ચૂંટણી લગીમાં યમુના નદીને સાવ સ્વચ્છ કરી દઈશ. કેજરીવાલે હુંકાર કર્યો છે કે, હું આ વચન પાળીને બતાવીશ ને બધાની બોલતી બંધ કરી દઈશ.
કેજરીવાલે યમુનાને સ્વચ્છ કરવા નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન બનાવવા સહિતનાં પગલાં જાહેર કર્યાં છે. આ યોજના હેઠળ હાલના પ્લાન્ટ્સની કેપેસિટી વધારાશે ને જૂના પ્લાન્ટની ટૅક્નોલોજી પણ બદલી દેવાશે. યમુના નદીમાં ઔદ્યોગિક કચરો નાખતાં એકમોને પણ તાળાં મારી દેવાશે. ઝૂંપડપટ્ટીના કચરાને પણ યમુનાના બદલે સ્યૂઅર સાથે જોડી દેવાશે. જેમણે ગટર કનેક્શ નથી લીધાં તેમને મફતના ભાવે જોડાણ અપાશે. આ સિવાય બીજી પણ કેટલીક યોજનાઓ કેજરીવાલે જાહેર કરી છે.
કેજરીવાલે મોટા ઉપાડે યમુના નદીને સ્વચ્છ કરવાનું એલાન તો કરી દીધું પણ આપણે ત્યાં સરકારી રાહે થતી જાહેરાતોમાં શું થાય છે એ નજર સામે છે.
યમુનાના શુદ્ધિકરણની જેમ ગંગા નદીને શુદ્ધ કરવાની વાતો બહુ થાય છે પણ શું થયું તે આપણી નજર સામે છે. ભારતમાં સરકારી રાહે ગંગાને શુદ્ધ કરવાના બહુ પ્રયત્ન થયા છે પણ એ બધા પ્રયત્નો થૂંક ઉડાડવાથી વધારે કંઈ સાબિત થયા નથી. રાજીવ ગાંધીથી માંડીને નરેન્દ્ર મોદી સુધીના વડા પ્રધાનોએ ગંગા નદીને શુદ્ધ કરવા માટે વાતો બહુ કરી પણ ગંગા હજુ મેલી જ છે. ગંગા નદીને શુદ્ધ કરવાની વાતો કરવાની શરૂઆત રાજીવ ગાંધીએ કરી હતી. રાજીવ ગાંધીએ એપ્રિલ ૧૯૮૬માં ગંગા એક્શન પ્લાન જાહેર કરેલો ને અબજો રૂપિયા ફાળવેલા. આ યોજના હેઠળ અબજો રૂપિયાનું આંધણ થયું પણ ગંગા શુદ્ધ ના થઈ ને મેલ જ રહી ગઈ. એ પછીની વી.પી. સિંહ, ચંદ્રશેખર કે નરસિંહરાવની સરકારોને ગંગાને શુદ્ધ કરવાની યોજના ચાલુ રહે તેમાં વાંધો નહોતો તેથી આ યોજના ચાલુ રહી પણ કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયી સરકાર આવી ત્યારે તેમણે આ ધુમાડો બંધ કરવા માટે ગંગા એક્શન પ્લાન બંધ કરી દીધેલો.
