કુંડલાનાં દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ કડી દોષિત જાહેર

અમરેલી,
ત્રણ વર્ષની માસૂમ બાળાને પિંખી નાખનારા હેવાન સામેનો કેસ અમરેલીની સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા સાવરકુંડલાના આ ધૃણાસ્પદ દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ કડી દોષિત જાહેર કરાયો હતો. સાવરકુંડલામાં નદીના કાંઠે ઝુંપડું બાંધી રહેતા ગરીબ પરિવારની ત્રણ વર્ષની માસૂમ બાળકીને રાત્રે કોઈ ઉઠાવી ગયું હતું અને તેની ઉપર હેવાનિયત આચરી તેને મોટા ઝીંઝુડા ગામના બસ સ્ટેન્ડ માં નાખી દીધી હતી જેથી લોહી લુહાણ હાલતમાં આ બાળકી મળી આવી હતી આ રાક્ષસી કૃત્ય કોણે કર્યું છે તેની પોલીસે તપાસ શરૂ કરી હતી
અમરેલીના એસપી નિર્લિપ્ત રાયની કુનેહ અને દીર્ધ દ્રષ્ટિથી આ બનાવનો ભેદ ઉકેલાયો હતો અને રિક્ષાચાલક આરોપી રાજુ કડી ઉર્ફે નારણ માંગરોળીયા પોલીસના હાથમાં આવી ગયો હતો.પોલીસે આ બનાવ અંગે તમામ પુરાવાઓ એકત્ર કર્યા હતા અને ડી.એન.એ સહિતના પુરાવાઓ પણ એકત્ર કર્યા હતા.
આ કેસ માટે ચાર મહિના પહેલા સરકારે સ્પેશિયલ પીપી તરીકે અમરેલીના વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી ઉદયન ત્રિવેદી ની નિમણૂક કરી હતી શ્રી ઉદયન ત્રિવેદીએ આ કેસમાં ઝડપભેર ચાર્જશીટ થાય અને આરોપી સખતમાં સખત સજા મળે તેના માટે પ્રયાસો કર્યા હતા.બીજી તરફ ગંભીર રીતે ઇજા પામનાર આ બાળકીની મેડિકલ હાલત પણ ખરાબ હતી સામાન્ય ભિક્ષુક પરિવાર તેની સારવાર કરાવવા માટે સક્ષમ પણ ન હતો ત્યારે સરકારના સખી વન સ્ટોપ સેન્ટર ના બે કાર્યકર બહેનો લાજવંતી બહેન બધેકા અને નયનાબહેન દ્દ્વારા ઇજાગ્રસ્ત બાળકી ને સારવાર માટે રાજકોટ લઇ જઇ અને તેને સંભાળી નવજીવન અપાયેલ હતું. આ બનાવ અંગે નો કેસ અમરેલીની સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા આરોપી રાજુ ઉર્ફે કડી નારણ માંગરોળીયાને સ્પેશ્યલ જજ શ્રી આર. આર. દવે એ દોષિત ઠેરવ્યો હતો અને આગામી તારીખ 31મીએ આરોપીને સજાનો હુકમ કરવામાં આવશે હવે અમરેલીની આ સ્પેશ્યલ કોર્ટના ચુકાદા ઉપર સૌની મીટ મંડાઈ છે કારણકે તાજેતરમાં જેતલવડ ની ઘટના એ સૌરાષ્ટ્રભરમાં જન આક્રોશ ફેલાયો છે અને આવા બનાવોમાં આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ અને નમૂનારૂપ રીતે સજા થાય તો ભવિષ્યમાં આવા ગુના કરતા ગુનેગારો અટકે તેવી ચર્ચા પણ લોકોમાં ચાલી રહી છે.