કુંડલા- રાજુલા હાઇવે પર ગાંડાએ હાહાકાર મચાવ્યો

  • આંબરડી ગામના પાટીયા પાસે પાગલ શખ્સે રોડ પર પસાર થતા વાહનો પર પથ્થરો ફેંકી કાચ ફોડી નાંખતા લોકોમા ફફડાટ

આંબરડી, ગત મંગળવારની રાત્રિ દરમિયાન સાવરકુંડલા- રાજુલા હાઇવે પર આંબરડી ગામની સીમમાં હાથમાં લાકડી સાથે એક શખ્સ આજુબાજુ આવી ચડ્યો હતો, રોડ નજીકમાં આવેલ ભાદાભાઇ કસવાળાની વાડીમાં આવી જતા ખેતી કામ કરતા મજૂરો ના ઝુંપડામાં ઘુસી હુમલાની કોશિશ કરતાં તેણે સામનો કરી બહાર કાઢેલ હતો.
ત્યાર બાદ આ શખ્સ રોડ પર અડિંગો જમાવી આવતા જતા વાહનો પર પથ્થર અને લાકડીથી હુમલો કરવાનું ચાલુ કરતાં આંબરડી ગામ થી લિંબાળા સુધીના પુલ સુધીમાં વાહનોના કાચ તોડી નાંખેલા તેમજ વહેલી સવારે સાવરકુંડલા માર્કેટયાર્ડ માથી શાકભાજી લઇને આવી રહેલ એક રીક્ષા પર હુમલો કરતાં અંદર બેઠેલા મનુભાઈ મધુભાઈ (નવી આંબરડી વાળાને ) હાથ પર ઇજા થયેલ આ સિવાય રોડ પર તૂટેલા કાચના ટુકડા પડેલા જોવા મળેલ.ત્યાર બાદ સુરત થી આંબરડી આવી રહેલ સોની ટ્રાવેલ્સની બસ પર હુમલો કરી કાચ ફોડી નાંખતા બસમાં ચડી જતા છેવટે બસ ઉભી રાખી બહાર ધકેલતા આ શખ્સ રોડ પર જ સુઈ ગયો હતો, વાહનો પર પથ્થર ફેંકતા અસ્થિર શખ્સ પડી જતા હાથ પગમા ઈજા પહોંચી હતી આ અંગેની જાણ આંબરડી ગામના સરપંચ બાબુભાઈ માલાણીને કરતા 108 એમ્બ્યુલન્સ મારફત આ શખ્સને સાવરકુંડલા સારવાર માટે લઇ ગયેલ ત્યાંથી જાણવા મળે કે આ શખ્સ માનસિક રીતે અસ્થિર મગજનો છે.
રોડ પર જુદી જુદી જગ્યાએ કાચના પડેલા ટુકડા ઉપરથી એવું અનુમાન થઈ શકે કે આ શખ્સે આવતા જતા અન્ય કેટલાય વાહનોને પણ પથ્થરના ઘા મારી કાચ તોડી નાખેલ હશે. પરંતુ વાહન ચાલકોએ લુંટેરો સમજી પોતાના સ્વબચાવમા ગાડી ઉભી નહી રાખી નીકળી હાંશકારો મેળવ્યો હશે.અંતમા આ બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હતી, ઘટના અંગે કોઈ પોલીસ ફરીયાદ થવા પામેલ નથી.