વાજપેયીના કારણે દેશના કરોડો રૂપિયા બચી ગયા પણ પછી કેન્દ્રમાં ડૉ. મનમોહન સિંહની કૉંગ્રેસની સરકાર આવી એટલે ફરી તેમને ગંગા મૈયા યાદ આવી ગયાં. મનમોહન સિંહ સરકારે ૨૦૦૯માં નવેસરથી ગંગાને પવિત્ર રાખવા માટે શુદ્ધ કરવાની ઝુંબેશ શરૂ કરીને નેશનલ રીવર ગંગા બેઝિન ઓથોરિટીની રચના કરી નાખી. ગંગાને રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી અને ગંગાના કિનારે આવેલી મ્યુનિસિપાલિટી કે ઔદ્યોગિક એકમો ગંગા નદીમાં કચરો નહીં ઠાલવે તેવું ફરમાન કર્યું હતું. ડૉ. મનમોહન સિંહ સરકારે ૨૦૨૦ સુધીમાં ગંગાને સ્વચ્છ કરવાના અભિયાન માટે ૨૫ હજાર કરોડ રૂપિયા ખર્ચવાની જાહેરાત પણ કરી હતી. ગંગા નદીમાં થતા પ્રદૂષણને રોકવા ગૌમુખથી ઉત્તર સુધીના ૧૦૦ કિલોમીટરના પટ્ટાને ઈકો સેન્સિટીવ ઝોન જાહેર કરી ત્યાં બાંધકામ કરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બૅન્કે ૨૦૧૧માં રૂપિયા ૬૦૦૦ કરોડની સહાય જાહેર કરી હતી. આ સહાય મળતાં સરકારી રાહે કામ ચાલતું રહ્યું પણ એવી કોઈ પ્રગતિ થઈ નહીં કે જેના કારણે ગંગા શુદ્ધ થઈ હોય એવું લાગે.
ડૉ. મનમોહન સિંહે ગંગાના શુદ્ધિકરણની ઝુંબેશ શરૂ કરી એટલે ભાજપે પણ ગંગા નદીના શુદ્ધિકરણનો ઝંડો ઉઠાવવો પડ્યો. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે ભાજપે તેના ઢંઢેરામાં ગંગા નદીના શુદ્ધિકરણનું વચન આપ્યું હતું. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવતાં જ ભાજપે આ વચન પાળવાની દિશામાં પહેલું કદમ પણ ઉઠાવી લીધું હતું. મોદી સરકારે જળશક્તિ મંત્રાલયમાં ગંગા શુદ્ધિકરણનો ખાસ વિભાગ ઊભો કરીને હિંદુવાદી નેતા ઉમા ભારતીને તેનો હવાલો અપાયો હતો. મોદી સરકારના પહેલા નાણાં મંત્રી અરૂણ જેટલીએ ૨૦૧૪ના પહેલા બજેટમાં ગંગા નદીના શુદ્ધિકરણ માટેના ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટ હેઠળ રૂપિયા ૨૦૩૭ કરોડની જંગી રકમ ફાળવી હતી. આ પ્રોજેક્ટ પાછળ કુલ ૨૦ હજાર કરોડ રૂપિયા ખર્ચવાની જાહેરાત કરાઈ હતી. હરિદ્વારમાં ઉમા ભારતીએ નીતિન ગડકરીની સાથે મળીને આ પ્રોજેક્ટના શ્રીગણેશ કરાવ્યા હતા. દેશભરમાં બીજે ઠેકાણે પણ ભારે ધૂમધામથી ગંગાને શુદ્ધ કરવાને લગતા પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા.
ગંગા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ થઈ. આ અરજીના પગલે મોદી સરકારે ગંગાના શુદ્ધિકરણની દિશામાં બીજું કદમ ઉઠાવીને નમામિ ગંગે પ્રોજેક્ટ હેઠળ ગંગા નદીના કિનારે ઘાટ, સ્મશાનગૃહો, સુએઝ પ્લાન્ટ વગેરે બંધાશે ને તેની પાછળ ૨૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેવી જાહેરાત કરી હતી. મોદી સરકારે એલાન કરેલું કે, ‘નમામિ ગંગે’ હેઠળ પહેલા તબક્કામાં ૨૦૦૦ કરોડ ખર્ચાશે ને આ બધાં કામ ૨૦૧૮માં પૂરાં થાય પછી બીજો તબક્કો શરૂ કરાશે. એ રીતે તબક્કાવાર કામ ચાલ્યા કરે ને આવતાં દસેક વર્ષમાં ગંગાને શુદ્ધ કરવાનું ભગીરથ કામ પતી જશે તેવો આશાવાદ સરકારે બતાવ્યો હતો. હવે પછીના તબક્કામાં શું શું કામ થશે તેની વાતો પણ હોંશભેર કરી હતી.
ભાજપ સરકારનો ઉદ્દેશ શુભ હતો. ૨૦૧૯માં ફરી લોકોએ મોદીને સરકાર ચલાવવાનો આદેશ આપ્યો પછી નવું જળ શક્તિ મંત્રાલય રચાયું. આ મંત્રાલયનો ભાર ગજેન્દ્રસિંહ શેખાવતને અપાયેલો. નવો બાવો બે ચીપિયા વધારે ખખડાવે એ હિસાબે નવા જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે પણ મોટી મોટી વાતો કરેલી. તેમણે બે વર્ષમાં ગંગાને શુદ્ધ કરવાનું એલાન કરેલું. શેખાવતની શેખીને અઢી વર્ષ થઈ ગયાં ને આપણે હજુ ક્યાં છીએ એ કહેવાની જરૂર નથી. હજુ આપણે ઠેરના ઠેર છીએ. અબજોનું આંધણ ને વરસોની મથામણ પછી ગંગા હજુય મેલી જ છે. જો કે યમુનાને શુદ્ધ કરવી ગંગાની સરખામણીમાં સરળ પણ છે. તેનું મુખ્ય કારણ એ કે, ગંગાની સરખામણીમાં યમુના બહુ નાની નદી છે. યમુનાની લંબાઈ ગંગાની સરખામણીમાં અડધીથી પણ ઓછી છે. યમુનાની લંબાઈ ૧૩૭૬ કિલોમીટર છે ને ગંગા કરતાં એ બહુ નાની નદી છે. બીજું મહત્ત્વનું કારણ એ કે, યમુનોત્રીમાંથી નીકળ્યા પછી ગંગા દિલ્હી આવે ત્યાં સુધીમાં પ્રમાણમાં સ્વચ્છ રહે છે.
યમુનોત્રીથી દિલ્હી વચ્ચેનો પટ્ટો બહુ નાનો છે અને આ પટ્ટામાં યમુના ગંદી થતી નથી. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારોમાંથી પસાર થઈને યમુના આવે છે તેથી યમુનાના કિનારા પર બહુ મોટાં શહેરો નથી. તેના કારણે દિલ્હી પહેલાં યમુના ગંદી નથી અને પ્રમણમાં સ્વચ્છ છે. ગંગાની સરખામણીમાં ધાર્મિક રીતે પણ યમુના નદીનું બહુ મહાત્મ્ય નથી. તેના કારણે પણ ગંગાની જેમ યમુનામાં અંતિમ સંસ્કાર તથા બીજી ધાર્મિક વિધિઓનો કચરો ઠલવાતો નથી. દિલ્હીમાં યમુના ગંદી છે તેનું કારણ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાંથી ઠલવાતી ગંદકી છે. કેજરીવાલે યમુનાને સ્વચ્છ કરવા માટે આ ગંદકીને યમુનામાં ઠલવાતી રોકવાની છે. આ કામ કપરું છે ખરું પણ અશક્ય નથી. દિલ્હીમાં કરોડો લોકો રહે છે ને યમુના નદીના કિનારે ઝૂંપપટ્ટીઓ તથા કારખાનાંનો ખડકલો થયેલો છે. તેમનો બધો કચરો યમુના નદીમાં ઠલવાય છે. કેજરીવાલ કડક હાથે કામ લઈને તેને રોકે તો તેમના માટે યમુનાને સાફ કરવી સરળ છે. કેજરીવાલે એ માટે દંડો ચલાવવો પડે, કડક હાથે કામ લેવું પડે ને તંત્રને દોડતું કરવું પડે. આ બધું કરવું કપરું છે પણ અશક્ય નથી જ.
આશા રાખીએ કે, કેજરીવાલ આ કામ કરી બતાવે ને યમુનાને સ્વચ્છ કરી નાખે. દેશના એક શહેર પાસે તો સ્વચ્છ નદી છે એવું આશ્વાસન આપણે લઈ શકીએ.